BREAKING NEWS

આફ્રિકન દેશ કોંગોમાં ભયાનક નરસંહાર: હિંસક હુમલામાં 69થી વધુ લોકોના મોત, લાશો દફનાવવા પણ મુશ્કેલ

  • May 10, 2026 11:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આફ્રિકાના ખનીજ સંપત્તિથી સમૃદ્ધ દેશ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો (DRC) ફરી એકવાર લોહિયાળ સંઘર્ષની લપેટમાં આવ્યું છે. દેશના ઉત્તર-પૂર્વીય પ્રાંત ઇતુરીમાં બે વંશીય જૂથો વચ્ચે ભડકેલી હિંસામાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 69 લોકોએ જીવ ગુમાવ્યા હોવાના અહેવાલ છે. આ વિસ્તારમાં સોના અને અન્ય કિંમતી ખનીજો પર કબજો મેળવવા માટે સશસ્ત્ર જૂથો વચ્ચે છેલ્લા ત્રણ દાયકાથી સંઘર્ષ ચાલી રહ્યો છે.


જાતીય સંઘર્ષ અને વંશીય હિંસા
તાજેતરની હિંસા ઇતુરી પ્રાંતમાં થઈ હતી, જે યુગાન્ડા અને દક્ષિણ સુદાનની સરહદ પાસે આવેલું છે. આ વિસ્તારમાં હેમા અને લેન્ડુ સમુદાયો વચ્ચે લાંબા સમયથી તણાવ ચાલી રહ્યો છે. અહેવાલો મુજબ, ૨૮ એપ્રિલના રોજ 'કોડેકો' (CODECO) નામના સશસ્ત્ર સંગઠને અનેક ગામો પર હુમલો કર્યો હતો. આ સંગઠન પોતાને લેન્ડુ સમુદાયના રક્ષક ગણાવે છે.


પ્રતિશોધની આગમાં સળગ્યું ઇતુરી

હિંસાની શરૂઆત ત્યારે થઈ જ્યારે 'સીઆરપી' (CRP) નામના જૂથે, જે હેમા સમુદાયનું પ્રતિનિધિત્વ કરે છે, તેણે કોંગોની સેનાની ચોકીઓ પર હુમલો કર્યો. તેના જવાબમાં 'કોડેકો' લડવૈયાઓએ ગામડાઓ પર ત્રાટકીને અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. સુરક્ષા સૂત્રોના જણાવ્યા અનુસાર 70થી વધુ લોકોના મોત થયા છે, જેમાં 19 મિલિશિયા સભ્યો અને સૈનિકોનો પણ સમાવેશ થાય છે. બોસા ગામની આસપાસ હજુ પણ અનેક લાશો ખુલ્લામાં પડી છે. સશસ્ત્ર લડવૈયાઓની હાજરીને કારણે માત્ર 25 જેટલા મૃતદેહોને જ દફનાવી શકાયા છે.


સંયુક્ત રાષ્ટ્ર (UN) એ ચિંતા વ્યક્ત કરી
કોંગોમાં સંયુક્ત રાષ્ટ્રના મિશન (MONUSCO) એ હિંસામાં ફસાયેલા આશરે 200 લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા છે. યુએન દ્વારા નાગરિકોને નિશાન બનાવીને કરવામાં આવતા આ હુમલાઓની સખત નિંદા કરવામાં આવી છે. હેમા સમુદાયના સંગઠને આ ઘટનાને 'નરસંહાર' ગણાવી છે અને લોકોને વળતો હુમલો ન કરવા અપીલ કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application