BREAKING NEWS

તારે મુંડન કરાવું જ પડશે નહીં તો તારા પતિની આત્માને શાંતિ નહીં મળે, રાજકોટમાં અંધશ્રદ્ધાનો ચોંકાવનારો કિસ્સો

  • June 10, 2026 04:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

૨૧ મી સદી અને એઆઇના યુગમાં પણ સમાજના કેટલાક વર્ગમાં અંધશ્રધ્ધા યથાવત છે જેની પ્રતિતિ કરાવતો ચોંકાવનારો કિસ્સો રાજકોટમાં સામે આવ્યો છે. પતિના અવસાન બાદ સાસરીયાએ પુત્રવધૂને કહ્યું હતું કે, તારે મુંડન કરાવવુ જ પડશે તો જ તારા પતિની આત્માને શાંતિ મળશે કહી ધરાર મુંડન કરાવી નાખ્યૂં હતું. એટલું જ નહીં તું અપશુકનીયાળ છો કહી મહિલાને ઘરમાંથી કાઢી મૂકી હતી. જેથી મહિલાએ સાસરીયા સામે ફરિયાદ નોંધાવી છે.


શહેરના માયાણી ચોક પાસે રહેતી સોનલબેન ચંદ્રેશભાઈ જાગાણી(ઉ.વ.36) નામના મહિલાએ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં આરોપી તરીકે ધોરાજીમાં રહેતા સાસુ જયાબેન ભાદાભાઈ જગાણી, સસરા ભાદાભાઈ જગાણી અને જેતપુરમાં રહેતી નણંદ નિમિષાબેન રાજેશભાઈ પાદરીયાના નામ આપ્યા છે. મહિલાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમના લગ્ન ગત તા. 6/12/2014 ના ચંદ્રેશકુમાર જાગાણી સાથે થયા હતા. પતિને હેડ ફિનિશિંગનું કારખાનું હતું. તા. 12/11/2025 ના કેન્સરની બીમારીથી પતિનું મોત થયું છે. લગ્નજીવન થકી મહિલાને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે.


મહિલાએ ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે, અગાઉ તેઓ સંયુક્ત પરિવારમાં જેતપુર ખાતે રહેતા હતા. દરમિયાન દીકરાનો જન્મ થયો હતો બાદમાં સાસુ અને નણંદ ચઢામણી કરતા પતિ સાથે ઝઘડા થતા હતા. ત્યારબાદ સસરાએ પતિને કહ્યું હતું કે, અલગ રહેવા ચાલ્યા જાઓ જેથી નવાગઢ જકાતનાકા પાસે ભાડાના મકાનમાં પતિ-પત્ની રહેવા જતા રહ્યા હતા.


મહિલાના સાસુ ભુવા અને દોરા ધાગામાં ખૂબ જ માનતા હોવાથી તેઓ ઘરમાં અલગ અલગ ભુવાઓને બોલાવતા હતાં. જે મહિલાને ગમતું નહીં આ બાબતે ઝઘડા થતા હતાં. વર્ષ 2023 માં પતિને આંતરડાનું કેન્સર થયાનું રિપોર્ટ આવ્યો હતો જેની સારવાર રાજકોટ કેન્સર હોસ્પિટલ ખાતે કરાવી હતી અને ઓપરેશન ઝાયડસ હોસ્પિટલ ખાતે કરાવ્યું હતું. જે બાદ પણ તેમની સારવાર ચાલુ હતી. પરંતુ સાસુએ ભુવાના કહેવાથી સારવાર બંધ કરાવી હતી. મહિલાના પતિનું ગત તા. 12/11/2025 ના અવસાન થયું હતું.


પતિની અંતિમવિધિ થયા બાદ ત્રણ દિવસ પછી તા. 14/11/2025 ના સાસુ અને નણંદે કહ્યું હતું કે તારે માથાનું મુંડન કરાવવું પડશે જો તું નહીં કરે તો તારા પતિની આત્માને શાંતિ નહીં મળે તેમ કહી બળજબરીપૂર્વક મહિલાનું મુંડન કરાવી નાખ્યું હતું. પતિના અવસાનના એકાદ મહિના બાદ સાસુએ કહ્યું હતું કે, તારા કારણે જ મારા દીકરો મરણ ગયેલ છે અને તું અપશુકનીયાળ છો, તારું અહીં કંઈ કામ નથી તું તારા માવતર જતી રહે તેવું કહેતા મહિલા બંને બાળકો સાથે પિતાના ઘરે આવી ગઈ હતી મહિલા પોતાની સાથે પતિનો ફોન લાવી હોય જેના બીજા દિવસે એટલે કે તા. 9 અને બાદમાં તા. 10 ના બે દિવસ દરમિયાન નણંદના પુત્રએ પતિના બેન્ક એકાઉન્ટમાંથી દોઢ લાખ રૂપિયા ઉપાડ લીધા હતા. જેનો મેસેજ મહિલાના પતિના ફોનમાં આવ્યો હતો અને એટીએમનો પીનકોડ પણ બદલી નાખ્યો હતો. પતિના પૈસા સાસરીયાવાળાઓએ વાપરી નાખ્યા હતા તેમજ તેનો ફોન પણ બાદમાં મહિલા પાસેથી લઈ લીધો હતો.


પતિના ગોડાઉનમાં રાખેલું લસણ પણ સસરાએ વેચી દીધું હતું જે મહિલાએ પોતાના પૈસાની ખરીદ્યું હતું તો પણ સસરાએ તેના પૈસા આપ્યા નથી. તેમજ પતિની બધી મિલકત કારખાનું તેમજ જન્મદિવસે પતિ આપેલ એકટિવા, પતિની કાર સાસરીયાવાળાઓએ લઈ લીધી હતી. હાલ મહિલા વિધવા હોય અને બે બાળકોને ભણાવવા તેમજ મોટા કરવાની જવાબદારી તેમના એકલાના શીરે હોય મહિલા તથા તેના બાળકોનો હક સાસરિયાવાળા આપતા ન હોય અને તેઓની જવાબદારી સ્વીકારતા ન હોય જેથી અંતે મહિલાએ આ અંગે મહિલા પોલીસ સ્ટેશનમાં સાસુ- સસરા અને નણંદ વિરુદ્ધ આ ફરિયાદ નોંધાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application