ઈન્ડિયાના યુવા ખેલાડીઓએ ફરી એકવાર સાબિત કરી દીધું છે કે વિશ્વ ક્રિકેટમાં ભારતનો દબદબો કેમ છે. શુક્રવારે રમાયેલા આઈસીસી અંડર-19 વર્લ્ડ કપ 2026ના ફાઈનલ જંગમાં ભારતે ઈંગ્લેન્ડને ૧૦૦ રને હરાવીને ઐતિહાસિક વિજય મેળવ્યો છે. આ સાથે જ ભારત ૬ વખત અંડર-19 વર્લ્ડ કપ જીતનાર વિશ્વની એકમાત્ર ટીમ બની ગઈ છે.
વૈભવ સૂર્યવંશીનો ‘વિરાટ’ અવતાર
આ જીતનો અસલી હીરો ૧૪ વર્ષીય ઓપનર વૈભવ સૂર્યવંશી રહ્યો હતો. તેણે ઈંગ્લેન્ડના બોલરોની એવી ધુલાઈ કરી કે આખું સ્ટેડિયમ સ્તબ્ધ થઈ ગયું હતું.
સ્કોર: ૧૭૫ રન (માત્ર ૮૦ બોલમાં)
બાઉન્ડ્રી: ૧૫ ચોગ્ગા અને ૧૫ ગગનચુંબી છગ્ગા
રેકોર્ડ: અંડર-19 વર્લ્ડ કપ ફાઈનલના ઈતિહાસનો સૌથી મોટો વ્યક્તિગત સ્કોર
મેચની ટૂંકી વિગત
પ્રથમ બેટિંગ કરતા ભારતે પહાડ જેવો ૪૧૧ રનનો સ્કોર ઉભો કર્યો હતો. વૈભવ ઉપરાંત કેપ્ટન આયુષ મ્હાત્રે અને અભિજ્ઞાન કુંડુએ પણ મહત્વનું યોગદાન આપ્યું હતું. ૪૧૨ રનના કપરા લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમની શરૂઆત ખરાબ રહી હતી. જોકે, કેલેબ ફાલ્કનરે ૧૧૫ રનની લડાયક ઈનિંગ રમી હતી, પરંતુ ભારતીય બોલરો સામે ઈંગ્લેન્ડની આખી ટીમ ૩૧૧ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
ભારતનો વર્લ્ડ કપમાં દબદબો
ભારતે આ પહેલા ૨૦૦૦, ૨૦૦૮, ૨૦૧૨, ૨૦૧૮ અને ૨૦૨૨માં આ ટ્રોફી જીતી હતી. ૨૦૨૬ના આ વિજય સાથે ભારતે પોતાનો જ રેકોર્ડ વધુ મજબૂત કર્યો છે.