ભારતના 60 ટકા જિલ્લાઓ પર ભારે ગરમીનું તોળાતું સંકટ

  • May 22, 2025 10:41 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
એક નવા અભ્યાસ મુજબ, ભારતના લગભગ 60 ટકા જિલ્લાઓ પર ભારે ગરમી અને લુનું સંકટ તોળાઈ રહ્યું છે. દેશની વસ્તીના ત્રણ-ચતુર્થાંશ લોકો આ જિલ્લાઓમાં રહે છે. રાત્રિના તાપમાન અને વધતા ભેજને કારણે આ ગરમીની અસર વધુ ખતરનાક બની ગઈ છે, જેની લોકોના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી રહી છે.

આ અહેવાલ નવી દિલ્હી સ્થિત કાઉન્સિલ ઓન એનર્જી, એન્વાયર્નમેન્ટ એન્ડ વોટર (સીઈઈડબલ્યુ) થિંક ટેન્ક દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો હતો. આ અભ્યાસમાં આબોહવા, આરોગ્ય અને માળખાગત સુવિધાઓના ડેટાનું વિશ્લેષણ કરીને એક હિટ રિસ્ક સ્કોર બનાવવામાં આવ્યો.

ભારતના ૫૭ ટકા જિલ્લાઓ, જ્યાં દેશની ૭૬ ટકા વસ્તી રહે છે, ત્યાં ગરમીનું ભયંકર જોખમ છે. ખાસ કરીને રાજધાની નવી દિલ્હીમાં આ ખતરો સૌથી વધુ છે. હાલમાં, ઉત્તર ભારતના ઘણા ભાગોમાં તીવ્ર ગરમી અને લુનું મોજું પ્રવર્તી રહ્યું છે. વૈજ્ઞાનિકો કહે છે કે માનવ પ્રવૃત્તિઓને કારણે થતા આબોહવા પરિવર્તને આ સમસ્યાને વધુ ગંભીર બનાવી છે.

ગયા વર્ષે 1 માર્ચથી 18 જૂન દરમિયાન, ભારતમાં 40,000 થી વધુ હીટસ્ટ્રોકના કેસ નોંધાયા હતા. ઓછામાં ઓછા ૧૧૦ લોકોના મોતની પુષ્ટિ થઈ હતી. ઉત્તરપશ્ચિમ અને પૂર્વ ભારતમાં ગરમીના દિવસોની સંખ્યા સામાન્ય કરતા બમણા કરતા વધુ હતી.

અભ્યાસમાં કેટલાક સૂચનો આપવામાં આવ્યા છે જેથી ગરમીના ભયને ટાળી શકાય. જેમકે ગરમીનું જોખમ ઘટાડવા માટે ભેજ અને વસ્તી જેવા પરિબળોને ધ્યાનમાં લેવા જોઈએ. તમામ રાજ્યો માટે એક રાષ્ટ્રીય ડેટાબેઝ બનાવો જેથી તેઓ એકબીજા પાસેથી શીખી શકે. ગરમીથી બચવા માટે સ્થાનિક સ્તરે વધુ સારી યોજનાઓ અને સંસાધનો પૂરા પાડવા જોઈએ.

ઉનાળાની ગરમીના મોજા માત્ર સ્વાસ્થ્ય માટે જોખમી નથી, પરંતુ તે અર્થતંત્ર અને રોજિંદા જીવનને પણ અસર કરે છે. ખાસ કરીને ગરીબ પરિવારો જેમની પાસે પાણી અને ઠંડકના સંસાધનોની મર્યાદિત પહોંચ છે. આ ગરમીનો સામનો કરવો મુશ્કેલ છે. બહાર કામ કરતા કામદારોને વારંવાર આરામ કરવો પડે છે, જે તેમની કમાણી પર અસર કરે છે.

આ અભ્યાસ દર્શાવે છે કે ભારતે ઉનાળાની ગરમીનો સામનો કરવા માટે તાત્કાલિક અને વધુ સારા પગલાં લેવાની જરૂર છે. ખાસ કરીને એવા શહેરોમાં, જ્યાં વસ્તી વધુ હોય અને ઇમારતો ગીચ હોય. ગરમીની અસર ત્યાં વધુ હોય છે. બીજી તરફ, ઓડિશા જેવા વિસ્તારોમાં, જ્યાં લીલાછમ જંગલો અને પાણીના સ્ત્રોત છે, ગરમીની અસર ઓછી હોય છે. સરકાર અને સ્થાનિક વહીવટીતંત્રે સાથે મળીને એવી યોજનાઓ બનાવવી પડશે જે લોકોને આ વધતી ગરમીથી બચાવી શકે.

ઉત્તર ભારતમાં ભેજનું સ્તર વધી રહ્યું છે, ખાસ કરીને એવા વિસ્તારોમાં જે અગાઉ શુષ્ક હતા. વધુ પડતા ભેજને કારણે, પરસેવો ઝડપથી સુકાતો નથી, જેના કારણે શરીરને ગરમીથી રાહત મેળવવામાં મુશ્કેલી પડે છે. આના કારણે ગરમીની અસર વધુ ખતરનાક બની જાય છે. ખાસ કરીને રાત્રે તાપમાન ઘટી રહ્યું નથી, જેના કારણે લોકોને ઠંડક મળી રહી નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application