હિરલબા જાડેજા બે દિવસના રિમાન્ડ પર, પોલીસ પૂછપરછમાં તબિયત લથડતા ભાવસિંહજી હોસ્પિટલમાં દાખલ કરાયા

  • May 02, 2025 09:10 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મૂળ પોરબંદરના કુછડી ગામની તથા હાલ ઇઝરાયેલ રહેતી લીલુ ઓડેદરા નામની એક મહિલાએ સોશિયલ મીડિયાના માધ્યમથી વીડિયો વાઇરલ કરીને તેના પિતા, પતિ અને પુત્રને 70 લાખ રૂપિયાની લેતીદેતીના પ્રશ્ને હિરલબા જાડેજા અને તેના માણસોએ સૂરજ પેલેસ બંગલે ગોંધી રાખ્યાની ફરિયાદ કર્યા બાદ પોરબંદર જિલ્લા પોલીસ વડાએ આ બાબતને ગંભીરતાથી લઈને તાત્કાલિક કાર્યવાહી કરી હતી. જેમાં હિરલબા અને તેના સાગરીતો સામે ગુનો નોંધાયો હતો. જે પૈકી હિરલબાને બે દિવસના અને તેના સાગરીત હિતેશ ઓડેદરા ને ચાર દિવસના રિમાન્ડ ઉપર લેવામાં આવ્યા છે. 


કોઈપણ વ્યક્તિઓને ધાકધમકી અપાઈ હોય તો પોલીસનો સંપર્ક કરે

પૂછપરછ શરૂ થતા હિરલબાની તબિયત લથડી હતી અને તેમને સારવાર માટે સરકારી ભાવસિંહજી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે ખાસ અપીલ કરીને જણાવ્યું છે કે, કોઈપણ વ્યક્તિઓને ધાકધમકી અપાઈ હોય અથવા મિલકત પડાવાઇ હોય તો ગમે ત્યારે નીડરતાથી પોલીસનો સંપર્ક સાધે તે જરૂરી છે. પોલીસ તેમને મદદ કરશે તેવી જાણ કરવામાં આવી છે.


જાણો શું છે આખો કેસ

પોરબંદરના નજીકના કુછડી ગામે રહેતી અને હાઈ ઇઝરાયલ રહેતી લીલુ ઓડેદરાએ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાઇરલ કરીને રડતા રડતા એવું જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી માંડીને પોરબંદરના એસ.પી. તેમને મદદ કરે તેવી માંગણી છે. હિરલબા જાડેજા અને તેના માણસોએ લીલુબેનના પતિ અને 17 વર્ષના પુત્રને સુરજ પેલેસ બંગલા ખાતે ગોંધી રાખ્યા છે અને લીલુબેને લીધેલા રૂપિયા પાછા આપવા તેમની દબાણ કરી રહ્યા છે. બંગલે ગોંધી રાખવામાં આવેલા દીકરાનો અભ્યાસ પણ બગડી રહ્યો છે. મદદ માંગવા છતાં કોઈ તેઓને મદદ કરવા આગળ આવતું નથી. 


હિરલબાએ ફગાવ્યા હતા આક્ષેપ

આ પ્રકારના ગંભીર આક્ષેપો થયા ત્યારે હિરલબા જાડેજાએ એવું જણાવ્યું હતું કે તેમણે કોઈને ગોંધી રાખ્યા નથી. પરંતુ ઉલ્ટાના લીલુબેનના પતિ અને પુત્રને બીજા લોકો પૈસા માટે હેરાન કરતા હોવાથી એ બંને ખુદ જાતે જ હિરલબાની મદદ માંગવા માટે આવ્યા હતા અને હિરલબાએ તેઓને મદદ કરી હતી. રૂપિયાની લેતીદેતીના પ્રશ્ને ગોંધી રાખ્યા હોવાના આક્ષેપ ફગાવી દીધા હતા.


