BREAKING NEWS

ચિલી-મેક્સિકોએ કરી બતાવ્યું તો ભારતમાં કેમ ઢીલ? FSSAIને સુપ્રીમ કોર્ટની ફટકાર

  • August 17, 2026 10:47 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ચિપ્સ, બિસ્કિટ, નમકીન અને કોલ્ડડ્રિંક્સ જેવા પેકેટમાં બંધ ખાદ્ય પદાર્થો પર 'ફ્રન્ટ ઓફ પેક લેબલ' એટલે કે પેકેટના આગળના ભાગે સ્પષ્ટ ચતવણી/વોર્નિંગ લગાડવાની માંગ હવે તીવ્ર બની છે. જેથી સામાન્ય ગ્રાહક તુરંત જ જોઈ શકે કે તેમાં ખાંડ, મીઠું કે સેચ્યુરેટેડ ફેટ નક્કી કરેલી સુરક્ષિત સીમાથી વધારે છે કે નહીં. પરંતુ ગંભીર બાબત એ છે કે સુપ્રીમ કોર્ટના દિશા-નિર્દેશો છતાં ભારતીય ખાદ્ય સુરક્ષા અને માનક પ્રાધિકરણ (એફએસએસએઆઈ) આ બાબતે ઢીલી નીતિ અપનાવી રહ્યું છે. આ સ્થિતિથી નારાજ થઈને સુપ્રીમ કોર્ટે એફએસએસએઆઈને સખત સવાલ પૂછ્યો હતો કે શું તેઓ ફૂડ ઈન્ડસ્ટ્રીના દબાણમાં કામ કરી રહ્યા છે? દક્ષિણ અમેરિકન દેશ ચિલીએ 2016થી જ પેકેજ્ડ ફૂડ પર સ્પષ્ટ વોર્નિંગ લેબલ ફરજિયાત બનાવ્યા છે. જેના પરિણામે ત્યાં હાઈ-રિસ્ક પ્રોડક્ટ્સનું વેચાણ ઘટ્યું છે અને બાળકોને ટાર્ગેટ કરતી જાહેરાતોમાં 73 ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે. તેવી જ રીતે મેક્સિકોએ પણ 2019માં માત્ર આંકડા બતાવતા જૂના લેબલ હટાવીને કડક વોર્નિંગ સિસ્ટમ લાગુ કરી દીધી છે. હવે આ જ સુધારા માટે ભારતમાં પણ વ્યાપક ચર્ચા અને કાનૂની લડાઈ શરૂ થઈ છે. અરજદારોનું કહેવું છે કે એફએસએસએઆઈ ફૂડ ઈન્ડસ્ટ્રીના દબણમાં આવીને સ્પષ્ટ ચેતવણી આપવાથી બચી રહ્યું છે.આ વિવાદની શરૂઆત 2018માં થઈ હતી, પરંતુ જ્યારે બોર્નવિટાને 'હેલ્થ ડ્રિંક' કહેવા પર સવાલો ઉઠ્યા ત્યારે આ મુદ્દો વધુ ગંભીર બન્યો. ત્યારબાદ હોર્લિક્સ, બૂસ્ટ અને પ્રોટીનેક્સ જેવા બ્રાન્ડ્સ પણ ઘેરાવમાં આવ્યા કારણ કે તેમાં 37 ટકા સુધી ખાંડ મળી આવી હતી. એફએસએસએઆઈએ સ્પષ્ટ વોર્નિંગ લેબલ આપવાના બદલે 'ન્યુટ્રિશન સ્ટાર રેટિંગ'નો પ્રસ્તાવ મૂક્યો હતો. પરંતુ આરોગ્ય નિષ્ણાતોએ આ સિસ્ટમ સામે સવાલ ઉઠાવતા તેને કંપનીઓની 'ચાલબાજી' ગણાવી છે. નિષ્ણાતોના મતે, આ સિસ્ટમમાં કંપનીઓ પ્રોટીન કે ફાઈબર જેવા તત્વો ઉમેરીને ઊંચી સ્ટાર રેટિંગ મેળવી લેશે અને પ્રોડક્ટમાં રહેલી અતિશય ખાંડ કે મીઠાને છુપાવી દેશે.આ કેસ મે 2024માં સુપ્રીમ કોર્ટ પહોંચ્યો હતો, જ્યારે આરોગ્ય સંસ્થાઓએ જનહિત અરજી દાખલ કરીને પેકેટ પર મોટા અક્ષરોમાં વોર્નિંગ ફરજિયાત કરવાની માંગ કરી હતી. એપ્રિલ 2025માં કોર્ટે એફએસએસએઆઈ પાસે 3 મહિનામાં રિપોર્ટ માંગ્યો હતો, પરંતુ તેમણે રિપોર્ટ સોંપ્યો નહોતો. દસ મહિના બાદ કોર્ટે ફરીથી ઠપકો આપીને ચાર અઠવાડિયાની મુદ્દત આપી હતી. 13 ઓગસ્ટ, 2026ના રોજ પીઠે કડક ચેતવણી આપતા કહ્યું કે જો અધિકારીઓ કામ નહીં કરી શકે તો કોર્ટ પોતે આદેશ આપશે, અને પૂછ્યું કે શું અધિકારીઓ ઈન્ડસ્ટ્રીના દબાણમાં ઝૂકી રહ્યા છે?



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application