BREAKING NEWS

યુદ્ધ સમાપ્તિની જાહેરાત થતા જ શેરબજારમાં હરિયાળીઃ સેન્સેક્સ 1293 પોઈન્ટ ઉછળ્યો

  • June 15, 2026 11:30 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઈરાન અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચે સંભવિત શાંતિ કરારની જાહેરાતથી આજે ભારતીય શેરબજારમાં હરિયાળી છવાઈ ગઈ છે. બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સ 1293 પોઈન્ટ ઉછળીને 76,793 પર પહોંચી ગયો હતો. નિફ્ટી પણ 350 પોઈન્ટ વધીને 23,985 પર પહોંચી ગયો હતો. ઓટો, બેંક અને રિયલ્ટી શેરોમાં સૌથી વધુ ખરીદી થઈ રહી છે. 


અગાઉ, શુક્રવારે શેરબજાર તેજી સાથે બંધ થયું હતું. સેન્સેક્સ 1,695 પોઈન્ટ ઉછળીને 75,527 પર બંધ થયો હતો. નિફ્ટી પણ 461 પોઈન્ટ વધીને 23,622 પર બંધ થયો હતો.


સેન્સેક્સ-નિફ્ટીમાં આ ઉછાળાના સંકેતો વિદેશોમાંથી આવવા લાગ્યા હતા. હકિકતમાં, યુએસ-ઈરાન ડીલના સમાચારને કારણે એશિયન શેરબજારોમાં વેપાર તેજી સાથે શરૂ થયો હતો. જાપાન નિક્કી 3500 પોઈન્ટથી વધુના ઉછાળા સાથે, હોંગકોંગનો હેંગ સેંગ 130 પોઈન્ટના ઉછાળા સાથે, દક્ષિણ કોરિયાનો કોસ્પી 430 પોઈન્ટના ઉછાળા સાથે ટ્રેડ કરી રહ્યો હતો. આ ઉપરાંત, ગિફ્ટ નિફ્ટી ઇન્ડેક્સ, જે સેન્સેક્સ-નિફ્ટીની ગતિવિધિ માટે એક મોટો સૂચક માનવામાં આવે છે, તે 400 પોઈન્ટથી વધુના ઉછાળા સાથે 24,000ને પાર કરી ગયો હતો.


શેરબજારમાં આ મજબૂત તેજી વચ્ચે, બીએસઇ લાર્જ કેપ પર લિસ્ટેડ તમામ 30 કંપનીઓના શેર ગ્રીન ઝોનમાં ટ્રેડિંગ શરૂ કર્યું છે. સૌથી મોટો ઉછાળો ઇન્ડિગો શેર (4.05 ટકા), એલટી શેર (3.60 ટકા), બજાજ ફાઇનાન્સ શેર (3.56 ટકા), એટરનલ શેર (3.40 ટકા) અને અદાણી પોર્ટ્સ શેર (3.80 ટકા)માં જોવા મળ્યો છે.


આ ઉપરાંત, મિડકેપ કંપનીઓમાં, અશોક લેલેન્ડ શેર (પાંચ ટકા), મુથૂટ ફાઇનાન્સ શેર (4.60 ટકા), હિન્દુસ્તાન પેટ્રોલિયમ શેર (4.40 ટકા), ગોદરેજ પ્રોપર્ટીઝ શેર (ચાર ટકા), જીએમઆર એરપોર્ટ શેર (3.30 ટકા) તેજી સાથે ટ્રેડ થઈ રહ્યા હતા.


અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી કે વોશિંગ્ટન અને તેહરાન શાંતિ કરાર પર સહમતિ પર પહોંચ્યા છે, જેના પછી દુનિયાએ રાહતનો શ્વાસ લીધો છે. પશ્ચિમ એશિયામાં સંઘર્ષના અંતના સમાચારથી ભારત સહિત તમામ એશિયન શેરબજારો પર અસર પડી છે. જાપાનનો નિક્કી 225 ઇન્ડેક્સ 5.12 ટકા વધ્યો, જ્યારે દક્ષિણ કોરિયાનો કોસ્પી ઇન્ડેક્સ 5.07 ટકા વધ્યો છે.

ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટમાં કહ્યું, ઈસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાન સાથેનો સોદો હવે પૂર્ણ થયો છે. બધાને અભિનંદન! હું આ દ્વારા હોર્મુઝ સ્ટ્રેટને અનિયંત્રિત રીતે ખોલવા અને યુએસ નેવલ નાકાબંધીને તાત્કાલિક હટાવવા માટે અધિકૃત કરું છું. તેમણે વધુમાં કહ્યું, વિશ્વભરના જહાજો, તમારા એન્જિન શરૂ કરો, તેલ પુરવઠો શરૂ થવા દો!


બ્રેન્ટ ક્રૂડ ઓઇલના ભાવ ઘટીને 83 પ્રતિ બેરલ થયા 

આંતરરાષ્ટ્રીય બજારમાંથી વૈશ્વિક અર્થતંત્ર માટે રાહતના સમાચાર આવ્યા છે. વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વપૂર્ણ ગણાતી 'હોર્મુઝ સ્ટ્રેટ' (હોર્મુઝની સામુદ્રધુની) ફરી ખુલી જવાના અહેવાલો બાદ વૈશ્વિક બજારમાં કાચા તેલ (ક્રૂડ ઓઇલ)ની કિંમતોમાં મોટો કડાકો જોવા મળ્યો છે. આજે વૈશ્વિક બેન્ચમાર્ક ગણાતા બ્રેન્ટ ક્રૂડ ઓઇલના ભાવમાં ચાર ટકાનો નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે, જેના કારણે કિંમત ઘટીને પ્રતિ બેરલ 83 ડૉલરની સપાટી પર આવી ગઈ છે. સપ્લાય ચેઇન ફરી શરૂ થતાં તેલના ભાવ હજુ પણ ઘટે તેવી શક્યતા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application