કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ (CBDT) એ 8 ઓક્ટોબર 2026 ના રોજ આવકવેરા નિયમો હેઠળ ફોર્મ 161 નો સુધારેલો ડ્રાફ્ટ જારી કર્યો છે. આ સુધારા હેઠળ પાત્ર કરદાતાઓ આવકની ખોટી માહિતી આપવા અથવા અન્ય નિર્ધારિત કેસોમાં ઈન્કમ ટેક્સ વિભાગ દ્વારા લગાવવામાં આવેલી પેનલ્ટી (દંડ) માફ કરાવવા અને કાનૂની કાર્યવાહીમાંથી રાહત મેળવવા માટે અરજી કરી શકે છે. અગાઉ આવકની ખોટી વિગતો આપવા સાથે જોડાયેલા કેટલાક કિસ્સાઓમાં આ પ્રક્રિયા હેઠળ રાહતનો વિકલ્પ ઉપલબ્ધ નહોતો.
ભારતના ઈ-ગેઝેટમાં પ્રકાશિત થયેલા નોટિફિકેશન જી.એસ.આર. 871(E) મુજબ, આ સુધારેલું ફોર્મ 8 ઓક્ટોબર 2026 થી અમલમાં આવી ગયું છે. આ ફેરફારનો મુખ્ય હેતુ કર વિવાદોને ઝડપથી ઉકેલવાનો અને લાંબી કાનૂની પ્રક્રિયાઓમાંથી મુક્તિ આપવાનો છે. નિષ્ણાતોના મતે, આ નવા ફોર્મથી પાત્ર કરદાતાઓ માટે પેનલ્ટી માફી અને કાનૂની કાર્યવાહીમાંથી રાહત માંગવાની પ્રક્રિયા વધુ સ્પષ્ટ બનશે. જોકે, આ રાહત આપોઆપ મળશે નહીં, પરંતુ તેના માટે કાયદામાં નક્કી કરાયેલી તમામ શરતો પૂરી કરવી પડશે.
આવકવેરા કાયદા, 2025 ની કલમ 440 હેઠળ પેનલ્ટી માફી મેળવવા માટે કરદાતાએ એસેસમેન્ટ અથવા રી-એસેસમેન્ટ ઓર્ડર મુજબ નિર્ધારિત સમયમર્યાદામાં તમામ ટેક્સ અને વ્યાજ ચૂકવવું પડશે. આવકની ખોટી માહિતી આપવાના કેસોમાં ઓછી દર્શાવેલી આવક પર બનતા ટેક્સ જેટલો જ વધારાનો ટેક્સ પણ આપવો પડી શકે છે, જ્યારે અન્ય નિર્ધારિત કિસ્સાઓમાં આ રકમ સંબંધિત ટેક્સના 120% હોઈ શકે છે. આ ઉપરાંત, કરદાતાએ સંબંધિત ઓર્ડર સામે કોઈ અપીલ ન કરી હોવી જોઈએ અને ઓર્ડર મળ્યાના એક મહિનાની અંદર એસેસિંગ ઓફિસર (AO) પાસે ફોર્મ 161 જમા કરાવવું પડશે.
ફોર્મમાં એસેસમેન્ટ, ઓછી દર્શાવેલી આવક, ટેક્સની જવાબદારી અને ચૂકવવામાં આવેલી રકમની પૂરી વિગતો આપવાની રહેશે. અરજી મળ્યા બાદ એસેસિંગ ઓફિસર તેની ચકાસણી કરશે અને અરજી મળ્યાના મહિનાના અંતથી 3 મહિનાની અંદર નિર્ણય લેશે. અરજી ફગાવી દેતા પહેલા કરદાતાને સફાઈ આપવાની તક અપાશે. જો અરજી સ્વીકારવામાં આવે, તો કરદાતા પાછળથી તે ઓર્ડરને અપીલ કે રિવિઝન દ્વારા પડકારી શકશે નહીં.