સુરતના સલાબતપુરા વિસ્તારમાં માનવતાને શર્મસાર કરતી અને ક્રૂરતાની તમામ હદો વટાવતી એક ઘટના પ્રકાશમાં આવી છે. એક પતિએ પોતાની પત્નીની કરપીણ હત્યા કર્યા બાદ પુરાવા મિટાવવા માટે લાશને લાકડાની પેટીમાં પેક કરી તેના પર સિમેન્ટનું પડ ચડાવી દીધું હતું. આટલું જ નહીં, હત્યારો પતિ પાંચ દિવસ સુધી પત્નીની લાશ સાથે જ ઘરમાં રહ્યો અને પત્ની ગુમ થઈ હોવાનું નાટક રચી પોલીસ અને સાસરી પક્ષને છેતરતો રહ્યો હતો.
મળતી માહિતી મુજબ, આરોપી વિશાલ સાલવીએ તેની પત્ની શિલ્પાની હત્યા ગત ૨૦ એપ્રિલના રોજ કરી હતી. હત્યા કર્યા બાદ તેણે લાશનો નિકાલ કરવા માટે ભયાનક રસ્તો અપનાવ્યો. તેણે સહારા દરવાજા પાસે આવેલી 'કાગજીની ચાલ'માં પોતાના જૂના મકાનમાં લાશને એક લાકડાની પેટીમાં બંધ કરી દીધી. લાશ સડવા લાગે ત્યારે તેની દુર્ગંધ બહાર ન આવે તે હેતુથી તેણે પેટીની આસપાસ સિમેન્ટનું પાકું પ્લાસ્ટર કરી દીધું હતું. આ ક્રૂર કૃત્ય બાદ તે સામાન્ય માણસની જેમ બાળકો સાથે રહેવા લાગ્યો હતો.
હત્યા બાદ વિશાલે શિલ્પાના પિતા પ્રદિપભાઇ કોસ્ટાને ફોન પર એવી ખોટી વાર્તા કહી કે, "મેં શિલ્પાને હોસ્પિટલ પાસે ઉતારી હતી અને ત્યારબાદ તે ક્યાં ગઈ તેની મને જાણ નથી." શિલ્પાના પિતા જ્યારે સુરત આવ્યા ત્યારે વિશાલ પોતે તેમની સાથે પોલીસ સ્ટેશન જઈને પત્ની ગુમ થયાની ફરિયાદ નોંધાવવા ગયો હતો. પોલીસ તપાસમાં તે સહકાર આપતો હોય તેવો ડોળ કરીને પાંચ દિવસ સુધી કાયદાની આંખમાં ધૂળ નાખતો રહ્યો.
આ સમગ્ર પાપનો ઘડો ત્યારે ફૂટ્યો જ્યારે ૨૫ એપ્રિલની રાત્રે વિશાલે તેના ૧૩ વર્ષના પુત્ર આરવને એક ચિઠ્ઠી આપી અને પોતે ઘર છોડીને ફરાર થઈ ગયો. આરવે આ ચિઠ્ઠીનો ફોટો પાડી તેના સંબંધીને વોટ્સએપ કર્યો હતો. ચિઠ્ઠીમાં વિશાલે કબૂલાત કરી હતી કે તેણે જ શિલ્પાની હત્યા કરી છે અને લાશ ક્યાં છુપાવી છે તેનું ચોક્કસ સરનામું પણ લખ્યું હતું.
ચિઠ્ઠીમાં વિશાલે લખ્યું, લગ્નના ત્રણ વર્ષ પછી પત્નીના વર્તનમાં ફેરફાર અને સતત અણબનાવથી કંટાળીને મેં મજબૂરીમાં આ ગુનો કર્યો છે. આમાં અન્ય કોઈ સામેલ નથી. આ ઘટનામાં સૌથી વધુ આઘાતજનક બાબત એ છે કે ૧૩ વર્ષનો આરવ અને ૮ વર્ષની નિતારા પાંચ દિવસ સુધી તે પિતા સાથે રહ્યા જેણે તેમની માતાને મોતને ઘાટ ઉતારી હતી. માસૂમ બાળકોને ખ્યાલ પણ નહોતો કે જે માતાને તેઓ શોધી રહ્યા છે, તેની લાશ તેમના પિતાએ જ સિમેન્ટના પ્લાસ્ટર નીચે દબાવી દીધી છે. આજે આ બાળકોએ માતા ગુમાવી છે અને પિતા જેલમાં જવાની તૈયારીમાં છે.
મૃતક શિલ્પાના પિતાના જણાવ્યા અનુસાર, વિશાલ કોઈ કામધંધો કરતો ન હતો. આર્થિક સંકડામણને કારણે દંપતી વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. આ સતત ચાલતા કંકાસનો અંત આટલો ભયાનક આવશે તેની કલ્પના કોઈએ કરી ન હતી. ગોડાદરા પોલીસે હાલમાં હત્યાનો ગુનો નોંધી, ફોરેન્સિક એક્સપર્ટ્સની મદદથી પુરાવા એકત્રિત કર્યા છે. કોહવાયેલી હાલતમાં મળેલી લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવી છે. પોલીસની અલગ-અલગ ટીમો ફરાર આરોપી વિશાલ સાલવીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.