પોલીસે હાથ ધરી તપાસ

આ પ્રકારના વાઇરલ થયેલા વીડિયો બાદ પોલીસ દ્વારા ઊંડાણથી તપાસ હાથ ધરવામાં આવી હતી. જિલ્લા પોલીસવડા ભગીરથસિંહ જાડેજાએ જાતે રસ લઇને કોઇની સેહશરમ રાખ્યા વગર તટસ્થ તપાસ કરવાની કાર્યવાહી આગળ ધપાવી હતી.


અચાનક પોલીસમથકે થયા હાજર

લીલુબેન ઓડેદરાએ તેમના પુત્ર અને પતિનું અપહરણ થયાની અને બંગલે ગોંધી રાખ્યાની વાત જાહેર કરી હતી. તેની પૂરતા પ્રમાણમાં પોલીસ દ્વારા તપાસ થાય તે પહેલા અચાનક તેમના પતિ  ભનુભાઇ અને પુત્ર રણજીત અચાનક જ પોલીસમથકે હાજર થયા હતા અને પોલીસ દ્રારા તેઓની ઉંડાણથી પૂછપરછ કરવામાં આવતા તેઓએ એવુ જણાવ્યું હતું કે, તેમનું કોઈ અપહરણ કરવામાં આવ્યું નથી અને તેઓ હિરલબાના બંગલે મદદ માંગવા માટે ગયા હતા. લીલુબેને જેમની પાસેથી પૈસા લીધા છે તેવા અનેક લોકો હેરાન કરતા હોવાથી હિરલબા જાડેજાની મદદ  માટે તેમને ત્યાં ગયા હોવાનું જણાવીને હિરલબાએ અપહરણ કરીને ગોંધી નહી રાખ્યાનું પોલીસ સમક્ષ વીડિયોમાં કબૂલ્યું હતું.


અચાનક પોલીસે નોંધ્યો ગુનો

આ બનાવમાં હજુ તો પૂરતા પ્રમાણમાં વિગતો જાહેર થાય તે પહેલા અનેકવિધ ચર્ચાઓ જાગી હતી અને અલગ–અલગ પ્રકારની અફવાઓ પણ વહેતી થઇ હતી. તે દરમ્યાન અચાનક જ હાર્બર મરીન પોલીસમથકમાં હિરલબા જાડેજા સહિત   તેમના સાગરિતો વિરૂધ્ધ ગુન્હો નોંધવામાં આવતા ભારે ચકચાર જાગી છે.


