BREAKING NEWS

જો હવે મનપાની ચૂંટણી લડાવાય તો ભાનુબેન રાજકોટના આગામી મેયર?

  • February 14, 2026 04:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



રાજકોટ મહાપાલિકાના વોર્ડ નં.૧ના કોર્પોરેટર અને ધારાસભ્ય ભાનુબેન બાબરિયાને જો હવે મહાપાલિકાની આગામી ચૂંટણી લડાવવામાં આવે તો ભાનુબેન રાજકોટના ભાવિ મેયર હશે તેવી ચર્ચા શરૂ થઇ છે, જો કે જાણકારોના મતે ભાનુબેનને હવે મહાપાલિકાની ચૂંટણીમાં મેદાને ઉતારાય તેવી શક્યતા ઓછી છે. આમ છતાં જો પક્ષ ભાનુબેનને ચૂંટણી લડવા આદેશ કરે તો તેમણે હાલનો વોર્ડ નં.૧ છોડીને વોર્ડ નં.૨ અથવા વોર્ડ નં.૬માંથી ચૂંટણી લડવી પડે. જો આવા સમીકરણ સર્જાય તો ભાનુબેન વોર્ડ નં.૧ની બાજુના વોર્ડ નં.રમાંથી ચૂંટણી લડે તેવી સંભાવના વધુ છે.

રાજકીય વર્તુળોમાં ઉપરોક્ત પ્રકારની ચર્ચા શરૂ થવાનું કારણ એવું છે કે, રાજકોટ મહાપાલિકાની વર્તમાન બોડીની પાંચ વર્ષની મુદત આજથી બરાબર ૨૫ દિવસ પછી તા.૧૧ માર્ચના ૨૦૨૬ના રોજ પૂર્ણ થઈ રહી છે. સંભવત: એપ્રિલના અંતે કે મે મહિનાના પ્રારંભે ચૂંટણી યોજાવાની શક્યતા છે. મેયરપદનું રોટેશન અગાઉ જાહેર થઇ ચુક્યું છે, જે મુજબ રાજકોટમાં ૨૦૨૬થી ૨૦૩૧ની ટર્મમાં મેયરપદ માટેની પ્રથમ અઢી વર્ષની ટર્મ જનરલ કેટેગરીના પુરુષ કોર્પોરેટર અને બીજી અઢી વર્ષની ટર્મ અનુસૂચિત જાતિના મહિલા કોર્પોરેટર માટે અનામત છે. જ્યારે વોર્ડવાઇઝ અનામત બેઠકના રોટેશન અનુસાર વોર્ડ નં.૨ અથવા વોર્ડ નં.૬માં જ અનુસૂચિત જાતિ મહિલા અનામત બેઠક ઉપલબ્ધ છે આથી રાજકોટના ભાવિ મહિલા મેયર વોર્ડ નં.૨ અથવા વોર્ડ નં.૬માંથી આવશે તેવી ચર્ચા છે.

ફેબ્રુઆરી-૨૦૨૧માં યોજાયેલી રાજકોટ મહાપાલિકાની ગત ચૂંટણીમાં પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરિયાને ટિકિટ અપાતા તત્કાલિન સમયે પણ એવી ચર્ચા જાગી હતી કે ભાનુબેનને મેયર બનાવવા માટે ચૂંટણી લડાવવામાં આવી રહી છે પરંતુ તેવું બન્યું ન હતું. ભાનુબેનને વોર્ડ નં.૧ની અનામત બેઠકથી ચૂંટણી લડાવી હતી પરંતુ મેયર પદના રોટેશનમાં પ્રથમ અઢી વર્ષની ટર્મ ઓબીસી પુરુષ અને બીજા અઢી વર્ષની ટર્મ જનરલ કેટેગરી મહિલા અનામત આવતા સમીકરણો બદલાઇ ગયા હતા.



નો રિપિટ થિયરીની શક્યતા વધુ

રાજકોટ મહાપાલિકાની આગામી ચૂંટણીમાં ભાજપ ટિકિટ ફાળવણીમાં અમુક ચુનંદા સિનિયરોને જાળવી રાખવી મહદ અંશે નો રિપીટ થિયરી અપનાવે તેવી શક્યતા વધુ છે. હાલના ૬૮માંથી ૫૦ જેટલા કોર્પોરેટરોની ટિકિટ કપાશે. નવા અને યુવા ચહેરાઓને પ્રાધાન્ય આપશે તે હાલથી જ સુનિશ્ચિત છે. સંગઠન માળખાની જેમ જ સત્તા પાંખમાં પણ મોટા ભાગના ચહેરાઓ બદલી નાખવાની વ્યૂહ રચના ઘડાઇ રહી હોવાની ચર્ચા છે.


તો ડો.દર્શિતાબેન શાહ શું કરશે..?

જો મહાપાલિકાની આગામી ચૂંટણીમાં ભાનુબેનને વોર્ડ નં.૨માં અનુસૂચિત જાતિ મહિલા અનામતની બેઠક ઉપરથી ચૂંટણી લડાવાય તો વોર્ડ નં.૨ના વર્તમાન કોર્પોરેટર ડો.દર્શિતાબેન શું કરશે ? શું બન્ને મહિલા ધારાસભ્યો એક જ વોર્ડમાંથી મહિલા ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે ? કે પછી તેઓ મહાપાલિકાની ચૂંટણી જ નહીં લડે ? વોર્ડ નં.૨માં આગામી ટર્મમાં એક બેઠક અનુ. જાતિ મહિલા અને એક બેઠક જનરલ કેટેગરી મહિલા અનામત છે. જ્યારે પુરુષ ઉમેદવારની બે બેઠકોમાં એક ઓબીસી અનામત અને એક જનરલ કેટેગરી અનામત છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application