નવેમ્બર 2025માં પ્રકાશિત થયેલા એક અહેવાલ મુજબ, 2024માં કેનેડિયન પીઆર માટે ઇન્વિટેશન ટુ એપ્લાય (આઈટીએ) મેળવનારાઓમાંથી એક તૃતીયાંશ (આશરે 34 ટકા)ને કેનેડામાં કોઈ કામનો અનુભવ નહોતો. છતાં, તેમને તકો આપવામાં આવી હતી. કારણ કે તેમની પાસે વિદેશમાં નોંધપાત્ર કાર્ય અનુભવ, ઉચ્ચ સ્તરનું શિક્ષણ અને ભાષા પર પ્રભુત્વ હતું. અહેવાલ મુજબ, નાગરિકત્વની દ્રષ્ટિએ ભારત પ્રથમ ક્રમે છે. 2024માં, 43,004 ભારતીય નાગરિકોને આઈટીએ જારી કરવામાં આવ્યા હતા, જે અન્ય કોઈપણ દેશ કરતા ચાર ગણા વધુ છે. ટોચના પાંચમાં ભારત પછી કેમરૂન, નાઇજીરીયા, ચીન અને ફિલિપાઇન્સના ઉમેદવારો હતા. આ સતત ત્રીજું વર્ષ છે જ્યારે ભારતીયો એક્સપ્રેસ એન્ટ્રી સિસ્ટમમાં આગળ રહ્યા છે.
આ જ સમયે, પીઆર મેળવનારાઓમાં, એક ટકા ઉમેદવારો પાસે કોઈ કામનો અનુભવ નહોતો, જ્યારે બાકીના લગભગ બધાને વિદેશી અથવા કેનેડિયન અનુભવ હતો અથવા બંને. 2024માં કુલ 98,903 ઉમેદવારોને પીઆર માટે અરજી કરવા માટે આમંત્રણો મળ્યા હતા. આમાંથી મોટાભાગના લોકો પહેલાથી જ કેનેડામાં રહેતા હતા અથવા ટેક, આરોગ્ય અને વહીવટી ક્ષેત્રોમાં અનુભવ ધરાવતા હતા.
2024માં સૌથી વધુ આઈટીએ મેળવનારાઓમાં સોફ્ટવેર એન્જિનિયર્સ અને ડિઝાઇનર્સ 3,715, ફૂડ સર્વિસ સુપરવાઇઝર 3,608, સોફ્ટવેર ડેવલપર્સ અને પ્રોગ્રામર્સ 3,142, એડમિન આસિસ્ટન્ટ્સ 2,669, શિક્ષકો (માધ્યમિક શાળા) 2,136, માહિતી સિસ્ટમ્સ વિશ્લેષકો 2,091, એકાઉન્ટન્ટ્સ/ઓડિટર્સ 2,079 અને નર્સો અને હેલ્થકેર આસિસ્ટન્ટ્સ 1,946નો સમાવેશ થાય છે. કેનેડિયન પીઆર અરજદારોનો ભારત સૌથી મજબૂત સ્ત્રોત રહ્યો છે. જોકે, કેનેડામાં રહેઠાણની હવે જરૂર નથી. વિદેશી અનુભવ ધરાવતા ઉમેદવારો પણ સફળ થઈ શકે છે. ફ્રેન્ચ ભાષામાં નિપુણતા પસંદગીની શક્યતાઓ વધારે છે.ટેક, આરોગ્ય અને વહીવટ જેવા ક્ષેત્રોમાં સૌથી વધુ તકો છે. 2025 સુધી આરોગ્યસંભાળ ક્ષેત્રનો હિસ્સો ઝડપથી વધી રહ્યો છે.