એફ.આઇ.આર.ની વિગત

કુછડી ગામે ગૌશાળા પાસે રહેતા ભનુભાઇ અરજણભાઇ ઓડેદરા નામના ૬૪ વર્ષના વૃધ્ધ દ્રારા એવી પોલીસફરિયાદ નોંધાવવામાં આવી છે કે તેમની દીકરી લીલુએ લીધેલા ૭૦ લાખ રૂપિયા કઢાવવા માટે કાવતરુ રચીને ગત તા. ૧૧–૪–૨૦૨૫ના રાત્રે ફરિયાદી ભનાભાઇના ઘરે અજાણ્યા ચારથી પાંચ આરોપીઓએ ઘરમાં અપપ્રવેશ કરી ફરિયાદી ભનાભાઇ, તેના જમાઇ ભનુભાઇ અને ફરિયાદીની સાળી ગીગીબેનનું અપહરણ કરી કાળા રંગની રજીસ્ટર નંબર ૧૦૦૦ વાળી ફોરવ્હીલમાં પોરબંદરના સુરજ પેલેસ બંગલે કે યાં હિરલબા ભુરાભાઇ જાડેજા વસવાટ કરે છે ત્યાં લઇ ગયા હતા અને હિરલબા જાડેજાની સામે જ અન્ય બે શખ્શો કે યુબેલી ખાપટ રોડ પર રહે છે તેવા હિતેશ ભીમા ઓડેદરા અને વિજય ભીમા ઓડેદરાએ ભનાભાઇની દીકરી સાથે ભનાભાઇ અને તેના જમાઇ ભનુભાઇની વીડિયોકોલમાં વાત કરાવી હતી અને રૂપિયા કઢાવવા માટે દબાણ કર્યુ હતુ એટલું જ નહીં પરંતુ હિરલબાના બંગલે રહેલા અજાણ્યા ચારથી પાંચ ઇસમોએ ફરિયાદી ભનાભાઇ ઓડેદરા અને તેના જમાઇ ભનુભાઇનું અપહરણ થયુ છે તેવુ જાણવા છતાં એ અજાણ્યા ઇસમોએ એકબીજાને મદદગારી કરી હતી. તથા ફરિયાદી ભનાભાઇ અને તેના જમાઇ ભનુભાઇને ગેરકાયદેસર રીતે છુપાવી અટકાયતમાં રાખ્યા  હતા. એટલું જ નહી પરંતુ ચાર–પાંચ દિવસ પછી હિતેશ ભીમા ઓડેદરાએ  ફરિયાદી ભનાભાઇની દીકરી લીલુના દીકરા રણજીતનું રાણાવાવ ખાતેથી અપહરણ કરીને તેને પણ સુરજપેલેસ બંગલે લાવવામાં આવ્યો હતો અને તેના પિતા અને નાના સાથે રાખીને ફોન પર  તેની માતા લીલુ સાથે વાત કરાવી પૈસા આપી દેવા માટે દબાણ  કર્યુ હતુ. હિતેશ ભીમા ઓડેદરાઅને હિરલબાના માણસોએ ફરિયાદી ભનાભાઇ અરજણ ઓડેદરા અને તેના જમાઇ ભનુભાઇને ઢીકાપાટુનો માર મારી રણજીતને ધમકીઓ આપી હતી તથા હિતેશ ભીમા ઓડેદરાએ ફરિયાદી અને તેના જમાઇને આડકતરી રીતે મારી નાખવાની  ધમકી આપી હતી ત્યારબાદ હિતેશ ભીમા ઓડેદરાની ભનુની કુછડી ખાતે રહેલ કાર હિરલબાના બંગલે મંગાવી લીધી હતી તેમજ જમીન, મકાન, પ્લોટ, દાગીના વગેરે આપી દેવા માટે દબાણ કર્યુ હતુ તથા હિતેશે બળજબરીથી ભનાભાઇ પાસે અલગ–અલગ અગિયાર જેટલા કોરા ચેકમાં સહી કરાવી લીધી હતી. તો વિજય ભીમા ઓડેદરાએ ફરિયાદી ભનાભાઇની મૃત્યુ પામેલી દીકરીની નિશાની માટે રાખેલ હાથમાં પહેરવાનો સોનાનો દોઢ તોલાનો બેરખો અને આશરે અડધાથી પોણા તોલા સોનાનો ચેઇન મળી દોઢેક લાખના દાગીના લઇ લીધા હતા. તથા ફરિયાદી ભનાભાઇ અરજણ  ઓડદરા અને તેના જમાઇ ભનુભાઇને સતર દિવસ સુધી તથા દોહિત્ર રણજીતને બાર દિવસ સુધી સુરજ પેલેસ બંગલે ગોંધી રાખી બળજબરીથી ૭૦ લાખ રૂા. કઢાવી લેવા તા. ૨૭–૪ સુધી ગેરકાયદેસર અટકાયત કર્યાનો ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે જેમાં બી.એન.એસ.ની કલમ ૩૦૮(૫), ૧૪૦(૩), ૧૪૨, ૧૧૫(૨), ૩૫૧(૩), ૧૨૦(૧), ૧૨૭(૪), ૩૨૯(૩), ૬૧(૨) (બી) મુજબ ગુન્હો નોંધીને તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application