ગોંડલમાં યુવાનને કાકા- ભત્રીજાએ મળી લોખંડની સાંકળ વડે મારમાર્યો
ગોંડલમાં યુવાનને કાકા- ભત્રીજાએ મળી લોખંડની સાંકળ વડે મારમાર્યો
July 22, 2026 04:55 AM
ગોંડલમાં શેરીમાંથી સ્પીડમાં બાઇક લઇને નીકળવા બાબતે યુવાનને કાકા- ભત્રીજાએ મળી લોખંડની સાંળક વડે અને ઢીકાપાટુનો માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવાનને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે ગોંડલ સિટી પોલીસે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી. ગોંડલમાં કપુરીયાપરા મીલ રોડ જડીબેન દૂધવાળાની બાજુમાં રહેતા ચિરાગ પ્રફુલભાઈ રાજ્યગુરુ (ઉ.વ.36) દ્વારા ગોંડલ સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે તેમના જ વિસ્તારમાં રહેતા જાદરેશ સવાભાઈ બાંભવા અને રાજેશ ગેલાભાઈ બાંભવાના નામ આપ્યા છે. યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે ગોંડલ નગરપાલિકામાં સેનીટેશન વિભાગમાં સુપરવાઇઝર તરીકે કામ કરે છે. ગઈકાલ રાત્રીના તે ઘરેથી ગોંડલ સરકારી હોસ્પિટલ સામે આવેલ પોતાની શિવ પાન નામની દુકાન વધાવવા માટે જતો હતો પરંતુ વાહનમાં પેટ્રોલ ખૂટી ગયું હોય જેથી ચાલુ થતું ન હોય દરમિયાન ચાલુ થઈ જતા જલ્દી દુકાને પહોંચવા માટે વાહન ઝડપથી હંકારી કોલેજ ચોકમાં આવેલી અમી પેટ્રોલ પંપમાં પેટ્રોલ પુરાવી દુકાને પહોંચ્યો હતો. દરમિયાન યુવાનની શેરીમાં રહેતા જાદરેશ બાંભવાનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, કેમ ભાઈ મારા ઘરની બહાર સ્પીડમાં ગાડી લઇને નીકળે છે? જેથી યુવાને કહ્યું હતું કે, વાહનમાં પેટ્રોલ ખૂટી ગયું હોય જેથી ઉતાવળે ત્યાંથી નીકળ્યો હતો.પરંતુ જાદરેશે તેને ગાળો આપી હતી જેથી યુવાને ગાળો આપવાની ના કહેતા તેણે પૂછ્યું હતું કે તું ક્યાં છો યુવાને કહ્યું હતું કે હું દુકાને જ છું. તેમ કહેતા જ જાદરેશે ફોન કાપી નાખ્યો હતો. થોડીવાર બાદ જાદરેશ તથા તેનો ભત્રીજો રાજેશ બાંભવા બંને સરકારી હોસ્પિટલ પાસે આવેલી આવેલી યુવાનની દુકાને આવ્યા હતા. બાદમાં બંને યુવાન સાથે બોલાચાલી કરી ગાળો આપવા લાગ્યા હતાં.યુવાને ગાળો આપવાની ના કહેતા રાજેશે બાઇકમાં દુધના કેન બાંધવાની લોખંડની સાંકળ લઇ યુવાને આડેધડ મારવા લાગ્યો જયારે જાદરેશે યુવકને ઢીકાપાટુનો માર માર્યો હતો. દરમિયાન યુવાનના પિતા પ્રફુલભાઈએ વચ્ચે પડી તેને વધુ મારામાંથી બચાવ્યો હતો. અહીં લોકો એકત્ર બંને જતા રહ્યા હતાં જતા જતા ધમકી આપી હતી કે, હવે પછી મારા ઘર આગળથી નીકળ્યો તો તને જાનથી મારી નાખીશું. હુમલામાં યુવાનને ઈજા પહોંચી હોય તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બાદમાં તેણે આ કાકા-ભત્રીજા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.