અમેરિકી પ્રમુખ ટ્રમ્પએ દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમને સંબોધન કર્યા પછી ભારત અને ખાસ કરીને મોદી માટે વિશેષ વાત કરી અને કહ્યું કે પીએમ મોદી એક શાનદાર માણસ છે. ભારત યુએસ ટ્રેડ ડીલ ટૂંક સમયમાં થશે. "મને પીએમ મોદી માટે ખૂબ માન છે, ભારત સાથે એક મોટો સોદો ટૂંક સમયમાં થશે.જો કે ટ્રમ્પનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે અમેરિકાએ ભારત પર ૫૦ ટકા ટેરિફ લાદ્યો છે, જે વિશ્વના સૌથી ઊંચા ટેરિફમાંનો એક છે. જોકે બંને દેશોએ પુનરોચ્ચાર કર્યો છે કે વેપાર સોદાની વાટાઘાટો ચાલુ છે, પરંતુ હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી.
ભારતમાં યુએસ રાજદૂત સર્જિયો ગોરે આ મહિનાની શરૂઆતમાં કાર્યભાર સંભાળ્યો હતો અને ભારત-અમેરિકા સંબંધોમાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. બંને દેશો વચ્ચે ચાલી રહેલી વેપાર વાટાઘાટો અંગે, તેમણે કહ્યું હતું કે બંને દેશો કરાર પર પહોંચવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. ટ્રમ્પ અને પીએમ મોદી વચ્ચેના સંબંધો અંગે, સર્જિયો ગોરે કહ્યું હતું કે યુએસ રાષ્ટ્રપતિ આગામી એક કે બે વર્ષમાં ભારતની મુલાકાત લઈ શકે છે.
ભારત સાથે વેપાર આપણા સંબંધો માટે જરૂરી છે: સર્જિયો ગોર
સર્ગીયો ગોરે કહ્યું હતું કે, "ભારત વિશ્વનો સૌથી મોટો દેશ છે, તેથી આ કરારને અંતિમ સ્વરૂપ આપવું એ સરળ કાર્ય નથી. ભારત સાથે વેપાર આપણા સંબંધો માટે મહત્વપૂર્ણ છે. અમે સુરક્ષા, આતંકવાદ વિરોધી, ઉર્જા, ટેકનોલોજી, શિક્ષણ અને આરોગ્ય જેવા અન્ય મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખીશું.આ મહિનાની શરૂઆતમાં, યુએસ વાણિજ્ય સચિવ હોવર્ડ લુટનિકે દાવો કર્યો હતો કે ભારત-યુએસ વેપાર સોદો નિષ્ફળ ગયો કારણ કે પીએમ મોદીએ ટ્રમ્પને ફોન કર્યો ન હતો. જોકે, ભારતીય વિદેશ મંત્રાલયે તેમના દાવાને નકારી કાઢ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે પીએમ મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પે 2025 માં આઠ વખત ફોન પર વાત કરી હતી.