દેશની સૌથી મોટી એરલાઈન કંપની ઈન્ડિગોએ હવાઈ મુસાફરોને મોટો આંચકો આપતા 6 ઓક્ટોબર 2026 થી ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ બંને રૂટ પર ફ્યુઅલ સરચાર્જ વધારવાની સત્તાવાર જાહેરાત કરી છે. 1 ઓક્ટોબરથી એવિએશન ટર્બાઈન ફ્યુઅલ (ATF) એટલે કે જેટ ફ્યુઅલની કિંમતોમાં 13.2% નો તોતિંગ વધારો થયો છે. છેલ્લા ત્રણ મહિનામાં જેટ ફ્યુઅલના ભાવમાં આશરે 25% જેટલો મોટો ઉછાળો આવ્યો છે, જેને ધ્યાનમાં રાખીને એરલાઈન કંપનીએ આ નિર્ણય લેવો પડ્યો છે. આ નવા દરો 6 ઓક્ટોબરના રોજ મધ્યરાત્રિ 12:01 વાગ્યા પછીથી થનારા તમામ નવા બુકિંગ પર લાગુ થઈ જશે.
ઈન્ડિગોના જણાવ્યા અનુસાર, ડોમેસ્ટિક (ઘરેલું) ફ્લાઈટ્સ માટે અંતરના આધારે પ્રતિ સેક્ટર ફ્યુઅલ ચાર્જ ₹375 થી વધીને ₹1,300 સુધી રહેશે. આ અગાઉ એપ્રિલ મહિનામાં નક્કી કરાયેલા દરો મુજબ આ ચાર્જ ₹275 થી ₹950 ની વચ્ચે હતો. બીજી તરફ, આંતરરાષ્ટ્રીય (ઈન્ટરનેશનલ) રૂટ માટે આ ફ્યુઅલ ચાર્જ ₹1,000 થી લઈને ₹10,000 સુધી પહોંચી જશે. જેટ ફ્યુઅલના ભાવ 1 ઓક્ટોબરથી ₹121 પ્રતિ લીટરથી વધીને ₹137 પ્રતિ લીટર થઈ ગયા છે, જે છેલ્લા એક દાયકાના સૌથી ઉચ્ચ સ્તરે છે.

અંતરરાષ્ટ્રીય રૂટની વાત કરીએ તો સાર્ક (SAARC) દેશો માટે 500 કિલોમીટર સુધીના અંતર માટે ₹1,000 અને તેથી વધુ અંતર માટે ₹3,000 નો ચાર્જ લાગશે. સાઉથ-ઈસ્ટ એશિયા, મિડલ ઈસ્ટ અને નોર્થ-ઈસ્ટ એશિયા રૂટ માટે આ ચાર્જ ₹5,500 નક્કી કરાયો છે. આ ઉપરાંત આફ્રિકાના રૂટ માટે ₹6,000 અને યુરોપની ફ્લાઈટ્સ માટે ફ્યુઅલ ચાર્જ ₹10,000 કરવામાં આવ્યો છે. કોઈપણ એરલાઈનના કુલ સંચાલન ખર્ચમાં જેટ ફ્યુઅલનો હિસ્સો સૌથી વધુ હોય છે.

ઈન્ડિગો એરલાઈને ગ્રાહકોને પડેલી અસૌવિધા બદલ ખેદ વ્યક્ત કરતાં જણાવ્યું છે કે ઓપરેટિંગ કોસ્ટમાં સતત થઈ રહેલા વધારાના કારણે આ નિર્ણય લેવો અનિવાર્ય બન્યો હતો. કંપનીએ ઉમેર્યું કે ફ્યુઅલની કિંમતોમાં થયેલા તોતિંગ વધારાની સરખામણીમાં ગ્રાહકો પર ઓછો બોજ પડે તે માટે ખૂબ જ સંતુલિત અને મર્યાદિત વધારો કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે 5 ઓક્ટોબરના રોજ બીએસઈ (BSE) પર ઈન્ડિગોની માલિકી ધરાવતી કંપની ઈન્ટરગ્લોબ એવિયેશનના શેર ₹4,927.15 પર ટ્રેડ થઈ રહ્યા હતા.