ભારતીય-અમેરિકનોએ 2008થી અત્યાર સુધીમાં અમેરિકન યુનિવર્સિટીઓને 3 બિલિયન ડોલરથી વધુનું દાન આપ્યું છે. આ અભ્યાસ યુનાઇટેડ સ્ટેટ્સમાં સંશોધન, નવીનતા અને ઉચ્ચ શિક્ષણની પહોંચને મજબૂત બનાવવામાં ડાયસ્પોરાના યોગદાનની અસર પર પ્રકાશ પાડે છે.એક નવા અભ્યાસમાં, અગ્રણી બિન-લાભકારી સંસ્થા ઇન્ડિયાસ્પોરાએ જણાવ્યું હતું કે ભારતીય-અમેરિકનો, જેમાંથી ઘણા અમેરિકન યુનિવર્સિટીઓમાં તેમના સ્નાતક અને અનુસ્નાતક અનુભવોને તેમની વ્યાવસાયિક સફળતાનો પાયો માને છે, તેઓ પરિવર્તનશીલ રીતે યોગદાન આપી રહ્યા છે.
ઇન્ડિયાસ્પોરાએ જણાવ્યું હતું કે દેશભરની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને ઐતિહાસિક દાન આપીને, ભારતીય-અમેરિકન સમુદાય માત્ર તેમના જીવનને આકાર આપતી સંસ્થાઓનું સન્માન કરી રહ્યો નથી, પરંતુ ભવિષ્યની પેઢીઓને શીખવા, નવીનતા અને નેતૃત્વ વિકાસ માટે સમાન તકો મળે તે પણ સુનિશ્ચિત કરી રહ્યો છે.
અગ્રણી દાતાઓમાં ચંદ્રિકા અને રંજન ટંડનનો સમાવેશ થાય છે, જેમણે ન્યૂ યોર્ક યુનિવર્સિટીની સ્કૂલ ઓફ એન્જિનિયરિંગમાં 100 મિલિયન ડોલરનું યોગદાન આપ્યું હતું. પેપ્સિકોના ભૂતપૂર્વ સીઈઓ ઈન્દ્રા નૂયીએ યેલ સ્કૂલ ઓફ મેનેજમેન્ટને 50 મિલિયન ડોલરનું દાન આપ્યું હતું, જે કોઈપણ બિઝનેસ સ્કૂલને આપવામાં આવેલા સૌથી મોટા દાનમાંનું એક હતું, અને ઉદ્યોગસાહસિક દેશપાંડેએ એમઆઈટીને 20 મિલિયન ડોલરનું દાન આપ્યું હતું અને સેન્ટર ફોર ટેકનોલોજીકલ ઈનોવેશનની સ્થાપના કરી હતી.
મોટા ભાગનું ભંડોળ તબીબી વિજ્ઞાન અને ઇજનેરી કૌશલ્ય નિખારવા અપાયું
ઓહિયોમાં મોન્ટે આહુજા, ટેક્સાસમાં સતીશ અને યાસ્મીન ગુપ્તા, અને ફ્લોરિડામાં કિરણ અને પલ્લવી પટેલ, અન્ય લોકોએ તેમના પરોપકાર દ્વારા તબીબી અને શૈક્ષણિક કાર્યક્રમોને પુનર્જીવિત કર્યા છે. ઈન્ડિયાસ્પોરાના સ્થાપક અને પ્રમુખ એમ.આર. રંગાસ્વામીએ જણાવ્યું હતું કે યુનિવર્સિટીઓમાં રોકાણ કરીને, શિક્ષણને મહત્વ આપતા ભારતીય અમેરિકન દાતાઓ તેમના શબ્દ પર જીવી રહ્યા છે. તેઓ અમેરિકા પ્રત્યેની તેમની વ્યાપક પ્રતિબદ્ધતા પણ દર્શાવી રહ્યા છે અને તમામ જાતિઓ અને પૃષ્ઠભૂમિના અમેરિકનોને ખીલવામાં મદદ કરી રહ્યા છે.જ્યારે કેટલાક ઉચ્ચ-સ્તરીય દાન ઉચ્ચ કક્ષાની યુનિવર્સિટીઓને કરવામાં આવ્યા છે. મોટાભાગના ભંડોળ તબીબી અને આરોગ્ય વિજ્ઞાન, ઇજનેરી અને વ્યવસાય કાર્યક્રમો તરફ નિર્દેશિત કરવામાં આવ્યા છે, જોકે 140 મિલિયન ડોલર સાંસ્કૃતિક પહેલ પર પણ ખર્ચવામાં આવ્યા છે.