BREAKING NEWS

જામનગરમાં બોર્ડની પરીક્ષા પૂર્વે મોડી સાંજે અનેક વિસ્તારોમાં ૩ કલાકથી વધુ વીજળી ગુલથી દેકારો

  • February 26, 2026 05:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગરમાં બોર્ડની પરીક્ષા પૂર્વે મોડી સાંજે અનેક વિસ્તારોમાં ૩ કલાકથી વધુ સમય વીજળી ગુલ થયાની ફરિયાદો શહેરીજનોમાં ઉઠી છે. ૧૧ કેવી એચ ટી લાઇનમાં ફોલ્ટના કારણે વીજ પુરવઠો ખોરવાતા બોર્ડની પરીક્ષાની તૈયારી કરતા વિધાર્થીઓ ભારે મૂંઝવણમાં મૂકાતા દેકારો બોલી ગયો હતો. બાકી વીજબીલની વસૂલાતમાં પાવરધી વીજ કંપની વીજ પુરવઠામાં સાતત્ય જાળવવામાં નિષ્ફળ રહેતા શહેરીજનોમાં ભારે રોષની લાગણી ફેલાઇ છે. 


રાજયની સાથે જામનગરમાં ગુરૂવારથી ધો.૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે. પરંતુ જામનગર શહેરમાં બોર્ડની પરીક્ષાના આગલા દીવસે એટલે કે બુધવારે મોડી સાંજે ૬ વાગ્યા આસપાસ મહાવીર સોસાયટી, પટેલ કોલોની, પંચવટી સહીતના અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઇ ગઇ હતી. આથી બોર્ડની પરીક્ષાની તૈયારી કરતા વિધાર્થીઓ ભારે મૂંઝવણમાં મૂકાતા વાલીઓમાં દેકારો બોલી ગયો હતો. આટલું જ નહીં અમુક વિસ્તારોમાં તો ૩ કલાકથી વધુ સમય સુધી વીજળી ગુલ રહી હતી. આથી બોર્ડના વિધાર્થીઓએ ભારે માનસીક તણાવ અનુભવ્યો હતો. ૧૧ કેવી એચટી લાઇનમાં ફોલ્ટના કારણે આ સમસ્યા સર્જાઇ હોવાનું વીજ કંપનીના અધિકારીઓએ જણાવ્યું હતું.


નવાઇની વાત તો એ છે કે, ઉપરોકત વિસ્તારોમાં બોર્ડની પરીક્ષાના આગલા દીવસે મોડી સાંજે વીજળી ગુલ થતાં ચિંતાગ્રસ્ત વાલીઓએ વીજકંપનીના સંબધીત નંબરોમાં વીજ પુરવઠો કયારે પુન: કાર્યરત થશે, હજુ કેટલો સમય લાગશે તે અંગે ફોનનો મારો ચલાવ્યો હતો. પરંતુ વીજ કંપનીના અધિકારીઓ દ્રારા સંતોષકારક પ્રત્યુતર પાઠવામાં ન આવ્યાની ફરિયાદો ઉઠી છે. જેના કારણે વાલીઓની ચિંતામાં વધારો થયો હતો.


અત્રે નોંધનીય છે કે, બુધવારે વીજકંપની દ્રારા મોટા ઉપાડે બાકી વીજબીલની વસૂલાત માટે અનેક ટીમો મેદાનમાં ઉતારી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પરંતુ દશેરાએ ઘોડું ન દોડયું હોય તેમ બોર્ડની પરીક્ષાના આગલા દીવસે ૩ કલાકથી વધુ સમય શહેરના અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થયાની ફરિયાદોથી વીજકંપની પ્રત્યે શહેરીજનોમાં ભારે રોષની લાગણી ફેલાઇ છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application