BREAKING NEWS

ભાજપ સંગઠનના હોદેદારોની નિયુક્તિ કમૂરતા પૂર્વે ન થાય તો ઉત્તરાયણ પછી

  • December 06, 2025 12:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આજે સરદાર યુનિટી માર્ચના સમાપન સાથે જ હવે પ્રદેશથી લઇને મહાનગર અને જિલ્લા ભાજપના હોદેદારો તેમજ વિવિધ મોરચા અને સેલના હોદ્દેદારોની નિયુક્તિનો મુદ્દો ચર્ચાની એરણે ચડ્યો છે, ટૂંક સમયમાં નવા હોદેદારો માટેનો ક્રાઇટેરિયા અને ગાઇડ લાઇન્સ જાહેર થશે તેમ સૂત્રોમાંથી જાણવા મળે છે. જો ક્મૂરતા પૂર્વે અર્થાત્ ૧૫ ડિસેમ્બર સુધીમાં નવી નિમણૂંકો નહીં થાય તો પ્રક્રિયા એક મહિનો વિલંબિત થશે અને ઉત્તરાયણ પછી નવા હોદ્દેદારોના નામની જાહેરાત થાય તેવી પણ એક શક્યતા છે.


વિશેષમાં સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, તાજેતરમાં જ પ્રદેશ દ્વારા મહાનગર, શહેરો અને જિલ્લા ખાતેથી નામોની યાદી મંગાવી લેવામાં આવી છે જેને ટૂંક સમયમાં આખરી ઓપ અપાશે. પ્રમુખોની નિયુક્તિ થયાને ત્રણેક મહિનાથી વધુ સમય વીતી ગયો છે છતાં શહેર અને જિલ્લા કક્ષાએ અન્ય હોદેદારોની નિયુક્તિ હજુ સુધી થઇ ન હોય આગેવાનો અને કાર્યકરો આશાભરી મીટ માંડી બેઠા છે. અલબત્ત પ્રદેશ પ્રમુખની નિયુક્તિને એક મહિનાથી વધુ સમય વિતી ગયો છે તેમ છતાં આજ દિવસ સુધી પ્રદેશ માળખું પણ જાહેર થયું નથી. સૌપ્રથમ પ્રદેશ માળખું જાહેર થશે અને ત્યારબાદ વિવિધ શહેર તેમજ જિલ્લાના માળખા જાહેર થશે તેમ જાણવા મળે છે. મહાપાલિકાઓની ચૂંટણી નજીક હોય તે જોતા હવે નવા સંગઠન માળખાની નિમણૂકમાં વિશેષ વિલંબ નહીં કરાય તેમ મનાય રહ્યું છે. ગુજરાત રાજ્ય સરકારના તાજેતરમાં વિસ્તરણ કરાયેલા મંત્રી મંડળમાં તો સૌરાષ્ટ્રને પૂરતો ન્યાય અપાયો પરંતુ રાજકોટ શહેરની બાદબાકી થઇ હતી, હવે ગુજરાત પ્રદેશ ભાજપના માળખામાં સૌરાષ્ટ્ર અને ખાસ કરીને રાજકોટ શહેરના ક્યા નેતાને કેવું સ્થાન અપાય છે તે જોવાનું રહેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેર ભાજપના નવા હોદેદારોની નિયુક્તિ મામલે પ્રદેશ કક્ષાએથી શહેર પ્રમુખ ડો.માધવભાઇ દવે સાથે ટેલિફોનિક પરામર્શ કરી લેવાયો હોવાની ચર્ચા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application