ભારતીય ચલણમાં સતત બીજા દિવસે શાનદાર રિકવરી જોવા મળી છે અને ડૉલર સામે રૂપિયો મજબૂત બન્યો છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) દ્વારા સટ્ટાબાજી અટકાવવા માટે લેવામાં આવેલા કડક પગલાંઓના પરિણામે ભારતીય ચલણ 62 પૈસાના ઉછાળ સાથે 95.16 પ્રતિ ડૉલરના સ્તરે પહોંચી ગયું છે. અગાઉ સોમવારે જ્યારે બજાર બંધ થયું હતું, ત્યારે ડૉલરનો ભાવ 95.78 રૂપિયા હતો. આ શાનદાર રિકવરી પાછળ કેન્દ્રીય બેંકની સમયસરની રણનીતિઓ મુખ્ય કારણ છે.
રૂપિયામાં આવેલી આ મજબૂતીની સીધી અસર આયાતકારો (ઇમ્પોર્ટર્સ) અને વેપારીઓ પર જોવા મળી રહી છે. નાણાકીય સલાહકાર ફર્મ ફિનરેક્સના અહેવાલ મુજબ, બજાર હવે ડૉલર ખરીદવામાં ખૂબ જ સાવચેતી રાખી રહ્યું છે. એક મહિનાના સૌથી ઊંચા સ્તરે રૂપિયાના બંધ થવાથી નાના વેપારીઓને મોટી રાહત મળી છે, કારણ કે તેમને વિદેશી પેમેન્ટ કરવા માટે હવે ડૉલર ખરીદવામાં સરળતા રહે છે. જો કે, બીજી તરફ મોટા આયાતકારો માટે થોડી ચેલેન્જ વધી છે અને તેમને પોતાની સ્થિતિ સુરક્ષિત રાખવા માટે બેંકોને વધારાનો ચાર્જ ચૂકવવો પડી રહ્યો છે.
વિદેશી મુદ્રાના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આ મજબૂતી પાછળ ફોરેક્સ માર્કેટમાં સટ્ટાબાજી અટકાવવાની પુખ્ત તૈયારીઓ છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓ માટે ડૉલરની અલગ સુવિધા અને હેજિંગ ટ્રાન્ઝેક્શનની કિંમત વધારવાથી હાજરમાં ડૉલરની માંગ ઘટી છે. ઇન્ટરબેંક ફોરેક્સ માર્કેટમાં એક સમય તો રૂપિયો સુધરીને 94.96 સુધી પહોંચી ગયો હતો, જે અગાઉના બંધ ભાવની સરખામણીમાં 82 પૈસાની જબરદસ્ત બઢત દર્શાવે છે.
જ્યારે ભારતીય રૂપિયો મજબૂત થઈ રહ્યો છે, ત્યારે એશિયાની અન્ય મુદ્રાઓનું પ્રદર્શન નબળું રહ્યું છે. દક્ષિણ કોરિયન વૉન અને તાઇવાન ડૉલરમાં ઘટાડો જોવા મળ્યો છે. રિઝર્વ બેંકે ફોરેક્સ ડેરિવેટિવ્ઝ ટ્રેડના નિયમો અત્યંત કડક બનાવી દીધા છે, જેનાથી રૂપિયાને એક મજબૂત સુરક્ષા કવચ મળ્યું છે.