(મેરૂભા મોયા)21 લોકેશન પર આધુનિક સીસીટીવી કેમેરા લાગી ગયા, પરંતુ કનેક્ટિવિટી બીએસએનએલ આપશે પછી થશે કેમેરા કાર્યરત.
'પોલીસની તીસરી આંખ' (નેત્રમ) આઈ વે પ્રોજેક્ટ રાજકોટમાં આર.એમ.સી, હોમ ડિપાર્ટમેન્ટ અને લોક ભાગીદારીના સંયુક્ત પ્રયાસથી પ્રારંભ થયાને આઠ વર્ષના વાણા વીતી ગયા જેમાં ૨૩૩ લોકેશનો પર ૧૦૦૦ જેટલા બે મેગા ફીક્સલ કેમેરા લગાવાયા હતા પરંતુ સમય સાથે સ્માર્ટ સિટી અંતર્ગત ગૃહ વિભાગ પાસે માંગેલી ગ્રાન્ટ અને મંજૂરી મળી જતા ન્યુ રાજકોટમાં વધુ 35 લોકેશન પર 230 કેમેરા લગાવવાની કામગીરી કાર્યરત થઈ ગઈ છે.
ન્યુ રાજકોટના આધુનિકરણ અને જરૂરિયાતને ધ્યાન રાખી બીજા ફૈઝમાં હવે 'વિશ્વાસ' (નેત્રમ) સીસીટીવી કેમેરાનું સંપુર્ણ સંચાલન શહેર પોલીસની કમાન્ડ એન્ડ કંટ્રોલ હસ્તગત રહેશે, આ અંગે હોમ ડિપાર્ટમેન્ટ પાસેથી 'વિશ્વાસ' પ્રોજેક્ટ અંતર્ગત મંજૂરી અને ગ્રાન્ટ ફાળવવામાં આવતા ન્યુ રાજકોટના તમામ વિસ્તારોને આવરી લઈ જુદા જુદા 35 જેટલા લોકેશનોમાં રાજકોટના બીજા રીંગ રોડ, ન્યુ રેસકોર્સ, નવી કોર્ટ બિલ્ડીંગ, રેલનગર, મવડી, મોરબી રોડ સહિતના વિકસી રહેલા વિસ્તાર આવરી લેવાશે.
આ ‘વિશ્વાસ' પ્રોજેક્ટ હેઠળ વધુ 35 લોકેશન પર 230 કેમેરા લગાવવાથી ન્યુ રાજકોટના વિસ્તારોમાં બનતા ગુનાઓ પર પોલીસની બાજ નજર રહેશે અને પડકારરૂપ ગંભીર ગુનાઓના ભેદ ઉકેલવામાં પણ સફળતા પ્રાપ્ત થશે.
કહેવાય છે સમય સાથે બદલાવ જરૂરી હોઈ આધુનિક ટેક્નોલોજીની પોલીસબેડામાં પણ શરૂઆત થઈ અને પ્રથમ બદલાવ સાથે કોમ્પ્યુટરનો પ્રારંભ થયો હતો પરંતુ ગુનાખોરી અટકાવવા અને ગુનાઓના ડીટેક્શન તેમજ લૂંટ, ધાડ, અપહરણ, હત્યા, ચોરી, મારામારી જેવા બનાવો સમયની સાથે વધવા લાગતા રંગીલા રાજકોટમાં સ્માર્ટ સીટી અંતર્ગત ૨૦૧૭માં આઈ વે પ્રોજેક્ટનો મહત્વનો નિર્ણય લેવાયો હતો.
જે તે વખતે જુદા જુદા ક્ષેત્રના ઉદ્યોગપતિ સાથે બેઠક કરી પ્રસ્તાવ મુકતા તેઓએ પ્રજાજનોના હિતમાં આ બિલ્ડીંગના નિર્માણની સંપૂર્ણ આર્થિક જવાબદારીઓ પોતાના ખભે લઈ લીધી અને કમાન્ડ એન્ડ કંટ્રોલ જે સીસીટીવી કેમેરાનું સંચાલન કરે છે તે આજે નજર સમક્ષ છે.
રાજકોટ શહેર આઈ વે પ્રોજેક્ટનો કમાન્ડ એન્ડ કંટ્રોલ પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા અને ટ્રાફિક ડીસીપી હરપાલસિંહ જાડેજાના નેજા હેઠળ ૨૪ કલાક ૩૬૫ દિવસ બાજ નજર રાખે છે. જેમાં પીઆઈ એસ.કે.જાડેજા, પીએસઆઈ કે.કે. જાવીયા, હેડ કોન્સ્ટેબલ. સહિત ૧૭ જવાનોની ટીમ ૩ શીટમાં રાજકોટ પર ચાંપતી નજર રાખી સતત કાર્યરત છે.
નેત્રમ પ્રોજેક્ટનો 69 કરોડના ખર્ચે ૨૦૧૭માં પ્રારંભ થયો'તો
આઈ વે પ્રોજેક્ટ (નેત્રમ)ની શરૂઆત કરવા રાજકોટ આર.એમ.સી દ્વારા ૫૧ કરોડની ગ્રાન્ટ તેમજ હોમ ડિપાર્ટમેન્ટ દ્વારા ૧૬ કરોડની ગ્રાન્ટ મળી કુલ ૬૯ કરોડના ખર્ચે તા.૨૨-૯-૨૦૧૭માં મુખ્યમંત્રી સ્વ. વિજયભાઈ રૂપાણીના હસ્તે ખુલ્લું મુકાયું હતું અને તત્કાલીન પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતના કાર્યકાળ દરમિયાન લોક ભાગીદારીના સહયોગથી પ્રારંભ થયો હતો.
ખાખીની તીસરી આંખની મદદથી અનેક ગુનાના ભેદ ઉકેલાયા
રાજકોટ શહેર પોલીસની તીસરી આંખ ગણાતા આઈ વે સીસીટીવી પ્રોજેક્ટ ગુના શોધવામાં આશીર્વાદ રૂપ સાબિત થયો છે, આ પ્રોજેક્ટ અંતર્ગત લૂંટ, હત્યા,ઘરફોડ ચોરી, ધાડ, અપહરણ,મારા મારી અને ફાયરિંગ જેવા અનેક પડકારરૂપ ગુનાના ભેદ કમાન્ડ એન્ડ કંટ્રોલ સીસીટીવી કેમેરાની મદદથી ડીટેક્શનમાં સફળતા સાંપડી છે.
આઈ વે પ્રોજેક્ટમાં CCTV કેમેરા ના પ્રકાર
૧. PTZ : પાન ટીમ ઝુમ ૩૬૦ડિગ્રી ફરે છે.
૨. ફિક્સ: ચાર રસ્તા પર ફિક્સ લાગેલા કેમેરા
૩. ANPR: ઓટોમેટીક નંબર પ્લેટ સર્ચ કરે છે.
૪. RLVD: રેડ લાઈટ ડીટેક્શન કેમેરો, સ્ટોપલાઈન-સિગ્નલ કવર
૫. ૩૬૦: ડિગ્રી કેમેરો સર્કલ અને ચારેય રસ્તા કવર કરે છે
આ નવા લોકેશનો પર ટ્રાયલ બેઝ સીસીટીવી કેમેરા રન કરી લીધા
ન્યારા ટી પોઇન્ટ, ખોરાણા,ખેરડી ચોક,ગૌરીદડ,બેડીમાર્કેટિંગ યાર્ડ, હડાળા પોઇન્ટ, સરધારરોડ, ફાડદંગરોડ, પાટીદારચોક,સેફ્રોન પાર્ટીપ્લોટ, બેટીગામ હાઇવે, હિરાસર એરપોર્ટ,તરઘડીયા, માલિયાસણ અને વાંકાનેર ચોકડીનો સમાવેશ થાય છે.