ફૂટપાથ નહીં ખુલે તો જજોએ ધરણાં ઉપર બેસવું પડશે: સુપ્રીમની ચીમકી
ફૂટપાથ નહીં ખુલે તો જજોએ ધરણાં ઉપર બેસવું પડશે: સુપ્રીમની ચીમકી
October 17, 2026 11:05 AM
દેશની રાજધાનીમાં સામાન્ય માણસને સલામત રીતે પગપાળા ચાલવા માટે ફૂટપાથ પણ ન મળે તેવી સ્થિતિ ઉપર સુપ્રીમ કોર્ટે અસાધારણ કડકાઈ બતાવી છે. દિલ્હી હાઈકોર્ટની આસપાસ ફૂટપાથ પરના અતિક્રમણ અને સુરક્ષિત પેડેસ્ટ્રિયન ક્રોસિંગના અભાવના મામલે કોર્ટે કહ્યું કે ૨૫ નવેમ્બર સુધી નક્કર કાર્યવાહી નહીં થાય તો બેન્ચના જજો પોતે દિલ્હી હાઈકોર્ટની બહાર ધરણાં પર બેસી જશે.જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ કે. વિનોદ ચંદ્રનની બેન્ચે કેન્દ્ર સરકાર અને દિલ્હી પ્રશાસનના વલણ સામે નારાજગી વ્યક્ત કરી હતી. બેન્ચે મૌખિક ટિપ્પણીમાં કહ્યું કે જો ૨૫ નવેમ્બર સુધી સમસ્યાનું વાસ્તવિક સમાધાન નહીં આવે તો જજો ધરણાં પર બેસશે અને પ્રશ્ન ઉકેલાય નહીં ત્યાં સુધી ત્યાંથી ઊઠશે નહીં.મામલો દિલ્હી હાઈકોર્ટ આસપાસના ફૂટપાથ, રોડ ક્રોસિંગ અને પગપાળા લોકોની સલામતી સાથે સંબંધિત છે. અદાલતે નોંધ્યું કે ફૂટપાથનો મૂળ હેતુ વાહનવ્યવહારથી અલગ સલામત જગ્યા આપવાનો છે, પરંતુ અતિક્રમણ અને આયોજનના અભાવે લોકોને રસ્તા ઉપર ચાલવાની ફરજ પડે છે. આવી સ્થિતિમાં અકસ્માતનો જોખમ વધે છે.જસ્ટિસ પારડીવાલાએ સરકાર દ્વારા વારંવાર કમિટીઓ બનાવવાના અભિગમ સામે પણ ટકોર કરી. કોર્ટે સ્પષ્ટ કહ્યું કે કાગળ પર કમિટી રચી દેવાથી ફૂટપાથ ખુલ્લા થઈ જતા નથી. લોકોને વાસ્તવમાં ચાલવા લાયક ફૂટપાથ અને રસ્તો પાર કરવા સલામત વ્યવસ્થા મળવી જોઈએ.બેન્ચે સંકેત આપ્યો કે નક્કી કરેલી સમયમર્યાદામાં કાર્યવાહી નહીં થાય તો દિલ્હી સરકારના મુખ્ય સચિવને વ્યક્તિગત રીતે કોર્ટ સમક્ષ હાજર રહેવા કહેવામાં આવી શકે છે. સુપ્રીમ કોર્ટે સમગ્ર પ્રશ્નને માત્ર દિલ્હી હાઈકોર્ટના જજોની સુવિધાનો નહીં પરંતુ લાખો નાગરિકોના મૂળભૂત શહેરી હક્કનો મુદ્દો ગણાવ્યો.