BREAKING NEWS

નર્મદા નીર નહીં મળે તો દિવાળી-નૂતન વર્ષે શહેર તરસ્યું રહેશે

  • October 20, 2026 01:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેરના મુખ્ય જળ સ્ત્રોત આજી-૧ અને ન્યારી-૧ ડેમમાં ગત તા.૨૬ સપ્ટેમ્બરથી સૌની યોજનાનું નર્મદાનીર ઠાલવવાનું બંધ કરાયું છે જેને આજે ૨૪ દિવસ પૂર્ણ થયા છતાં હજુ પણ નર્મદાનીર પુન: શરૂ નહીં કરવામાં આવતા રાજકોટ શહેરમાં દિવાળી અને નૂતન વર્ષના તહેવારો દરમિયાન પાણી વિતરણ ખોરવાઈ અથવા તો પાણીકાપ મુકવો પડે તેવી સ્થિતિ નિર્માણ થાય તેમ હોવાનું જાણવા મળે છે.નર્મદા કેનાલના મેન્ટેનન્સના કારણે સૌની યોજનાનું નર્મદાનીર ઠાલવવાનું બંધ કરાયું હતું પરંતુ ૨૪-૨૪ દિવસ વિતી જવા છતાં પુન: શરૂ કરવામાં આવ્યું નથી, બીજી બાજુ દૈનિક ૨૦ મિનિટની પાણી વિતરણ વ્યવસ્થા જાળવી રાખવા માટે બન્ને ડેમમાંથી રાબેતા મુજબ પાણી ઉપાડવાનું ચાલું રાખવામાં આવ્યું છે. આજથી ૧૯ દિવસ પછી આગામી તા.૮ નવેમ્બરે દિવાળી છે અને બન્ને ડેમમાં મહત્તમ ૨૦ દિવસ સુધી ઉપાડી શકાય તેટલો જ જળ જથ્થો ઉપલબ્ધ છે. દિવાળીના તહેવારો પૂર્વે જળ માંગ અને જળ વપરાશ બંને વધતા હોય છે આવા સંજોગોમાં વિતરણ વ્યવસ્થા જાળવી રાખવી પડકારરૂપ છે. ૨૦ દિવસ પછી આ બન્ને ડેમનું તળિયું દેખાઇ જશે.૨૫ લાખની વસતી ધરાવતા રાજકોટ શહેરના મુખ્ય જળ સ્ત્રોત આજી-૧ ડેમની કુલ ઉંડાઇ ૨૯ ફૂટ છે અને હાલની સપાટી ૨૦.૯૦ ફૂટ છે, જ્યારે ન્યારી-૧ ડેમની કુલ ઉંડાઇ ૨૫.૧૦ ફૂટ છે અને હાલની સપાટી ૧૫.૯૦ ફૂટ છે. આ બન્ને ડેમમાંથી દૈનિક ૨૦ મિનિટ પાણી વિતરણ માટે જેટલો જળ જથ્થો ઉપાડવામાં આવે છે તે મુજબ બન્ને ડેમમાં દિવાળીના દિવસ સુધી ચાલે તેટલું જ પાણી ઉપલબ્ધ છે. આ ઉપરાંત ભાદર-૧ ડેમમાંથી રાજકોટને મર્યાદિત જળ જથ્થો મળે છે તેમાં પણ જાન્યુઆરી સુધીનું જ પાણી છે. જો વ્હેલી તકે રાજકોટના બન્ને ડેમમાં સૌની યોજનાનું નર્મદાનીર નહીં ઠલવાય તો દિવાળી અથવા નૂતન વર્ષના દિવસે જ પાણી ન મળે તેવું બની શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application