BREAKING NEWS

ભારતની શક્તિમાં વધારો: 'મેજર પાવર'ની પોઝિશન પર પહોંચ્યું

  • November 28, 2025 03:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઓસ્ટ્રેલિયાની પ્રતિષ્ઠિત લોવી ઇન્સ્ટિટ્યૂટએ પોતાનો વાર્ષિક એશિયા પાવર ઇન્ડેક્સ 2025 રિપોર્ટ જાહેર કર્યો છે. આ રિપોર્ટમાં એશિયાના 27 દેશોમાં સૈન્ય, આર્થિક, રાજદ્વારી અને સાંસ્કૃતિક પ્રભાવનું વિસ્તૃત મૂલ્યાંકન કરવામાં આવ્યું છે, જે આઠ મુખ્ય ક્ષેત્રો(સૈન્ય ક્ષમતા, સંરક્ષણ નેટવર્ક, આર્થિક તાકાત, રાજદ્વારી પ્રભાવ, સાંસ્કૃતિક પહોંચ, લચીલાપણું અને ભવિષ્યના સંસાધન ક્ષમતા) પર આધારિત છે. આ ઇન્ડેક્સ દર્શાવે છે કે એશિયાની પ્રાદેશિક શક્તિના સમીકરણોમાં મોટા ફેરફારો થયા છે, જેમાં ચીન એક પ્રમુખ શક્તિ તરીકે મજબૂત રીતે ઉભરી રહ્યું છે, જ્યારે યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાના પ્રભાવમાં છેલ્લા વર્ષોની તુલનાએ ઘટાડો નોંધાયો છે. તેમજ ભારત સતત આગળ વધી રહ્યું છે.

લોવી ઇન્સ્ટિટ્યૂટના રિપોર્ટમાં એશિયામાં ભારતનો વધતો પ્રભાવ સ્પષ્ટપણે દેખાય છે. વર્ષ 2025માં ભારતે 40.0 સ્કોર મેળવીને 'મેજર પાવર' બનવાની સીમા પાર કરી લીધી છે. ભારતનો આ ઉદય મુખ્યત્વે તેની મજબૂત આર્થિક વૃદ્ધિ અને વધતી સૈન્ય તાકાતને કારણે થયો છે.

જોકે, રિપોર્ટ દર્શાવે છે કે ભારતનો રાજદ્વારી અને આર્થિક પ્રભાવ હજી સુધી તેની વધેલી સૈન્ય અને સંસાધન શક્તિ સાથે સંપૂર્ણપણે મેળ ખાતો નથી, જેનો અર્થ છે કે ભારત પાસે ભવિષ્યમાં પોતાની શક્તિ વધારવાની હજી ઘણી મોટી સંભાવનાઓ છે.

ફક્ત અમેરિકા અને ચીન જ 'સુપર પાવર' શ્રેણીમાં સૂચિબદ્ધ છે. અમેરિકા હજુ પણ ટોચ પર છે, પરંતુ એશિયા પાવર ઇન્ડેક્સ 2018માં શરૂ થયા પછી આ તેનો સૌથી ઓછો સ્કોર છે. વિશ્લેષકો આ ઘટાડાનું શ્રેય ટ્રમ્પ પ્રશાસન દરમિયાન લેવાયેલા નીતિગત નિર્ણયોને આપે છે, જેને એશિયામાં અમેરિકી પ્રભાવ માટે ચોખ્ખો નકારાત્મક ગણાવવામાં આવ્યો છે. જયારે ચીન સતત અમેરિકા સાથેનો તફાવત ઘટાડી રહ્યું છે. તેમજ પાકિસ્તાન ટોચના 10 દેશોમાંથી બહાર છે અને તેને 16મું સ્થાન મળ્યું છે.

રશિયાએ 2019 પછી પહેલીવાર એશિયામાં પોતાનો પ્રભાવ વધાર્યો છે. યુક્રેન યુદ્ધ બાદ જે પ્રતિબંધો લાગ્યા હતા, તેના કારણે ગુમાવેલો પ્રભાવ તેણે હવે પાછો મેળવી લીધો છે. રશિયાની આ પ્રાદેશિક હાજરી વધવાનું મુખ્ય કારણ ચીન અને ઉત્તર કોરિયા સાથેની તેની મજબૂત સંરક્ષણ અને આર્થિક ભાગીદારી છે. આને કારણે, રશિયાએ 2024માં ઓસ્ટ્રેલિયાથી ગુમાવેલું 5મું સ્થાન ફરીથી હાંસલ કર્યું છે.આ ઉપરાંત, જાપાન, દક્ષિણ કોરિયા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશો પણ મજબૂત આર્થિક, તકનીકી અને રાજદ્વારી પ્રયાસો સાથે મિડલ પાવર તરીકે એશિયામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે.


ટોચના દેશોની સ્થિતી

રેન્ક દેશ સ્કોર વર્ગ

1 અમેરિકા 80.5 સુપર પાવર

2 ચીન 73.7 સુપર પાવર

3 ભારત 40 મેજર પાવર

4 જાપાન 38.8 મિડલ પાવર

5 રશિયા 32.1 મિડલ પાવર

6 ઓસ્ટ્રેલિયા 31.8 મિડલ પાવર

7 દક્ષિણ કોરિયા 31.5 મિડલ પાવર

8 સિંગાપોર 26.8 મિડલ પાવર

9 ઇન્ડોનેશિયા 22.5 મિડલ પાવર

10 મલેશિયા 20.6 મિડલ પાવર



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application