ક્રિકેટપ્રેમીઓ માટે સૌથી મોટા અને રોમાંચક સમાચાર સામે આવ્યા છે. રમતગમતના મેદાન પર ફરી એકવાર દુનિયાની બે સૌથી મોટી કટ્ટર હરીફ ટીમો ભારત અને પાકિસ્તાન વચ્ચે મહા-ટક્કર જોવા મળવાની છે. આઈસીસી (ICC) મહિલા ટી20 વર્લ્ડ કપ 2026 ની ટૂર્નામેન્ટમાં આ બંને ટીમો આમને-સામને રમવા ઉતરશે. ક્રિકેટના આ મહાકુંભનું આયોજન આ વખતે ઈંગ્લેન્ડની ધરતી પર થવા જઈ રહ્યું છે, જેને લઈને બંને પક્ષે જોરશોરથી રણનીતિઓ ઘડાવા લાગી છે.
ક્યારે અને કેટલા વાગ્યે શરૂ થશે મેચ?
રવિવાર, 14 જૂન 2026 ના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે આ બ્લોકબસ્ટર મેચ રમાશે.મેચનો સમય: ભારતીય સમય અનુસાર, આ રોમાંચક મેચ સાંજે 7:00 વાગ્યે શરૂ થશે.
ટૂર્નામેન્ટનું શિડ્યુઅલ: ટી20 વર્લ્ડ કપની શરૂઆત 12 જૂનથી ઈંગ્લેન્ડ અને શ્રીલંકા વચ્ચેની ઓપનિંગ મેચથી થશે, જ્યારે આખી ટૂર્નામેન્ટ 5 જુલાઈ 2026 સુધી ચાલશે.
ભારતીય ટીમનો અતૂટ રેકોર્ડ અને ગ્રુપના પડકારો
ભારતીય મહિલા ટીમને જે ગ્રુપમાં રાખવામાં આવી છે, ત્યાં મુકાબલો ઘણો રસપ્રદ રહેવાનો છે.
ભારતનું મજબૂત ગ્રુપ
આ ગ્રુપમાં પાકિસ્તાન સિવાય ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા, બાંગ્લાદેશ અને નેધરલેન્ડની ટીમો સામેલ છે.
પાકિસ્તાન સામે અજેય રેકોર્ડ
મહિલા ટી20 ઇન્ટરનેશનલ ક્રિકેટના ઇતિહાસમાં પાકિસ્તાનની ટીમ આજ સુધી ક્યારેય ટીમ ઇન્ડિયાને હરાવી શકી નથી. આ એક એવો શાનદાર રેકોર્ડ છે જેને હરમનપ્રીત કૌરની સેના આ વખતે પણ અકબંધ રાખવા પૂરો દમ લગાવશે.
અસલી અગ્નિપરીક્ષા
પાકિસ્તાન સામેની મેચ ભલે જોવામાં સરળ લાગે, પરંતુ ગ્રુપ સ્ટેજમાં ભારતની અસલી ટક્કર ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા જેવી મજબૂત ટીમો સામે થવાની છે
ઇતિહાસ રચવાના ઈરાદા સાથે ઉતરશે ભારતીય વીરાંગનાઓ
તાજેતરમાં જ વનડે વર્લ્ડ કપનો ખિતાબ જીતનારી ભારતીય મહિલા ક્રિકેટ ટીમ હજુ સુધી એકપણ વખત ટી20 વર્લ્ડ કપ જીતી શકી નથી. આ વખતે
હરમનપ્રીત કૌરની કેપ્ટન્સીમાં ટીમ ઇંગ્લેન્ડની ધરતી પર નવો ઇતિહાસ રચવા માટે કટિબદ્ધ છે.
વર્લ્ડ કપ 2026 માટે ભારતની સત્તાવાર ટીમ
હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (વાઈસ કેપ્ટન), શેફાલી વર્મા, જેમિમા રોડ્રિગ્સ, ભારતી ફુલમાલી, દીપ્તિ શર્મા, રિચા ઘોષ (વિકેટકીપર), યસ્તિકા ભાટિયા, અરુંધતી રેડ્ડી, રેણુકા સિંહ, શ્રેયંકા પાટીલ, રાધા યાદવ, શ્રી ચરણી, નંદની શર્મા અને ક્રાંતિ ગૌડ.