ICC દ્વારા જાહેર કરવામાં આવેલા તાજા વાર્ષિક અપડેટમાં ભારતીય ટીમે ટેસ્ટ રેન્કિંગમાં છલાંગ લગાવી છે. ભારતીય ટીમની સાથે પાકિસ્તાનની ટીમ માટે પણ રેન્કિંગમાં સુધારો જોવા મળ્યો છે. જોકે, રેન્કિંગમાં ટોચના સ્થાને ઓસ્ટ્રેલિયન ટીમનું વર્ચસ્વ હજુ પણ અકબંધ છે.
ભારતીય ટીમ ત્રીજા સ્થાને પહોંચી
નવા રેન્કિંગ અનુસાર ભારતીય ટીમને એક સ્થાનનો ફાયદો થયો છે. અગાઉ ભારતીય ટીમ ચોથા ક્રમે હતી, જે હવે સુધરીને ત્રીજા ક્રમે પહોંચી ગઈ છે. રેટિંગ પોઈન્ટ્સની વાત કરીએ તો ભારતીય ટીમના કુલ 104 રેટિંગ પોઈન્ટ્સ છે. તેમજ ટોચની ટીમોમાં ઓસ્ટ્રેલિયા 131 રેટિંગ પોઈન્ટ્સ સાથે પ્રથમ સ્થાને છે. જ્યારે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ વિજેતા સાઉથ આફ્રિકાની ટીમ 119 પોઈન્ટ્સ સાથે બીજા ક્રમે છે. ઇંગ્લેન્ડની ટીમ માટે ગત વર્ષ ઘણું ખરાબ રહ્યું હોવાથી તેને એક સ્થાનનું નુકસાન થયું છે અને તે 102 રેટિંગ પોઈન્ટ્સ સાથે હવે ચોથા ક્રમે ફેંકાઈ છે.

પાકિસ્તાને પણ લગાવી છલાંગ
વાર્ષિક ટેસ્ટ રેન્કિંગમાં પાકિસ્તાની ટીમની સ્થિતિમાં પણ સુધારો જોવા મળ્યો છે. છઠ્ઠા સ્થાનમાં પાકિસ્તાની ટીમને એક સ્થાનનો ફાયદો થયો છે અને તે હવે 89 રેટિંગ પોઈન્ટ્સ સાથે છઠ્ઠા ક્રમે આવી ગઈ છે. તેમજ ન્યુઝીલેન્ડની ટીમ 101 રેટિંગ પોઈન્ટ્સ સાથે પાંચમા સ્થાને યથાવત છે.
શ્રીલંકા અને અન્ય
શ્રીલંકાને એક સ્થાનનું નુકસાન થયું છે અને તે 86 પોઈન્ટ્સ સાથે સાતમા ક્રમે છે. વેસ્ટ ઈન્ડિઝ (68 પોઈન્ટ્સ) આઠમા અને બાંગ્લાદેશ (67 પોઈન્ટ્સ) નવમા સ્થાને છે. આયર્લેન્ડની ટીમ 25 રેટિંગ પોઈન્ટ્સ સાથે દસમા ક્રમે છે. ભારતીય ટીમ માટે આ સુધારો આગામી ટેસ્ટ સીરિઝ અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં મનોવૈજ્ઞાનિક રીતે મહત્વનો સાબિત થઈ શકે છે.