ગોંડલી નદીના રાજવીકાળના બંને બ્રિજ પર કલાકો સુધી ચક્કાજામ: વાહનચાલકો અને પ્રજાજનો ભારે હાલાકીમાં
ગોંડલી નદીના રાજવીકાળના બંને બ્રિજ પર કલાકો સુધી ચક્કાજામ: વાહનચાલકો અને પ્રજાજનો ભારે હાલાકીમાં
August 29, 2026 09:29 AM
ગોંડલ શહેરની મધ્યમાંથી પસાર થતી ગોંડલી નદી પર આવેલા રાજવીકાળના બંને બ્રિજ પર આજે રક્ષાબંધન નાં પર્વ માં રાહદારીઓ ની ખાસ્સી અવરજવર વચ્ચે કલાકો સુધી ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. બ્રિજ પર વાહનોની લાંબી લાઈનો લાગી જતાં વાહનચાલકો અને રાહદારીઓ કલાકો સુધી અટવાઈ પડ્યા હતા. ગોંડલ થઈને આટકોટ, જસદણ, અમરેલી અને ભાવનગર તરફ જતાં તેમજ ત્યાંથી આવતા નાના-મોટા વાહનો ટ્રાફિકમાં ફસાયા હતા. ઉપરાંત ભગવતપરા થી પુલ પર થઇ ગામ માં આવતા કે જતા રાહદારીઓ પણ ટ્રાફિક માં ફસાયા હતા. રાજવીકાળના પુલ પર એકસાથે ફોર-વ્હીલર, ઓટોરિક્ષા અને માલવાહક વાહનોનો ધસારો વધી જતાં વાહન વ્યવહાર તદ્દન થંભી ગયો હતો. બ્રિજની બંને બાજુ વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. સેન્ટ્રલ સિનેમા ચોક માં પણ ટ્રાફિક જામની અસર થવા પામી હતી. પોલીસ દ્વારા ભરાતા લોકદરબાર માં ટ્રાફિક સમસ્યાઓ અંગે અનેક રજૂઆતો થઇ છે.પણ પોલીસ તંત્ર ટ્રાફિક સમસ્યા ને જાણે કોઇ મહત્વ આપતી ના હોય શહેર નાં સર્કલો પર ટ્રાફિક પોલીસ નજરે પડતી નથી.જેને કારણે લોકોને રોજીંદા પરેશાની ભોગવવી પડે છે.મુખ્ય માર્ગોને જોડતા આ રાજવીકાળના બ્રિજ પર અવારનવાર ટ્રાફિકની સમસ્યા સર્જાતી રહે છે. પીક અવર્સ દરમિયાન યોગ્ય ટ્રાફિક નિયમનના અભાવે વાહનચાલકો વચ્ચે ઘર્ષણ અને ચક્કાજામની સ્થિતિ નિર્માણ પામે છે. કલાકો સુધી ચક્કાજામ રહેતાં મુસાફરો, રાહદારીઓ અને વેપારીઓ ભારે પરેશાન થયા હતા. સ્થાનિક લોકોએ આ વિસ્તારમાં કાયમી ટ્રાફિક પોલીસ બંદોબસ્ત ગોઠવવાની પ્રખર માંગ કરી છે.