વૈશ્વિક અર્થતંત્રમાં ભારત અત્યારે સૌથી ચમકતો સિતારો બનીને ઉભરી રહ્યો છે. રેટિંગ એજન્સી મૂડીઝ (Moody's) ના તાજેતરના અહેવાલે દુનિયાના સૌથી શક્તિશાળી ૨૦ દેશો (G20) માં હલચલ મચાવી દીધી છે. મૂડીઝના અનુમાન મુજબ આગામી નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ માં ભારતનો જીડીપી વૃદ્ધિ દર G20 દેશોમાં સૌથી વધુ રહેવાની શક્યતા છે, જે ભારતને વિશ્વની ટોચની ૩ અર્થવ્યવસ્થાઓમાં સામેલ થવા તરફ મજબૂત ડગલાં ભરવામાં મદદ કરશે.
મૂડીઝનું અનુમાન
સોમવારે જાહેર કરાયેલા ‘બેંકિંગ સિસ્ટમ આઉટલુક’ રિપોર્ટમાં મૂડીઝે ભારતની આર્થિક પ્રગતિ પર મહોર મારી છે. નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ માં ભારતનો વાસ્તવિક જીડીપી વૃદ્ધિ દર ૬.૪ ટકા રહેવાનો અંદાજ છે. આ વૃદ્ધિ દર અમેરિકા, ચીન અને યુરોપિયન યુનિયન જેવા શક્તિશાળી અર્થતંત્રો કરતા પણ વધુ હશે. નોંધનીય છે કે G20 દેશો વિશ્વના કુલ જીડીપીમાં ૮૫ ટકાથી વધુ હિસ્સો ધરાવે છે. સપ્ટેમ્બર ૨૦૨૫ માં કરવામાં આવેલા જીએસટી (GST) સુધારા અને પર્સનલ ઇનકમ ટેક્સની મર્યાદા વધારવાને કારણે સામાન્ય લોકોની ખરીદશક્તિ વધી છે, જે અર્થતંત્રને ગતિ આપી રહી છે.
અર્થતંત્રની મજબૂત કરોડરજ્જુ
મૂડીઝના મતે ભારતની બેંકિંગ સિસ્ટમ અત્યંત સુરક્ષિત અને મજબૂત સ્થિતિમાં છે. નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ માં બેંકોના લોન ગ્રોથમાં ૧૧-૧૩ ટકા નો વધારો થઈ શકે છે. બેંકોની અસ્કયામતોની ગુણવત્તા મજબૂત રહેશે. જોકે, એમએસએમઈ (MSME) ક્ષેત્રમાં થોડું દબાણ જોવા મળી શકે છે, પરંતુ બેંકો પાસે સંભવિત નુકસાનને સહન કરવા માટે પૂરતું મૂડી ભંડોળ ઉપલબ્ધ છે.
આરબીઆઈની ભૂમિકા
વર્ષ ૨૦૨૫ માં ભારતીય રિઝર્વ બેંકે વ્યાજદરમાં કુલ ૧.૨૫ ટકાનો ઘટાડો કરીને તેને ૫.૨૫ ટકા પર લાવી દીધો છે, જેનાથી આર્થિક ગતિવિધિઓને વેગ મળ્યો છે.
સરકારી વિરુદ્ધ રેટિંગ એજન્સીના આંકડા
જોકે મૂડીઝનો ૬.૪ ટકાનો આ અંદાજ ભારત સરકારના પોતાના અંદાજ કરતા થોડો ઓછો છે. ભારત સરકારની આર્થિક સમીક્ષા મુજબ વૃદ્ધિ દર ૬.૮ થી ૭.૨ ટકાની વચ્ચે રહી શકે છે. ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માં ભારતની વૃદ્ધિ ૭.૪ ટકા રહેવાની સંભાવના છે, જે અગાઉના વર્ષના ૬.૫ ટકા કરતા ઘણી વધારે છે.