BREAKING NEWS

IND vs WI: તિરુવનંતપુરમમાં કોહલી અને ગિલના બેટની ગર્જના, ભારતે વેસ્ટ ઈન્ડિઝને પ્રથમ વનડેમાં 8 વિકેટે હરાવ્યું

  • September 27, 2026 10:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ સ્ટેડિયમ ખાતે રમાયેલી વનડે શ્રેણીની પ્રથમ મેચમાં ભારતીય ટીમે વેસ્ટઇન્ડીઝ સામે 8 વિકેટે ભવ્ય અને એકતરફી વિજય મેળવ્યો છે. આ જીત સાથે જ ભારતે 3 મેચની વનડે શ્રેણીમાં 1-0 ની મહત્વપૂર્ણ સરસાઈ મેળવી લીધી છે. તિરુવનંતપુરમમાં ભારતે રમેલી આ સતત ત્રીજી વનડે મેચ હતી અને ત્રણેય મેચોમાં ભારતીય ટીમે વિરોધી ટીમોને બુરી રીતે હરાવીને પોતાની બાદશાહત બરકરાર રાખી છે.

મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી વેસ્ટઇન્ડીઝની ટીમે જસ્ટિન ગ્રીવ્સના શાનદાર 101 રન અને જોન કેમ્પબેલના 62 રનની મદદથી 295 રનનો મજબૂત સ્કોર ખડક્યો હતો. વેસ્ટઇન્ડીઝના ઓપનરોએ 24 વર્ષ પછી ભારતમાં શાનદાર શતકીય ભાગીદારી કરી હતી. જોકે, ભારતના ચાઇનામેન સ્પીનર કુલદીપ યાદવે 40 રન આપીને 4 મહત્વપૂર્ણ વિકેટો ઝડપીને વિન્ડીઝની ટીમને મોટા સ્કોર તરફ જતી રોકી હતી. છેલ્લી ઓવરોમાં આમિર જાંગૂએ ઝડપી 58 રન બનાવીને ટીમને 295 ના સ્કોર સુધી પહોંચાડી હતી.


296 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ માટે કેપ્ટન શુભમન ગિલ અને રોહિત શર્માએ 74 રનની મજબૂત શરૂઆત અપાવી હતી. રોહિત શર્મા 32 રન બનાવીને આઉટ થયા બાદ મેદાન પર વિરાટ કોહલીનું આગમન થયું હતું. કેપ્ટન શુભમન ગિલે પોતાની શાનદાર ફોર્મ જાળવી રાખતાં વનડે કારકિર્દીની 10 મી સદી ફટકારી હતી. ગિલે 110 રન (13 ચોગ્ગા અને 1 છગ્ગો) ની શાનદાર ઇનિંગ રમી હતી અને કોહલી સાથે બીજા વિકેટ માટે 151 રનની ભાગીદારી નોંધાવી હતી.


​​​​​​​બીજી તરફ, વિરાટ કોહલીએ વિન્ડીઝના બોલરોની બરાબરની ધોલાઈ કરી હતી. કોહલીએ મેચ દરમિયાન વનડે ક્રિકેટમાં પોતાના 15000 રન પણ પૂરા કર્યા હતા. તેમણે માત્ર 74 બોલમાં સિક્સર મારીને પોતાની સદી પૂરી કરી હતી. કોહલીએ આક્રમક બેટિંગ ચાલુ રાખીને માત્ર 88 બોલમાં 139 રન (10 ચોગ્ગા અને 9 છગ્ગા) ની અણનમ ઇનિંગ રમી હતી. ભારતે 41.4 ઓવરમાં જ 2 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક પ્રાપ્ત કરી લીધો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application