BREAKING NEWS

અનામત જાતિની મહિલા બિન અનામત વર્ગના યુવકને પરણે તો જાતિ ન બદલાય: કોર્ટનો ચુકાદો

  • October 14, 2026 02:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વડોદરાના અટલાદરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એટ્રોસિટીના એક ચર્ચસ્પદ કેસમાં કોર્ટે મહત્વનો આદેશ આપ્યો છે. મહિલા આરોપીએ ડિસ્ચાર્જ અરજી દાખલ કરીને દાદ માગી હતી કે તેનો જન્મ અનુસૂચિત જાતિમાં થયો છે અને તેણે બિન-અનુસૂચિત જાતિના યુવક સાથે લગ્ન કર્યા છે, આથી તેની સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો બની શકે નહીં. અદાલતે બંને પક્ષોની દલીલો અને રજૂ કરાયેલા પુરાવાઓને ધ્યાને લીધા બાદ મહિલા સામેનો એટ્રોસિટીનો ગુનો રદ કર્યો હતો અને તેની સામે માત્ર ભારતીય ન્યાય સંહિતાની સામાન્ય કલમો હેઠળ જ ટ્રાયલ ચલાવવાનો આદેશ આપ્યો હતો.

આ કેસની વિગત એવી છે કે, અટલાદરા વિસ્તારમાં રહેતા એક વૃદ્ધે પડોશમાં રહેતા દંપતી અને તેમના પુત્ર સામે એટ્રોસિટી એક્ટ તથા અન્ય કલમો હેઠળ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, ફરિયાદીના પૌત્ર અને પૌત્રી ઘર પાસે દંડાથી રમી રહ્યા હતા ત્યારે બોલાચાલી અને ઝઘડો થયો હતો. આ દરમિયાન આરોપીઓએ પૌત્રી સાથે ઝઘડો કરી જાતિ વિષયક અપમાનજનક શબ્દો વાપરી મારમારી કરી હતી. પોલીસે આ બનાવ સંદર્ભે એટ્રોસિટી અને બીએનએસની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો.

કોર્ટે કેસનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરતાં ચૂકાદામાં મહત્વપૂર્ણ નોંધ કરી હતી. પ્રોસિક્યુશન દ્વારા રજૂ કરાયેલા જાતિના પ્રમાણપત્ર મુજબ આરોપી મહિલા જન્મથી અનુસૂચિત જાતિ સાથે સંબંધ ધરાવે છે. ન્યાયાધીશે સ્પષ્ટ કર્યું કે જો કોઈ મહિલાનો જન્મ અનુસૂચિત જાતિમાં થયો હોય તો તે માત્ર બિન-અનુસૂચિત જાતિના પુરુષ સાથે લગ્ન કરવાથી પોતાની મૂળ જાતિ ગુમાવી દેતી નથી. વ્યક્તિની જાતિ હંમેશા તેના જન્મથી જ નક્કી થાય છે અને આંતરજ્ઞાતીય લગ્નો કરવાથી વ્યક્તિની મૂળ જાતિની ઓળખ બદલાતી નથી. આથી, મહિલા સામેનો એટ્રોસિટી એક્ટ હેઠળનો કેસ રદ કરીને તેમને તેમાંથી મુક્ત (ડિસ્ચાર્જ) કરવામાં આવ્યા હતા.

અટલાદરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા આ ગુનામાં એટ્રોસિટી ઉપરાંત બીએનએસની કલમ ૧૧૫(૨) (ઈજા પહોંચાડવી), ૨૯૬(બ) (જાહેરમાં ઝઘડો કરી અશાંતિ ફેલાવવી) અને કલમ ૫૪ (મદદગારી કરવી) પણ દાખલ કરવામાં આવી હતી. અદાલતના આદેશ બાદ હવે મહિલા સામે એટ્રોસિટીની કલમ વગર માત્ર સામાન્ય મારામારી અને ઝઘડાના પુરાવાઓ તથા સાક્ષીઓની ચકાસણીના આધારે આગળની ન્યાયિક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application