સુરત અને નવસારીમાં વધુ એક વખત રીયલ એસ્ટેટ ધંધાર્થીઓના 17 સ્થળો પર ઇન્કમટેક્સ વિભાગનું મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. સુરત ઇન્કમટેક્સની ડીડીઆઇ વિંગના નેતૃત્વમાં ઓપરેશનમાં સુરત, નવસારી, અમદાવાદ, વડોદરા, રાજકોટ સહિતના શહેરોના 100થી વધુ અધિકારીઓ દ્વારા સંયુક્ત રીતે વહેલી સવારે 6: 00 વાગ્યાથી તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. જેમાં નવસારીના ઓપેરા રિયલ એસ્ટેટ ગ્રુપના મનીષ સંઘાણી અને લેન્ડ એન્ડ ફાઇનાન્સ બ્રોકર આગમ વડેચાના સેલ્સિટિયલ ડ્રીમ ખાતેના નિવાસ્થાન અને વેસુ સ્થિત ઓફિસમાં વહેલી સવારથી અધિકારીઓ દ્વારા ટીમ બનાવીને તપાસ હાથ ધરવામાં આવી રહી છે. સુરતના બિલ્ડર અને નવસારીના બિલ્ડર બંને વેવાઈ હોવાનું પણ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.
અઠવાડિયા અગાઉ સુરતના ગજેરા બંધુ અને લેન્ડગ્રેબર અનિલ બગદાણા સહિતના રીયલ એસ્ટેટ સહિતના ભાગીદારોને ત્યાં ઇન્કમટેક્સ વિભાગના વ્યાપક દરોડાના પડઘા હજી શમ્યા નથી, ત્યાં આજે સવારે ઇન્કમટેક્સ વિભાગના સુરત અને નવસારી ડીડીઆઇ વિંગના અધિકારીઓની ટીમ દ્વારા રીયલ એસ્ટેટ ગ્રુપમાં બિન હિસાબી વ્યવહારોની આશંકાએ સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે. દક્ષિણ ગુજરાતના બે શહેરોમાં રિયલ એસ્ટેટ ગ્રુપના માલિકો, ભાગીદારો તેમજ તેમની સાથે સંકળાયેલા બ્રોકર સહિતના વિવિધ સ્થળો પર અધિકારીઓની ટીમ ત્રાટકી હતી. તેમજ વહેલી સવારથી વિવિધ સ્થળો પર દરોડા પાડીને ઊંડાણપૂર્વકની તપાસ અધિકારીઓની ટીમ કરી રહી છે.
અઠવાડિયા પહેલાના ઓપરેશનમાં નામાંકિત ઉદ્યોગપતિઓ અને હીરા જગતના જાણીતા લક્ષ્મી ડાયમંડ તેમજ મહાકાલ ગ્રુપ પર ઇન્કમટેક્સની પણ ડીડીઆઈ વિંગે દરોડા પાડતા સમગ્ર હીરા ઉદ્યોગમાં ખળભળાટ મચી ગયો હતો. આજે ફરી એકવાર સુરતના વરાછા વિસ્તારમાં આવેલા રીયલ એસ્ટેટ ક્ષેત્રના મંત્રા ગ્રુપ પર પણ દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ કાર્યવાહીના પગલે સુરત અને નવસારી સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના બિલ્ડર્સ અને ઉદ્યોગપતિઓમાં ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે. વિવિધ સ્થળો પર દરોડા પાડીને અધિકારીઓની ટીમ દ્વારા ડિજિટલ અને ફિઝિકલ ડેટા જપ્ત કરીને તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. કાર્યવાહીના અંતે કરોડોના બિન હિસાબી વ્યવહારો મળવાની સંભાવના સૂત્રોએ દર્શાવી છે.