લગભગ ૯૬ ટકા મુસ્લિમ વસ્તી ધરાવતા અઝરબૈજાનમાં સ્કૂલના નવા ડ્રેસકોડને લઈને મોટો હિજાબ વિવાદ ઊભો થયો છે. સરકારે સત્તાવાર આદેશમાં હિજાબ શબ્દનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો નથી, પરંતુ સરકારી સ્કૂલોમાં નક્કી કરેલા યુનિફોર્મ ઉપરાંત ધાર્મિક સ્વરૂપના વસ્ત્રોને મંજૂરી નહીં આપવાની નીતિ અમલમાં આવતા હિજાબ પહેરતી વિદ્યાર્થિનીઓને ક્લાસમાં પ્રવેશ ન મળ્યાના કિસ્સા સામે આવ્યા છે.અઝરબૈજાનની કેબિનેટે ૨૧ સપ્ટેમ્બરે સરકારી શાળાઓ માટે એકસમાન ડ્રેસકોડ સંબંધિત નિર્ણય લીધો હતો. સરકારનું કહેવું છે કે સ્કૂલના વસ્ત્રોમાં દેશના ધર્મનિરપેક્ષ સ્વરૂપનું પ્રતિબિંબ દેખાવું જોઈએ.આ નિયમ અમલમાં આવ્યા પછી અનેક સ્કૂલોમાં હિજાબ પહેરી આવેલી વિદ્યાર્થિનીઓને ગેટ પરથી પાછી મોકલવામાં આવી હતી. કેટલીક જગ્યાએ અન્ય વિદ્યાર્થીઓએ તેમના સમર્થનમાં વર્ગોનો બહિષ્કાર કર્યો અને રસ્તા પર બેસીને અભ્યાસ શરૂ કર્યો.૬ ઓક્ટોબરે શિક્ષકો માટે પણ નવા ડ્રેસકોડના નિયમોને મંજૂરી આપવામાં આવી હતી. ત્યારબાદ હિજાબ પહેરતી કેટલીક મહિલા શિક્ષિકાઓ ઉપર માથાનું આવરણ દૂર કરવા દબાણ થતું હોવાના આક્ષેપ થયા છે.અઝરબૈજાનની લગભગ ૯૬ ટકા વસતી મુસ્લિમ છે અને તેમાં શિયા મુસ્લિમ બહુમતીમાં છે. છતાં દેશના બંધારણમાં અઝરબૈજાનને ધર્મનિરપેક્ષ પ્રજાસત્તાક જાહેર કરવામાં આવ્યો છે. બંધારણમાં ધર્મ અને રાજ્યને અલગ રાખવામાં આવ્યા છે અને સરકારી શિક્ષણ ધર્મનિરપેક્ષ રહેશે તેવી જોગવાઈ છે.૧૨ ઓક્ટોબરે ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે સ્કૂલ ડ્રેસકોડના અમલ દરમિયાન થયેલા વિરોધ અને અથડામણોના સંબંધમાં ૩૭ લોકોની ધરપકડ કરવામાં આવી છે. સરકારનો આક્ષેપ છે કે કેટલાક લોકોએ શૈક્ષણિક સંસ્થાઓના સામાન્ય કામકાજમાં અવરોધ ઊભો કર્યો હતો.અઝરબૈજાનમાં હિજાબનો વિવાદ નવો નથી. ૨૦૧૦માં પણ સ્કૂલ યુનિફોર્મના નામે હિજાબ ઉપર નિયંત્રણ મૂકવાના પ્રયાસ સામે મોટા વિરોધ થયા હતા.