મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચ યુનિટ 2 એ ગુપ્ત માહિતીના આધારે એક મોટું ઓપરેશન હાથ ધરીને 500 રૂપિયાના હાઈ-ક્વોલિટી નકલી નોટોનું મોટું નેટવર્ક પકડી પાડ્યું છે. પોલીસે નાગપાડા અને કુરલા વિસ્તારમાં જાળ બિછાવીને રૂ. 10.64 લાખની બનાવટી ભારતીય ચલણી નોટો જપ્ત કરી છે. આ મામલે પોલીસે એક પુરુષ આરોપીની સત્તાવાર ધરપકડ કરી તેને કોર્ટમાં રજૂ કર્યો હતો, જ્યાંથી કોર્ટે તેને 10 સપ્ટેમ્બર સુધીના પોલીસ રિમાન્ડ પર મોકલી આપ્યો છે.
પોલીસની પ્રાથમિક કાર્યવાહી દરમિયાન સૌપ્રથમ એક મહિલાને છટકું ગોઠવીને ઝડપી પાડવામાં આવી હતી, જેની પાસેથી 500 રૂપિયાના મૂલ્યની કેટલીક નકલી નોટો મળી આવી હતી. મહિલાની પૂછપરછ દરમિયાન મળેલી ચોક્કસ માહિતીના આધારે પોલીસે કુરલા વિસ્તારમાંથી એક પુરુષ આરોપી સુધી પહોંચીને તેની પાસેથી મોટા પ્રમાણમાં નકલી નોટોનો જથ્થો કબજે કર્યો હતો. મહિલાએ આ નકલી નોટો પુરુષ આરોપી પાસેથી મેળવી હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે પુરુષ આરોપીની ધરપકડ કરી છે જ્યારે મહિલાની ભૂમિકા અંગે વધુ તપાસ ચાલુ રાખીને તેને નોટિસ આપવામાં આવી છે.
તપાસમાં સામે આવેલા સૌથી ચોંકાવનારા ખુલાસા મુજબ, આરોપીઓ આ નકલી ચલણને અસલી રકમના બમણા મૂલ્યે વેચતા હતા. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિ આરોપીઓને 10000 રૂપિયાની અસલી ચલણી નોટો આપતી, તો તેના બદલામાં તેને 20000 રૂપિયાના મૂલ્યની નકલી 500 ની નોટો આપવામાં આવતી હતી. એટલે કે 1 અસલી રૂપિયા સામે 2 નકલી રૂપિયા આપવાનો ખતરનાક ખેલ ચાલતો હતો. જોકે, આ આરોપીઓ પોતે આ નકલી નોટો ક્યાંથી અને કેટલા રૂપિયામાં ખરીદી લાવતા હતા તે અંગે પોલીસ હાલ તપાસ ચલાવી રહી છે.
મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર, આ હાઈ-ક્વોલિટી નકલી નોટો મહારાષ્ટ્ર બહારના રાજ્યમાંથી સપ્લાય કરવામાં આવી હતી. આ નોટોમાં અસલી 500 ની નોટના સુરક્ષા ફીચર્સ ખૂબ જ બારીકાઈથી કોપી કરવામાં આવ્યા હતા, જેથી સામાન્ય માણસ તેને સરળતાથી ઓળખી શકે નહીં. જોકે, ઊંડાણપૂર્વક તપાસ કરતાં નોટના નીચેના સફેદ માર્જિન, હોલોગ્રામની ગુણવત્તા અને અમુક લખાણના ફોન્ટમાં તફાવત જોવા મળ્યો હતો. હાલમાં પોલીસ આ નેટવર્કના મુખ્ય સૂત્રધાર અને ઉત્પાદન સ્થળ સુધી પહોંચવા માટે સઘન તપાસ ચલાવી રહી છે.