BREAKING NEWS

રજુપતપરામાં આવેલી ટ્રાન્સપોર્ટની ઓફિસમાં તેના જ કર્મીએ મિત્ર સાથે મળી ચોરી કરી હતી

  • November 08, 2025 03:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રજપુતપરામાં આવેલી ટ્રાન્સપોર્ટની ઓફિસમાંથી રૂ.૨.૨૫ લાખના ગન મેટલના ભંગારની ચોરી થયા અંગે ફરિયાદ નોંધાવી હતી. એ ડિવિઝન પોલીસે ગણતરીની કલાકોમાં આ ચોરીનો ભેદ ઉકેલી ઓફિસમાં કામ કરનાર કર્મચારી અને તેના મિત્રને ઝડપી લઇ તમામ મુદ્દામાલ કબજે કર્યો હતો. દેણું થઇ જતા ચોરી કર્યાનું આરોપીએ રટણ કર્યું હતું.


કાલાવડ રોડ પર કોસ્મોપ્લેકસ પાછળ સેરેનીટી ગાર્ડનમાં રહેતા રાજદિપસિંહ ઇન્દ્રજિતસિંહ જાડેજા(ઉ.વ. ૨૮) દ્વારા એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધવવામાં આવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમને રજપુતપરા શેરી નં.૫ માં શ્રી ખોડીયાર ટ્રાન્સપોર્ટની ઓફીસ છે. ગઇ તા.૨૮/૧૦/૨૦૨૫ ના ભાવનગર ખાતેથી મહેંન્દ્ર મેટલ ટ્રેડલીંક દ્વારા ગન મેટલનો ભંગાર(કોપર)નો સ્ક્રેપ કીમત આશરે રૂપીયા ૧૧,૫૪,૮૨૨ જે તેઓએ અહીં રાજકોટ ખાતે કોસીનેટ એન્જીન્યર કંપની જી.આઈ.ડી.સી. ઉધ્યોગનગર ભક્તીનગર વાળાને મોકલેલ હતો. ગઇ તા.૨૮/૧૦/૨૦૨૫ ના સવારના અગ્યારેક વગ્યાથી ગઇ તા.૩૧/૧૦/૨૦૨૫ ના ત્રણેક વાગ્યા સુધીમાં દિવસ કે રાતના કોઇપણ સમય દરમિયાન ઓફીસમાંથી ગન મેટલ સ્ક્રેપનો ભંગાર જે અલગ અલગ સાઇઝના ૭ નંગ જેનો વજન આશરે ૧૮૮ કીલો જેની કિંમત આશારે રૂપીયા ૨,૨૫,૧૬૭ હોય તે કોઇ ચોરી કરી ગયાની જાણ થતા આ અંગે ફરિયાદ નોંધાવી હતી.


ચોરીના આ બનાવને લઇ એ ડિવિઝન પોલીસ મથકના પીઆઇ બી.વી.બોરીસાગરની રાહબરી હેઠળ ટીમ પેટ્રોલીંગમાં હતી દરમિયાન હેડ કોન્સ. મહેશભાઇ ચાવડા,કલ્પેશભાઇ બોરીચા અને ધારાભાઇ વનારીયાને મળેલી બાતમીના આધારે શાસ્ત્રી મેદાન ગેટ પાસે શંકાસ્પદ રીક્ષા ઝડપી લીધી હતી. રીક્ષામાં ગન મેટલનો સ્ક્રેપ હોય આ બાબતે બીલ માંગણા રીક્ષામાં સવાર બંને શખસો બીલ રજુ કરી શકયા ન હતા. બાદમાં આ શખસોની પુછતાછ કરતા તેના નામ સંજય કરશનભાઇ ચૌહાણ(ઉ.વ ૩૦ રહે. મહીકા) અને શબ્બીર ગુલામભાઇ શીશાંગીયા(ઉ.વ. ૩૦ રહે. કોઠારીયા રોડ ન્યુ સાગર મેઇન રોડ, મહેશ્વરી સોસાયટી) હોવાનું જણાવ્યું હતું. બંનેની સઘન પુછતાછ કરતા તેમણે ટ્રાન્સપોર્ટની ઓફિસમાં કરેલી ચોરીનો કબુલાત આપી હતી. પોલીસે બેલડી પાસેથી રૂ.૨.૨૫ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.


પોલીસની તપાસમાં આરોપી સંજય ચૌહાણ ફરિયાદીની ટ્રાન્સપોર્ટની ઓફિસમાં જ નોકરી કરતો હોવાનું માલુમ પડયું છે. તેણે મિત્ર શબ્બીર સાથે મળી ચોરીના બનાવને અંજામ આપી ઓફિસની જ રીક્ષામાં માલ ભરી લીધો હતો. દેણું થઇ જવાના લીધે ચોરી કરી હોવાનું બંને આરોપીએ રટણ કર્યું હતું. આ કામગીરીમાં એ ડિવિઝનના પીઆઇ બી.વી.બોરીસાગરની રાહબરીમાં પીએસઆઇ એચ.એન.જેઠવા, એઅસઆઇ બી.વી.ગોહિલ, એમ.એસ.મકવાણા, હેડ કોન્સ. કરણભાઇ વિરસોડીયા, કનુભાઇ બસીયા, સગારભાઇ માવદીયા અને કોન્સ. ધર્મેશભાઇ ખાંડેખા સાથે રહ્યા હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application