ટી૨૦ વિશ્વ કપ ૨૦૨૬માં ભારતીય ક્રિકેટ ટીમ ફૂલ ફોર્મમાં જોવા મળી રહી છે. આજે અમદાવાદના હોમ ગ્રાઉન્ડ પર રમાયેલી મેચમાં ભારતે નેધરલેન્ડ સામે ૧૭ રને રોમાંચક જીત નોંધાવી છે. ૧૯૪ રનના પડકારનો પીછો કરવા ઉતરેલી ડચ ટીમ નિર્ધારિત ૨૦ ઓવરમાં ૭ વિકેટે ૧૭૬ રન જ બનાવી શકી હતી. આ જીત સાથે ભારત હવે ગૌરવભેર સુપર-૮ રાઉન્ડમાં પ્રવેશ્યું છે.

શિવમ દુબેનું ‘સિક્સર’ તોફાન
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત નબળી રહી હતી. ઓપનર અભિષેક શર્મા શૂન્ય રને આઉટ થયા બાદ ઈશાન કિશન (૧૮) પણ જલ્દી પેવેલિયન ભેગો થયો હતો. જોકે, ત્યારબાદ મધ્યમ ક્રમમાં શિવમ દુબેએ બાજી સંભાળી હતી. દુબેએ માત્ર ૩૧ બોલમાં ૬ સિક્સર અને ૪ ચોગ્ગાની મદદથી ૬૬ રન ફટકારીને ભારતનો સ્કોર ૧૯૦ને પાર પહોંચાડવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેને હાર્દિક પંડ્યા (૩૦) અને કેપ્ટન સૂર્યકુમાર યાદવ (૩૪) નો સાથ મળ્યો હતો.

બોલરોએ ડચ ટીમને નાથ્યા
૧૯૪ રનના વિશાળ લક્ષ્યાંક સામે નેધરલેન્ડે મક્કમ શરૂઆત કરી હતી, પરંતુ ભારતીય સ્પિનર વરુણ ચક્રવર્તી અને ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહે નિયમિત અંતરે વિકેટો ઝડપીને તેમની રન ગતિ પર બ્રેક લગાવી હતી. અંતિમ ઓવરોમાં નેધરલેન્ડના બેટ્સમેનોએ સંઘર્ષ કર્યો હતો, પરંતુ રન રેટ વધતા તેઓ લક્ષ્યાંકથી ૧૭ રન દૂર રહી ગયા હતા.
