બ્રિટન (UK) માં તબીબી જગતને શર્મસાર કરતી એક સનસનાટીભર્યા ઘટના સામે આવી છે. અહીં યુનિવર્સિટી હોસ્પિટલ ઓફ વેલ્સમાં ફરજ બજાવતા ભારતીય મૂળના જાણીતા ન્યુરોસર્જન ડો. ચિરાગ પટેલ પર પોતાની જ એક મહિલા દર્દી સાથે શારીરિક સંબંધો બાંધવા, તેને બ્લેકમેલ કરવા અને કોઈપણ સત્તાવાર રેકોર્ડ વગર નશીલી દવાઓ આપવાના ગંભીર આરોપો લાગ્યા છે.
બ્રિટનના મેડિકલ ટ્રિબ્યુનલે આ મામલાને તબીબી ક્ષેત્રની ગંભીર ગેરરીતિ અને અનૈતિકતા ગણીને ડો. ચિરાગ પટેલને આઠ મહિના માટે મેડિકલ પ્રેક્ટિસ કરવા પર પ્રતિબંધ મૂકી સસ્પેન્ડ કરી દીધા છે. આ હાઈ-પ્રોફાઈલ કેસ અંગેનો સંપૂર્ણ વિગતવાર અહેવાલ નીચે મુજબ છે.
બીબીસી (BBC) ના અહેવાલ અનુસાર, કાર્ડિફ સ્થિત યુનિવર્સિટી હોસ્પિટલ ઓફ વેલ્સમાં ડો. ચિરાગ પટેલ વર્ષ ૨૦૧૮ થી પરમેનન્ટ કન્સલ્ટન્ટ ન્યુરોસર્જન તરીકે કાર્યરત હતા. બ્રિટનના મેડિકલ કદાચાર ટ્રિબ્યુનલ સમક્ષ આ કેસની સુનાવણી દરમિયાન ડોક્ટર અને દર્દી વચ્ચેના અનૈતિક સંબંધોના ચોંકાવનારા ખુલાસા થયા છે.
સર્જરી બાદ શરૂ થયો સંબંધોનો સિલસિલો
કેસની વિગતો મુજબ, ફેબ્રુઆરી ૨૦૧૯ માં ડો. પટેલે એક મહિલા દર્દીની કરોડરજ્જુની ડિસ્કની પ્રથમ સર્જરી કરી હતી. ત્યારબાદ ઓગસ્ટ ૨૦૧૯ માં બીજી અને ડિસેમ્બર ૨૦૨૧ માં ત્રીજી સર્જરી કરવામાં આવી હતી.
શારીરિક સંબંધ: ટ્રિબ્યુનલના અહેવાલમાં જણાવાયું છે કે બીજી સર્જરીના થોડા સમય બાદ જ ડોક્ટર અને મહિલા દર્દી વચ્ચે શારીરિક સંબંધો બંધાયા હતા, જે આશરે છ મહિના સુધી ચાલ્યા હતા. આ સમયગાળા દરમિયાન ડોક્ટરે મહિલાને પોતાની વાંધાજનક તસવીરો પણ મોકલી હતી.
નશીલી દવાઓનો ખેલ: જાન્યુઆરી ૨૦૨૩ સુધી બંને વચ્ચે નજીકના સંબંધો રહ્યા હતા. આ દરમિયાન ડો. પટેલે મહિલાને મોર્ફિન સલ્ફેટ અને ડાયઝેપામ જેવી અત્યંત અતિશય નશીલી અને પ્રતિબંધિત દવાઓ પ્રિસ્ક્રાઇબ કરી આપી હતી, પરંતુ આ દવાઓનો કોઈ જ ઉલ્લેખ હોસ્પિટલના સત્તાવાર મેડિકલ રેકોર્ડમાં કરવામાં આવ્યો ન હતો.
ડોક્ટરે કર્યો બ્લેકમેલિંગનો દાવો
આ કેસમાં પોતાનો પક્ષ રાખતા ડો. ચિરાગ પટેલે ટ્રિબ્યુનલ સમક્ષ દાવો કર્યો હતો કે તે મહિલા દર્દી તેમને બ્લેકમેલ કરી રહી હતી. મહિલાએ ધમકી આપી હતી કે જો તે તેની વાત નહીં માને તો તે આ અનૈતિક સંબંધોને લોકોની સામે જાહેર કરી દેશે.
ડો. પટેલે જણાવ્યું કે, "મેં વર્ષોની મહેનત પછી આ હોદ્દો મેળવ્યો હતો અને મને ડર હતો કે મારી નોકરી ચાલી જશે, જેના કારણે મારે નમવું પડ્યું." આ સાથે જ તેમણે પોતાના આ કૃત્ય બદલ કોર્ટ સમક્ષ પસ્તાવો પણ વ્યક્ત કર્યો હતો. બીજી તરફ, ડોક્ટરના વકીલ ફિયોના રોબર્ટસને દલીલ કરી હતી કે ઓગસ્ટ ૨૦૧૯ પછી તે મહિલા સત્તાવાર રીતે ડોક્ટરની દેખરેખ હેઠળ ન હતી, પરંતુ ટ્રિબ્યુનલે આ દલીલને ફગાવી દીધી હતી.
જનરલ મેડિકલ કાઉન્સિલ (GMC) ની કડક કાર્યવાહી
વર્ષ ૨૦૨૩ ની શરૂઆતમાં બંને વચ્ચેના સંબંધો વણસ્યા બાદ મહિલા દર્દીએ આ અંગે બ્રિટન પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે આ મામલે કોઈ સત્તાવાર ફોજદારી કેસ તો દાખલ ન કર્યો, પરંતુ હેલ્થ બોર્ડને આ અંગે તુરંત જાણ કરી દીધી હતી. મામલો ઉગ્ર બનતા ડો. પટેલે પોતે જ જનરલ મેડિકલ કાઉન્સિલ (GMC) સમક્ષ આત્મસમર્પણ કરીને રિપોર્ટ કર્યો હતો. હાલમાં આ કેસના કારણે બ્રિટનમાં ભારતીય તબીબી સમુદાય સહિત સમગ્ર મેડિકલ સેક્ટરમાં ભારે ચર્ચા જાગી છે.