ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ઇસરો) એ ફરી એકવાર વિશ્વ સમક્ષ પોતાની તાકાત અને આત્મવિશ્વાસ દર્શાવ્યો છે. ઓછા બજેટ, ચોક્કસ ટેકનોલોજી અને મહત્વપૂર્ણ જવાબદારી સાથે, ઇસરોએ આજે સવારે ઇતિહાસ રચ્યો, તેના સૌથી શક્તિશાળી રોકેટ, એલવીએમ-3 નો ઉપયોગ કરીને અમેરિકાના નેક્સ્ટ જનરેશન કમ્યુનિકેશન સેટેલાઈટને અવકાશમાં સફળતાપૂર્વક લોન્ચ કર્યું.
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો) એ આજે અંતરિક્ષ ક્ષેત્રમાં એક વધુ મહત્વપૂર્ણ સિદ્ધિ મેળવી છે. સવારે 8:54 વાગ્યે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટામાં સ્થિત સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રના બીજા લોન્ચ પેડ પરથી બ્લૂબર્ડ બ્લોક-2 કમ્યુનિકેશન સેટેલાઈટનું સફળ લોન્ચિંગ કરવામાં આવ્યું. આ લોન્ચિંગ સાથે ભારતે વૈશ્વિક સ્પેસ કોમર્શિયલ મિશનમાં પોતાનું મજબૂત સ્થાન વધુ મજબૂત કર્યું છે.
ઈસરોએ તેના સૌથી શક્તિશાળી રોકેટ એલવીએમ3 (લૉન્ચ વ્હીકલ માર્ક-3) દ્વારા અમેરિકન કંપની એએસટી સ્પેસમોબાઈલના બ્લૂબર્ડ બ્લોક-2 સેટેલાઈટને સફળતાપૂર્વક અંતરિક્ષમાં મોકલ્યો. આ એલવીએમ3 રોકેટની છઠ્ઠી ઓપરેશનલ ઉડાન હતી, જેને એલવીએમ3-એમ-6 નામ આપવામાં આવ્યું હતું. આ મિશન ન્યૂસ્પેસ ઈન્ડિયા લિમિટેડ (એનએસઆઈએલ) અને એએસટી સ્પેસમોબાઈલ વચ્ચે થયેલી વ્યાવસાયિક સમજૂતી હેઠળ પૂર્ણ કરવામાં આવ્યું છે.
એસસટી સ્પેસમોબાઈલ અગાઉ સપ્ટેમ્બર 2024માં બ્લૂબર્ડ 1 થી 5 સેટેલાઈટ્સ લોન્ચ કરી ચૂકી છે, જે અમેરિકા અને કેટલાક અન્ય દેશોમાં સતત ઇન્ટરનેટ કવરેજ આપી રહ્યા છે. નવો બ્લૂબર્ડ બ્લોક-2 સેટેલાઈટ અગાઉના સેટેલાઈટ્સની તુલનામાં લગભગ 10 ગણું વધુ બેન્ડવિડ્થ સપોર્ટ કરે છે, જે વધુ ઝડપ અને વધુ વિશ્વસનીય કનેક્ટિવિટી સુનિશ્ચિત કરશે.
આ સફળ લોન્ચિંગ સાથે ઈસરો એ ફરી એકવાર સાબિત કર્યું છે કે ભારત હવે માત્ર વૈજ્ઞાનિક નહીં પરંતુ વૈશ્વિક વ્યાવસાયિક અંતરિક્ષ બજારમાં પણ મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે.
સામાન્ય સ્માર્ટફોનને સીધા અંતરિક્ષમાંથી હાઈ સ્પીડ ઈન્ટરનેટ સેવા પૂરી પાડી શકશે
બ્લૂબર્ડ બ્લોક-2 એક નેક્સ્ટ જનરેશન કમ્યુનિકેશન સેટેલાઈટ છે, જેને લૉ અર્થ ઓર્બિટ (લીઓ) માં સ્થાપિત કરવામાં આવશે. આ સેટેલાઈટની સૌથી મોટી ખાસિયત એ છે કે તે સામાન્ય સ્માર્ટફોનને સીધા અંતરિક્ષમાંથી હાઈ સ્પીડ ઈન્ટરનેટ સેવા પૂરી પાડી શકશે. એટલે કે, હવે મોબાઈલ ટાવર કે ગ્રાઉન્ડ નેટવર્ક વગર પણ મોબાઈલ કનેક્ટિવિટી શક્ય બનશે.
જ્યાં આજે પણ નેટવર્ક પહોંચતું નથી, ત્યાં આ ટેક્નોલોજી ખૂબ ઉપયોગી સાબિત થશે
આ સેટેલાઈટ એએસટી સ્પેસમોબાઈલના વૈશ્વિક કોન્સ્ટેલેશનનો મહત્વનો ભાગ છે. આ કોન્સ્ટેલેશનનો હેતુ વિશ્વભરમાં 24 કલાક, સપ્તાહના સાતે દિવસ સતત મોબાઈલ કનેક્ટિવિટી પૂરી પાડવાનો છે. ખાસ કરીને અંતરિયાળ વિસ્તારો, દરિયાઈ વિસ્તાર, પર્વતીય પ્રદેશો અને એવા સ્થળો જ્યાં આજે પણ નેટવર્ક પહોંચતું નથી, ત્યાં આ ટેક્નોલોજી ખૂબ ઉપયોગી સાબિત થશે.