આજના ઓનલાઈન શોપિંગ, ઇન્સ્ટન્ટ હોમ ડિલિવરી અને વન-ક્લિક પેમેન્ટના ડિજિટલ યુગમાં ખરીદી કરવી ખૂબ જ સરળ બની ગઈ છે આ ઝડપી સુવિધાઓ ભલે આપણું જીવન સરળ બનાવતી હોય, પરંતુ તેના લીધે બાળકોમાં કોઈ વસ્તુ મેળવવા માટે રાહ જોવાની કે ધૈર્ય રાખવાની આદત ઓછી થઈ રહી છે. નિષ્ણાતોના મતે, બાળપણની આ આદત આગળ જતાં તેમને આર્થિક રીતે નબળા બનાવી શકે છે. આથી જ, માતા-પિતા માટે બાળકોને નાની ઉંમરથી જ ફાઈનાન્સિયલ એજ્યુકેશન (નાણાકીય સમજણ) આપવું ખૂબ જરૂરી છે. આ આદત તેમના ભવિષ્યના કરિયર અને નિર્ણયોમાં પણ ખૂબ મદદરૂપ સાબિત થાય છે.
બાળકોને પૈસાની સાચી કિંમત સમજાવવા માટે વાલીઓ નીચે મુજબની ૪ અસરકારક રીતો અપનાવી શકે છે
૧. મનપસંદ વસ્તુનું લક્ષ્ય (Goal) નક્કી કરાવોબાળકોને બચત માટે પ્રેરિત કરવાનો સૌથી સરળ રસ્તો એ છે કે તેમને કોઈ ચોક્કસ ધ્યેય આપો. જો બાળકને કોઈ ખાસ રમકડું કે સાયકલ જોઈતી હોય, તો વાલીઓએ તેને એ સમજાવવું જોઈએ કે દરેક ઈચ્છા તરત પૂરી નથી થતી અને તેના માટે પૈસા બચાવવા પડે છે. આનાથી બાળકમાં પૈસા બચાવવાની ઉત્કંઠા સાથે ધૈર્ય અને જવાબદારીની ભાવના ખીલશે.
૨. 'જરૂરિયાત' અને 'ઈચ્છા' વચ્ચેનો તફાવત સમજાવો
બાળકોને નાનપણથી જ એ શીખવવું જોઈએ કે 'જરૂરિયાત' (Need) અને 'ઈચ્છા' (Want) માં શું તફાવત છે. જરૂરિયાતો એટલે એવી વસ્તુઓ જેના વિના રોજિંદું જીવન શક્ય નથી (જેમ કે ખોરાક, ભણવાનું સાધન વગેરે), જ્યારે ઈચ્છાઓ એટલે એવી વસ્તુઓ જે ફક્ત આનંદ આપે છે પરંતુ તેના વિના પણ કામ ચાલી શકે છે. ઉદાહરણ તરીકે, ઘરની કરિયાણાની ખરીદી કરતી વખતે બાળકને સાથે રાખીને પૂછી શકાય કે આમાંથી કઈ વસ્તુ અત્યારે સૌથી વધુ જરૂરી છે.
૩. પોકેટ મનીને બનાવો આર્થિક પાઠશાળા બાળકોને અપાતી પોકેટ મની ફક્ત મોજમસ્તી કે ખર્ચ માટે નથી, પરંતુ તે જવાબદારી શીખવવાનું એક ઉત્તમ માધ્યમ છે. વાલીઓએ બાળકોને પોકેટ મની આપતી વખતે જ તેના બે ભાગ પાડવાની ટેવ પાડવી જોઈએ - એક ભાગ તાત્કાલિક ખર્ચ માટે અને બીજો ભાગ પિગી બેંક (ગલ્લા) માં બચત માટે. આનાથી તેઓ પોતાના નાના-મોટા નાણાકીય નિર્ણયો જાતે લેતા અને તેના પરિણામો સમજતા શીખશે.
૪. ખર્ચ કરતા પહેલાં બચત કરવાનો સુવર્ણ નિયમ મોટાભાગના લોકો આવકમાંથી ખર્ચ કર્યા પછી જે વધે તે બચાવે છે, પરંતુ સ્માર્ટ ફોર્મ્યુલા એ છે કે પૈસા હાથમાં આવતા જ સૌથી પહેલાં તેનો અમુક હિસ્સો બચત માટે અલગ મૂકી દેવો જોઈએ. જ્યારે બાળકો કોઈ ભેટ, ઈનામ કે પોકેટ મનીના પૈસામાંથી પહેલેથી જ બચત કરવાનું શરૂ કરશે, ત્યારે તેઓ ધીમે-ધીમે સમજી શકશે કે નાની-નાની બચત ભવિષ્યમાં કેટલો મોટો ફાયદો કરાવી શકે છે.