BREAKING NEWS

IDFC First Bank ફ્રોડ: શું તમારી કચેરીની કમાણી જોખમમાં છે? જાણો આ કૌભાંડમાં સામાન્ય ગ્રાહકો માટે કેટલી સુરક્ષા

  • February 23, 2026 11:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

IDFC ફર્સ્ટ બેંકની ચંદીગઢ શાખામાં હરિયાણા સરકારના ખાતાઓ સાથે જોડાયેલી 590 કરોડ રૂપિયાની છેતરપિંડીના સમાચારથી રોકાણકારોમાં ગભરાટ ફેલાયો છે. બેંકના જ કેટલાક કર્મચારીઓની બહારની વ્યક્તિઓ સાથેની સાઠગાંઠને કારણે આ આખું કૌભાંડ આચરવામાં આવ્યું છે. જોકે, બેંકે ગ્રાહકોને શાંતિ રાખવા અપીલ કરી છે.


શું આ ફ્રોડ દરેક ગ્રાહક માટે જોખમી છે?
બેંકના સત્તાવાર નિવેદન અનુસાર આ કૌભાંડ માત્ર એક ચોક્કસ યુનિટ અને ગ્રાહક જૂથ (હરિયાણા સરકાર) સુધી મર્યાદિત હતું. આ છેતરપિંડી ચંદીગઢ શાખાના અન્ય ગ્રાહકો સુધી ફેલાઈ નથી. બેંકનું કહેવું છે કે આ કોઈ ટેકનિકલ કે સિસ્ટમની ખામી નથી, પરંતુ અમુક વ્યક્તિગત સ્તરની મિલીભગતનું પરિણામ છે.


હરિયાણા સરકારની આકરી કાર્યવાહી

આ ઘટના બાદ હરિયાણા સરકારે મોટો નિર્ણય લેતા IDFC ફર્સ્ટ બેંક અને AU સ્મોલ ફાઈનાન્સ બેંકને સરકારી વ્યવસાયોની યાદીમાંથી હટાવી (De-empanelled) દીધી છે. હવેથી સરકારી ફંડ્સ આ બેંકોમાં જમા, રોકાણ કે ટ્રાન્ઝેક્શન કરવામાં આવશે નહીં.


આરબીઆઈ (RBI) અને નાણામંત્રાલયનો પક્ષ
આ મામલે દેશની સેન્ટ્રલ બેંક એટલે કે RBI પણ સતર્ક છે. RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ સ્પષ્ટ કર્યું છે કે, "અમે આ સમગ્ર ઘટનાક્રમ પર નજર રાખી રહ્યા છીએ. આમાં કોઈ 'સિસ્ટમ' સંબંધિત સમસ્યા નથી." એટલે કે બેંકની કામગીરી એકંદરે સુરક્ષિત છે.


તમારી બચત કેટલી સુરક્ષિત? 

ભારતમાં કોઈપણ બેંકમાં જમા કરાયેલા નાણાં ડિપોઝિટ ઈન્સ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન (DICGC) હેઠળ સુરક્ષિત હોય છે. જો કોઈ બેંક નિષ્ફળ જાય અથવા બંધ થાય, તો દરેક થાપણદારને મુદ્દલ અને વ્યાજ સહિત મહત્તમ 5 લાખ રૂપિયા સુધીનું કવર મળે છે. આમાં ફિક્સ્ડ ડિપોઝિટ (FD), સેવિંગ્સ એકાઉન્ટ, રિકરિંગ ડિપોઝિટ (RD) અને કરંટ એકાઉન્ટ - તમામનો સમાવેશ થાય છે.


​​​​​​​ટૂંકમાં જો તમારી જમા મૂડી 5 લાખ રૂપિયા સુધીની છે, તો તમારે જરા પણ ચિંતા કરવાની જરૂર નથી. 590 કરોડનું આ કૌભાંડ ચોક્કસપણે મોટું છે, પરંતુ તે બેંકની આંતરિક તપાસ અને વસૂલાતનો વિષય છે, જેની સીધી અસર સામાન્ય ગ્રાહકોના નાના બચત ખાતાઓ પર પડવાની શક્યતા નહિવત છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application