BREAKING NEWS

કુવાડવા પોલીસ ચોકીનું લોકાર્પણ, ઇન્ડોર બેડમિન્ટન કોર્ટનું ભૂમિપૂજન યોજાયું

  • January 23, 2026 03:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
રાજકોટ શહેરમાં આજે વસંત પંચમીના શુભ મુહૂર્તે પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝાના વરદહસ્તે એક કરોડના ખર્ચે તૈયાર થયેલ નવી કુવાડવા પોલીસ ચોકીનું લોકાર્પણ તેમજ રેસકોસ ખાતે 72 લાખના ખર્ચે તૈયાર થનાર ઇન્ડોર બેડમિન્ટન કોર્ટનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.


શહેરમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સુદ્રઢ બનાવવાની નેમ અને કોઈપણ સંજોગોમાં નાગરિકોને પોલીસની મદદ તાત્કાલિક મળી રહે તે માટે પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝાના નેતૃત્વ હેઠળ રાજકોટ-અમદાવાદ હાઇવે પર આવેલ કુવાડવા ગામે વાંકાનેર ચોકડી ખાતે નવનિર્મિત કુવાડવા પોલીસ ચોકીનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.


કુવાડવા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન અને શહેર પોલીસના સંયુક્ત ઉપક્રમે કુવાડવા ગામ ખાતે કુવાડવા પોલીસ ચોકીનું નિર્માણ, સામાજિક રાજકીય આગેવાનો અને દાતાઓના સહયોગથી નિર્મિત પોલીસ ચોકીનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું, પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાના હસ્તે આજે સવારે 9:30 કલાકે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.


આ લોકાર્પણ પ્રસંગે ડીસીપી હેતલ પટેલ, કુવાડવા ઇન્ડસ્ટ્રીયલ એસો.ના પ્રમુખ દિલીપભાઈ ઘરસંડીયા, ઉપપ્રમુખ ભગવાનજીભાઈ વડોદરિયા, બોમ્બે સુપર ગ્રુપના અરવિંદભાઈ કાકડીયા( પિન્ટુભાઇ) સહિતના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.


કુવાડવા પોલીસ ચોકીનું માર્ચ, 2025 માં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. વર્ષ 2005માં રાજ્ય સરકાર દ્વારા જમીનની ફાળવણી કરવામાં આવી હતી. જે જમીન ખાતે જનભાગીદારીથી આશરે એક કરોડના ખર્ચે કુવાડવા પોલીસ ચોકીનું નિર્માણ કરવામાં આવ્યું છે. અહીં પોલીસ ચોકીનું નિર્માણ થતા ઇન્ડસ્ટ્રીયલ ઝોનના ઉદ્યોગ સાહસિકો તેમજ આસપાસના વિસ્તાર વાસીઓને વિકટ વેળામાં તાત્કાલિક પોલીસની સહાય મળી રહેશે.


આ ઉપરાંત પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા, રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા દ્વારા રેસકોર્સ ખાતે ઇન્ડોર બેડમિન્ટન કોર્ટનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. જનભાગીદારીથી રેસકોર્સ ખાતે રૂ.72 લાખના ખર્ચે ઇન્ડોર બેડમિન્ટન કોર્ટનું નિર્માણ કાર્ય આજથી શરૂ કરવામાં આવ્યું છે. જેનું ભૂમિ પૂજન આજે સવારે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર કરવામાં આવ્યું હતું.


જેમાં ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા, ડીસીપી હેતલ પટેલ ડીસીપી રાકેશ દેસાઈ, ટ્રાફિક ડીસીપી હરપાલસિંહ જાડેજા તેમજ શહેર પોલીસમાં ફરજ બજાવતા એસીપી, પીઆઈ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application