BREAKING NEWS

હૃતિક રોશન વોકિંગ સ્ટીકથી ચાલતો જોવા મળતા ફેન્સ ચિંતાતુર

  • January 27, 2026 02:17 PM 

હૃતિક રોશન વોકિંગ સ્ટીકથી ચાલતો જોવા મળતા ફેન્સ ચિંતાતુર

બોલિવૂડના સુપરસ્ટાર હૃતિક રોશન તાજેતરમાં એક ઈવેન્ટ દરમિયાન વોકિંગ સ્ટીકના સહારે ચાલતા નજરે પડતા ચાહકોમાં ચિંતાનું મોજું પ્રસરી ગયું છે. સોશિયલ મીડિયા પર તેમના વીડિયો અને તસવીરો ઝડપથી વાયરલ થતાં જ તેમની તબિયત અંગે અનેક અટકળો શરૂ થઈ ગઈ છે. સામાન્ય રીતે હંમેશા ફિટ અને એનર્જેટિક દેખાતા હૃતિકને આ રીતે જોતા તેમના ફેન્સ થોડા ચિંતિત થઈ ગયા છે.


મળતી માહિતી મુજબ, હૃતિક ફિલ્મ સર્જક ગોલ્ડી બહેલની બર્થ ડે પાર્ટીમાં હાજરી આપવા પહોંચ્યા હતા. પાર્ટી સ્થળે તેઓ પોતાની કારમાંથી ઉતરતા સમયે વોકિંગ સ્ટીકનો સહારો લેતા જોવા મળ્યા હતા. ચાલવામાં તેમને થોડી તકલીફ જણાઈ રહી હતી અને તેઓ લાકડીના ટેકે જ આગળ વધતા હતા. આ દરમિયાન હૃતિકે મીડિયાની સામે સામાન્ય રીતે જેવું સ્મિત આપતા કે વાતચીત કરતા હોય છે તેવું વર્તન કર્યું નહોતું. આ વખતે તેઓ કેમેરાપર્સન્સથી નજર ટાળતા અને ઝડપથી અંદર જતાં દેખાયા હતા.


આ ઘટના બાદ ચર્ચા છે કે હૃતિકને કદાચ ઘૂંટણમાં ઈજા થઈ છે. કેટલીક અટકળો મુજબ આ ઈજા જૂની સમસ્યાનો ભાગ પણ હોઈ શકે છે, કારણ કે હૃતિક અગાઉ પણ શૂટિંગ દરમિયાન ગંભીર ઇજાઓનો સામનો કરી ચૂક્યા છે. જોકે, હૃતિક કે તેમની ટીમ તરફથી હજી સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર આવ્યું નથી, જેના કારણે ચાહકોમાં વધુ પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે.


હૃતિક રોશન માટે હાલનો સમય કારકિર્દી માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેઓ તેમની બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘ક્રિશ ફોર’ને લઈને ચર્ચામાં છે. ખાસ વાત એ છે કે આ ફિલ્મનું દિગ્દર્શન હૃતિક જાતે જ કરવાનો છે. ફિલ્મનું શૂટિંગ આગામી મહિનાઓમાં શરૂ થવાનું આયોજન છે. પરંતુ જો તેમની ઈજા ગંભીર હોય અને લાંબા સમય સુધી આરામ લેવાની જરૂર પડે, તો આ પ્રોજેક્ટનું શૂટિંગ પાછળ ઠેલાઈ શકે છે તેવી ચિંતા ચાહકો વ્યક્ત કરી રહ્યા છે.


હૃતિકના ફેન્સ સોશિયલ મીડિયા પર તેમના સ્વાસ્થ્ય માટે શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે અને આશા વ્યક્ત કરી રહ્યા છે કે તેઓ વહેલી તકે સંપૂર્ણ સ્વસ્થ થઈ જશે. તેમના ચાહકો માટે હૃતિક માત્ર એક અભિનેતા નહીં, પરંતુ પ્રેરણાસ્ત્રોત છે. તેથી તેમની તબિયત અંગે કોઈ પણ સમાચાર ચાહકોને ભાવુક બનાવી દે છે. હવે સૌની નજર હૃતિક કે તેમની ટીમ તરફથી આવનારા સત્તાવાર અપડેટ પર ટકી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application