#Team aajkaal
રાજકોટ રેન્જ આઈજીની સ્પેશિયલ ટીમ પર સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા પોલીસ સ્ટેશન વિસ્તારના ગોસળ ગામ પાસે એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. અનેક ગંભીર ગુનાઓમાં વોન્ટેડ કુખ્યાત હિસ્ટ્રીશીટર દેવેન્દ્ર ઉર્ફે ડેન્ડુ બોરીચાને પકડવા ગયેલી પોલીસ ટીમ પર આરોપીએ જીવલેણ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન પરિસ્થિતિ વણસતાં પોલીસે સ્વબચાવમાં કરેલા જવાબી ફાયરિંગમાં આરોપીના પગમાં ગોળી વાગતા તે ઇજાગ્રસ્ત થયો હતો.
આરોપી સામે અગાઉથી જ અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલા છે
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર, પકડાયેલ કુખ્યાત આરોપી દેવેન્દ્ર ઉર્ફે ડેન્ડુ ઉર્ફે જેન્ડુ બોરીચા રાજકોટ ગ્રામ્ય, સુરેન્દ્રનગર અને અમદાવાદ ગ્રામ્ય સહિતના વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં અંદાજે છ જેટલા ગંભીર ગુનાઓમાં નાસતો ફરતો વોન્ટેડ હતો. તેની સામે અગાઉ હથિયારધારા (આર્મ્સ એક્ટ), મારામારી, ગુનાહિત કાવતરું, રાયોટિંગ અને જાનથી મારી નાખવાની ધમકી જેવા ગંભીર અપરાધો નોંધાયેલા છે. એટલું જ નહીં, અગાઉ મે ૨૦૨૨માં ગુજરાત એટીએસ (ATS) દ્વારા પણ તેની ધરપકડ કરવામાં આવી હતી અને તેની ગુનાહિત પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખીને તેની સામે પાસા એક્ટ હેઠળ પણ કડક કાર્યવાહી કરવામાં આવી ચૂકી છે.
સાયલાના ગોસળ વિસ્તારમાં ટ્રેપ અને ઘર્ષણની ઘટના
રાજકોટ રેન્જની ટીમને બાતમી મળી હતી કે આ કુખ્યાત શખસ સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા પંથકમાં છુપાયેલો છે. આ બાતમીના આધારે રાજકોટ રેન્જ આઈજીની ટીમ સાયલા પોલીસ સ્ટેશન વિસ્તારના ગોસળ ગામ પાસે પહોંચી હતી અને આરોપીને ઝડપી પાડવા માટે ઘેરાબંધી કરી હતી. જ્યારે પોલીસ ટીમ તેને પકડવા ગઈ ત્યારે આરોપી દેવેન્દ્ર બોરીચીએ પોલીસ પકડમાંથી છટકી ભાગવાનો પ્રયાસ કર્યો હતો અને પોલીસ સાથે ઉગ્ર ઝપાઝપી શરૂ કરી દીધી હતી.
ફોજદારની રિવોલ્વર આંચકી હુમલો કરવાનો નિષ્ફળ પ્રયાસ
ઝપાઝપી દરમિયાન મામલો એટલો વધી ગયો કે કુખ્યાત આરોપી દેવેન્દ્રએ ફરજ પર રહેલા ફોજદાર ભાનુ મિયાત્રાની સરકારી રિવોલ્વર બળજબરીથી આંચકી લેવાનો અને પોલીસ અધિકારી પર જ હુમલો કરવાનો ગંભીર પ્રયાસ કર્યો હતો.
આ અચાનક થયેલા હુમલાથી પોલીસ ટીમ સાવચેત થઈ ગઈ હતી અને પીએસઆઈ ભાનુ મિયાત્રા તથા આરોપી વચ્ચે રિવોલ્વર છીનવવા માટે ભારે સંઘર્ષ થયો હતો.
પરિસ્થિતિ કાબૂમાં લેવા પીએસઆઈએ કર્યું ફાયરિંગ
આ ગંભીર અને જોખમી પરિસ્થિતિમાં પોલીસકર્મીઓના જાનના રક્ષણ માટે તથા આરોપીને કાયદાના શંકાજામાં લેવા માટે રેન્જના અન્ય પીએસઆઈ પૃથ્વીસિંહ મોરીએ તાત્કાલિક હસ્તક્ષેપ કર્યો હતો. પરિસ્થિતિને કાબૂમાં લાવવા માટે પીએસઆઈ પૃથ્વીસિંહે હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જેમાં પ્રથમ રાઉન્ડ હવામાં ચેતવણી રૂપે છોડવામાં આવ્યો હતો, જ્યારે બીજા રાઉન્ડમાં આરોપીના પગના ભાગે ગોળી વાગતા તે જમીન પર ફસડાઈ પડ્યો હતો અને ગંભીર રીતે ઘાયલ થયો હતો.
આરોપીને હોસ્પિટલ ખસેડાયો અને ગુનો નોંધવાની તજવીજ શરૂ
પોલીસની જવાબી કાર્યવાહીમાં ઘાયલ થયેલા આરોપી દેવેન્દ્ર બોરીચાને ઘટનાસ્થળેથી તાત્કાલિક પ્રાથમિક સારવાર માટે સાયલા ખાતે લઈ જવામાં આવ્યો હતો. ત્યારબાદ તેની સ્થિતિને ધ્યાનમાં રાખીને વધુ અને સઘન સારવાર માટે તેને સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવાની વિશેષ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ સમગ્ર ગંભીર ઘટના અંગે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા પોલીસ સ્ટેશન ખાતે પોલીસની સરકારી ફરજમાં રૂકાવટ કરવી, હુમલો કરવો અને સરકારી હથિયાર આંચકી લેવાનો પ્રયાસ કરવા સહિતની સંબંધિત કલમો હેઠળ કાયદેસરની ફરિયાદ નોંધી આગળની સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. આ ઘટનાને પગલે પોલીસબેડામાં અને આસપાસના વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે.