રાજયમાં વધી રહેલા સાયબર ફ્રોડ પાછળ છુપાયેલ સૌથી ખતરનાક હથીયાર મ્યુલ એકાઉન્ટની ચેનલની ચેઇનને ટ્રેક કરીને સાયબર સાતીરો અને બોગસ ખાતાધારકોનો પર્દાફાશ કરવા માટે મ્યુલ હન્ટ ઓપરેશન અંતર્ગત રાજયવ્યાપી ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે, જે અનુસંધાને ફરીયાદોનો દૌર શરૂ થયો છે, બેન્ક ખાતાધારકો તરફ તપાસનો કેમેરો કેન્દ્રીત કરવામાં આવ્યો છે, જામનગરમાં ડઝનથી વધુ ફરીયાદો નોંધાઇ ચુકી છે અને મુખ્ય સુત્રધારો સુધી પહોચવા કવાયત આદરવામાં આવી છે ત્યારે ચીટરો દ્વારા કેવી રીતે આ ચિટીંગના નેટવર્કને ચલાવવામાં આવી રહયુ છે અને બોગસ ખાતાનો ખેલ કેવો છે એ પણ જાણવુ જરૂરી બન્યું છે.
ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સાયબર સાતીરોેને શોધવા માટે અલગ અલગ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યા છે, અને ખાસ કરીને બેંક ખાતાધારકોના ઓનલાઈન ચીટીંગના મારફતે નાણાં ટ્રાન્સફર કરી લેવાના પ્રકરણમાં બોગસ ખાતાધારકોને શોધવા માટે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં ’ઓપરેશન મ્યુલ હન્ટ’ ચલાવવામાં આવી રહ્યું છે, અને આવા બોગસ ખાતાધારકો કે જેઓ પોતે વાહક બને છે, એટલે કે પોતાના ખાતા ખોલાવીને કમિશન મેળવવાની લાલચે ચીટર લોકોને તે ખાતું ઓપરેટ કરવામાટે સોંપી દે છે, આવા બોગસ ખાતાધારકો અને તેને ઓપરેટ કરનાર સામે જામનગર પોલીસ મથકમાં જુદી જુદી ફરિયાદો દાખલ થઇ ચુકી છે અને તેના મુળ સુધી પહોચવા તપાસનો ધમધમાટ આદરવામાં આવ્યો છે.
કેવી રીતે ચીટરો દ્વારા આ આખી ચેનલ ચલાવવામાં આવી રહી છે એ બાબતે ઉંડાણપુર્વકની તપાસ પોલીસે હાથ ધરી છે અને રાજયવ્યાપી અભિયાન અંતર્ગત પોલીસ દ્વારા તેના મુળ સુધી પહોચવા અને નેટવર્કને ભેદવા કવાયત તેજ બનાવી છે ત્યારે એવી વિગતો જાણવા મળી છે કે, બોગસ ખાતામાં ગેરકાયદે ટ્રાન્જેકશન થકી નાણાંની હેરફેર મોટા પાયે કરવામાં આવી રહી છે. આ અંગે મળેલી વિગત મુજબ કોઇ વ્યકિતનું એકાઉન્ટ અન્ય વ્યકિતને ભાડે આપવામાં આવે છે અથવા તો બેન્ક ખાતુ સોપી દેવાય છે જેમાં ચેક અને અન્ય ડોકટુમેન્ટ પણ અપાતા હોય છે તેના બદલામાં ખાતેદારને અમુક રકમ કમિશન પેટે આપવાનું નકકી થાય છે, બેન્ક ખાતાને ભાડે લેનારની ઉપર પણ કોઇ હોય છે અને એ રીતે એના ઉપર પણ કોઇ હોઇ શકે તે રીતની આખી ચિટીંગની ચેનલ કામ કરે છે.
અમુક બેન્ક ખાતા કમિશન પેટે ન પણ આપ્યા હોય તેમા પણ ઠગાઇ થવાના કિસ્સા બને છે જો કે મોટા ભાગે કાવતરાના ભાગરૂપે છેતરપીંડીથી મેળવેલ નાણાંની હેરફેર કરવાના ઇરાદાથી આ પ્રકારની પઘ્ધતી આરોપીઓ દ્વારા કરવામાં આવી રહી છે જેમાં અનઓથોરાઇઝડ ટ્રાન્જેકશન કરીને પોતાનો ભાગ કાઢી લે છે.
એક બેન્ક ખાતેદારે પોતાનું એકાઉન્ટ અન્યને કમિશનની લાલચમાં આપ્યા બાદ એ ખાતામાં અમુક રકમ જમા થાય છે અને તે ઉપાડી લેવામાં આવે છે તો ઇન્ટરનેટના અથવા કોઇપણ માઘ્યમથી કોઇ ત્રાહીત વ્યકિતના ખાતામાંથી રપીયા ઉપાડી લીધા બાદ જયારે આ ત્રાહીત વ્યકિતના ખાતામાંથી રકમ ગાયબ થયાનું ઘ્યાન પર આવતા તેના દ્વારા પોલીસનો સંપર્ક કરવામાં આવે છે, અરજી અપાય છે અને ખાતામાંથી કેવી રીતે રકમ ઉપડી અથવા ચિટીંગ થયું એ દીશામાં તપાસ થાય છે અને જે ખાતામાં રકમ ટ્રાન્સફર થઇ હોય એ ખાતાધારકની તપાસ કરવામાં આવે છે જે ખાતાધારક દ્વારા કમિશન પેટે અન્યને ખાતુ આપેલ હોવાની વાત જણાવતા પોલીસ આગળ વધે છે. જો કે આ આખા નેટવર્કમાં આ પ્રકારની પ્રાથમિક વિગતો હાઇલાઇટરૂપી છે, ખરેખર સાતીરો દ્વારા આ નેટવર્ક કયાં સુધી અને કેવી રીતના પથરાયેલુ છે એ માટે રાજયવ્યાપી ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.
મ્યુલ એકાઉન્ટ અજાણતા લોકોને લાલચમાં લાવી તેમને નેટવર્કનો ભાગ બનાવતી દુષીત પઘ્ધતી બહાર આવતા પોલીસ તંત્ર દ્વારા બોગસ બેન્ક ખાતેદારોને શોધવા માટે ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે અને આ પાછળ રહેલી ગેંગને ખુલ્લી પાડવા માટે ધમધમાટ ચાલી રહયો છે. લોકો ઝડપથી કમાણી કરવાની લાલચમાં આવીને અજાણ્યા લોકો સામે પોતાનું બેન્ક એકાઉન્ટ અને અન્ય આધારોની વિગત આપી દેતા હોય છે અને એ પછી સાયબર ઠગાઇની ઘટનાઓમાં મ્યુલ એકાઉન્ટ તરીકે ગેરકાયદે ઉપયોગ થાય છે. ચાલી રહેલી ડ્રાઇવ દરમ્યાન મ્યુલ એકાઉન્ટ ધારકોની ઓળખ તેની નાણાકીય હીસ્ટ્રી અને ટ્રાન્જેકશન ચેઇનને ટ્રેક કરી ઝડપી કાર્યવાહી કરવામાં આવે છે.