રાજકોટ જિલ્લાના વિરનગર ખાતે આવેલી શિવાનંદ આંખની હોસ્પિટલમાં વર્ષ ૨૦૨૪માં યોજાયેલા નિદાન કેમ્પ બાદ સર્જાયેલા વિવાદમાં ગુજરાત હાઈકોર્ટે મહત્વપૂર્ણ અને કડક વલણ દાખવ્યું છે. આંખના ઓપરેશન બાદ અનેક દદીઓએ
દ્રષ્ટિ ગુમાવવી પડી હોવાની ઘટનામાં સ્થાનિક સ્તરે ન્યાય ન મળતા મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો હતો,જ્યાં કોર્ટે રાજકોટ રૂરલ એસ.પી.ને સમગ્ર પ્રકરણની ૮ અઠવાડિયામાં ફેર તપાસ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
સુત્રો માંથી મળતી વિગતો મુજબ વિરનગર સ્થિત શિવાનંદ આંખની હોસ્પિટલ દ્વારા ગ્રામ્ય વિસ્તારના ગરીબ અને જરૂરિયાતમંદ દદીઓ માટે ૨૦૨૪માં નેત્ર નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ કેમ્પમાં મોટી સંખ્યામાં દદીઓની તપાસ બાદ સર્જરી કરવામાં આવી હતી. જોકે, ઓપરેશન બાદ દદીઓને રાહત થવાને બદલે અસહ્ય પીડા,ચેપ અને દ્રષ્ટિ ગુમાવવાનો વારો આવ્યો હતો. પીડિતોનો આક્ષેપ છે કે,ડોક્ટરોએ સર્જરીમાં ઘોર બેદરકારી દાખવી હતી અને ત્યારબાદ પણ કોઈ, સંતોષકારક જવાબ આપ્યો ન હતો.
જેથી સ્થાનિક કક્ષાએ રજૂઆતો કરવા છતાં નક્કર કાર્યવાહી ન થતાં પીડિતોએ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. પીડિતો વતી એડવોકેટ પ્રશાંત ચાવડાએ કોર્ટમાં ધારદાર દલીલો કરી હતી. તેમણે કોર્ટનું ધ્યાન દોર્યું હતું કે, આ ઘટના માત્ર સામાન્ય ‘મેડિકલ નેગ્લિજન્સદ નથી, પરંતુ માનવ જીવન સાથે થયેલા ગંભીર ચેડાં છે. ઓપરેશન પૂર્વેના જરૂરી રિપોર્ટ્સ અને મેડિકલ પ્રોટોકોલનું ઉલ્લંઘન કરી દદીઓની સુરક્ષાને જોખમમાં મૂકવામાં આવી હતી,
જે ગુનાહિત કૃત્યની શ્રેણીમાં આવે છે, હાઈકોર્ટે મામલાની ગંભીરતાને ધ્યાને લઈ સ્થાનિક તપાસની ઢીલી નીતિ સામે નારાજગી વ્યક્ત કરી હતી. કોર્ટે રાજકોટ રૂરલ એસ.પી.ને આદેશ આપ્યો છે કે, આગામી ૮ અઠવાડિયામાં આ કેસની નવેસરથી, વ્યાપક અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે હાઈકોર્ટના આ હુકમ બાદ હોસ્પિટલ સંચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે, જ્યારે પીડિતોમાં ન્યાયની નવી આશા જાગી છે.