દેશની અગ્રણી સરકારી બેંક દ્વારા કરાયેલા તાજા અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે ભારત આવનારા વર્ષોમાં ઝડપથી આર્થિક વિકાસ કરશે. આ અભ્યાસ મુજબ, વર્ષ ૨૦૨૮ સુધી ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની શકે છે.અભ્યાસમાં જણાવ્યા પ્રમાણે, દેશની આવક, ઉત્પાદન, ઉદ્યોગ અને સેવાક્ષેત્રમાં સતત વધારો થઈ રહ્યો છે. તેના કારણે ભારતની કુલ આર્થિક ક્ષમતા મજબૂત બની છે. આ વિકાસ જો આવું જ ચાલુ રહે તો ભારત માત્ર મોટા દેશોમાં જ નહીં, પરંતુ મજબૂત અર્થતંત્ર ધરાવતા દેશોમાં પણ મહત્વનું સ્થાન મેળવે તેવી શક્યતા છે.અહેવાલમાં જણાવાયું છે કે ભૂતકાળમાં ભારતની પ્રતિવ્યક્તિ આવક બહુ ઓછી હતી, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં તેમાં નોંધપાત્ર વધારો થયો છે. આગામી વર્ષોમાં લોકોની આવક વધતાં જીવનસ્તર પણ સુધરશે. વર્ષ ૨૦૩૦ સુધી ભારત મધ્યમથી ઊંચી આવક ધરાવતો દેશ બની શકે છે.
▪ વર્ષ ૧૯૯૦માં ભારતનું સ્થાન: ચૌદમું
▪ હાલનું સ્થાન: ચોથું
▪ વર્ષ ૨૦૨૮નું અનુમાનિત સ્થાન: ત્રીજું
▪ આવનારા વર્ષોમાં લોકોની આવકમાં સતત વધારો
▪ વર્ષ ૨૦૩૦ સુધી મધ્યમથી ઊંચી આવક ધરાવતો દેશ બનવાની શક્યતા
2026 સુધીમાં પ્રતિ વ્યક્તિ આવક 3,000 ડોલર પહોચશે
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના સંશોધન વિભાગે તેના તાજેતરના અહેવાલમાં દાવો કર્યો છે કે ભારત 2007 માં ઓછી આવક ધરાવતા દેશમાંથી ઓછી-મધ્યમ આવક ધરાવતા દેશમાં પરિવર્તિત થયું. 2009 માં પ્રતિ વ્યક્તિ આવક આશરે 1,000 ડોલર સુધી પહોંચી અને 2019 માં તે 2,000 ડોલરની આસપાસ રહી. એસબીઆઈનો અંદાજ છે કે 2026 સુધીમાં પ્રતિ વ્યક્તિ આવક 3,000 ડોલર અને 2030 સુધીમાં આશરે 4,000 ડોલર સુધી પહોંચશે. વિશ્વ બેંકની વર્તમાન વર્ગીકરણ પ્રણાલી અનુસાર, આ સ્તર ભારતને ઉચ્ચ-મધ્યમ આવક શ્રેણીમાં મૂકશે
"ઉચ્ચ મધ્યમ આવક ધરાવતો દેશ" નો અર્થ શું
વિશ્વ બેંક દેશોને તેમની પ્રતિ વ્યક્તિ કુલ રાષ્ટ્રીય આવકના આધારે વર્ગીકૃત કરે છે.
વિશ્વ બેંકના 2024 ના થ્રેશોલ્ડ મુજબ:
• નીચી મધ્યમ આવક: 1,136 ડોલર થી 4,495 ડોલર
• ઉચ્ચ મધ્યમ આવક: 4,496 ડોલર થી 13,935 ડોલર
• ઉચ્ચ આવક: 13,936 ડોલર થી વધુ
ભારત 2030 સુધીમાં આશરે 4,000 ડોલર થી 4,500 ડોલરની માથાદીઠ આવક સુધી પહોંચશે.
ભારત અત્યારે ક્યાં છે
ઐતિહાસિક યાત્રાના ડેટા
•૧૯૬૨: ભારતની પ્રતિ વ્યક્તિ આવક આશરે ૯૦ ડોલર હતી
•૨૦૦૭: ભારત નિમ્ન મધ્યમ આવક ધરાવતો દેશ બન્યો (૯૧૦ ડોલર પ્રતિ વ્યક્તિ આવક)
•૨૦૧૯: પ્રતિ વ્યક્તિ આવક ૨,૦૦૦ ડોલર
•૨૦૨૬ (અંદાજિત): ૩,૦૦૦ ડોલર
•૨૦૩૦ (અંદાજિત): ૪,૦૦૦ ડોલર થી ૪,૫૦૦ ડોલર → ઉચ્ચ મધ્યમ આવક
વૈશ્વિક વૃદ્ધિમાં ભારતનું સ્થાન
રિસર્ચ મુજબ, છેલ્લા દાયકામાં ભારતના સરેરાશ આર્થિક વિકાસ દરે તેને વૈશ્વિક વૃદ્ધિ વિતરણમાં ટોચ પર મૂક્યું છે. ભારત હવે વિશ્વના સૌથી ઝડપથી વિકસતા ઉભરતા દેશોમાંનો એક છે. છેલ્લા ૧૦ વર્ષમાં બહુ ઓછા દેશોએ ભારત કરતાં વધુ ઝડપથી વિકાસ કર્યો છે.રિપોર્ટમાં જણાવાયું છે કે નોમિનલ જીડીપી ના આધારે 1990 માં 14મા ક્રમે રહેલું ભારત 2025 સુધીમાં ચોથા સ્થાને પહોંચી ગયું છે અને 2028 સુધીમાં જર્મનીને પાછળ છોડીને ત્રીજા સ્થાને પહોંચી શકે છે.
આર્થિક કદમાં વિસ્તરણ થશે
એસબીઆઈના અંદાજ મુજબ, ભારત 2028 સુધીમાં 5 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બની શકે છે અને અને વર્ષ 2036 સુધીમાં 10 ટ્રિલિયન ડોલર સુધી પહોંચી શકે છે. લાંબા ગાળાનું લક્ષ્ય ઉચ્ચ આવક ધરાવતો દેશ બનવાનું છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે જો વર્તમાન વલણો ચાલુ રહેશે, તો ભારત 2047 સુધીમાં ઉચ્ચ આવક ધરાવતો દેશ બનવા તરફ આગળ વધી શકે છે. આ માટે પ્રતિ વ્યક્તિ આવકમાં સતત ઝડપી વૃદ્ધિની જરૂર પડશે. રિસર્ચનો અંદાજ છે કે ભારત ઉચ્ચ-મધ્યમ આવક ધરાવતો દેશ બનવાનું લગભગ નિશ્ચિત છે, જ્યારે આગામી વર્ષોમાં વૈશ્વિક આર્થિક રેન્કિંગમાં તેનું સ્થાન મજબૂત થઈ શકે છે