અમેરિકામાં ગ્રીન કાર્ડ મેળવવાનું સપનું જોતા ભારતીયો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. નેશનલ ફાઉન્ડેશન ફોર અમેરિકન પોલિસી (NFAP)ના વિશ્લેષણ મુજબ, એમ્પ્લોયમેન્ટ આધારિત EB-2 કેટેગરીમાં નવા ભારતીય અરજદારોને ગ્રીન કાર્ડ માટે 179 વર્ષ સુધી રાહ જોવી પડી શકે છે. એટલે કે, જો કોઈ ભારતીય પ્રોફેશનલ આજે EB-2 કેટેગરીમાં પ્રક્રિયા શરૂ કરે છે, તો અંદાજ મુજબ તેનો વારો વર્ષ 2205 આસપાસ આવી શકે છે.
EB-2 કેટેગરીમાં ઉચ્ચ ડિગ્રી ધરાવતા અથવા વિશિષ્ટ ક્ષમતા ધરાવતા પ્રોફેશનલ્સનો સમાવેશ થાય છે. બીજી તરફ, EB-3 કેટેગરીમાં સ્કિલ્ડ વર્કર્સ અને પ્રોફેશનલ્સ માટે પણ સ્થિતિ ખાસ સારી નથી. આ કેટેગરીમાં રાહનો સમયગાળો અંદાજે 38 વર્ષ સુધી પહોંચી શકે છે. જ્યારે EB-1 કેટેગરીમાં આવતા અરજદારો માટે રાહ પ્રમાણમાં ઓછી છે અને તે આશરે 4થી 5 વર્ષ હોવાનું જણાવાયું છે.
10 લાખ ભારતીયો બેકલોગમાં
ડિસેમ્બર 2025ના આંકડા અનુસાર, આશરે 10 લાખ ભારતીયો અમેરિકાના એમ્પ્લોયમેન્ટ આધારિત ઇમિગ્રેશન બેકલોગમાં અટવાયેલા છે. EB-1, EB-2 અને EB-3 એમ ત્રણ મુખ્ય કેટેગરીનો કુલ બેકલોગ આશરે 12.6 લાખ લોકો સુધી પહોંચ્યો છે. છેલ્લા પાંચ વર્ષમાં આ બેકલોગમાં 20.6 ટકાનો વધારો થયો હોવાનું NFAPના વિશ્લેષણમાં જણાવાયું છે.
આટલી લાંબી રાહ પાછળ અમેરિકાની ઇમિગ્રેશન સિસ્ટમમાં રહેલી કેટલીક કાયદાકીય મર્યાદાઓ મુખ્ય કારણ માનવામાં આવે છે. અમેરિકન કાયદા હેઠળ દર વર્ષે કુલ 1.40 લાખ જેટલા એમ્પ્લોયમેન્ટ આધારિત ગ્રીન કાર્ડ ઉપલબ્ધ હોય છે. સાથે જ કોઈ એક દેશના નાગરિકોને વાર્ષિક કુલ વિઝાના 7 ટકાથી વધુ ગ્રીન કાર્ડ આપવાની મર્યાદા છે.
ભારતમાંથી મોટી સંખ્યામાં કુશળ પ્રોફેશનલ્સ અમેરિકા જતા હોવાથી માંગ અને ઉપલબ્ધ ગ્રીન કાર્ડ વચ્ચે મોટું અંતર સર્જાયું છે. પરિણામે ભારતીય અરજદારો માટે બેકલોગ સતત વધતો રહ્યો છે.
H-1B ધારકો માટે લાંબી અનિશ્ચિતતા
આ પરિસ્થિતિનો સીધો પ્રભાવ અમેરિકામાં રહેતા ભારતીય H-1B વિઝા ધારકો અને તેમના પરિવારો પર પડે છે. ગ્રીન કાર્ડની લાંબી રાહને કારણે ઘણા લોકો લાંબા ગાળાના કરિયર, ઘર ખરીદવા અને બાળકોના ભવિષ્ય જેવા નિર્ણયો લેવામાં અનિશ્ચિતતા અનુભવે છે.
આ સાથે અમેરિકન કંપનીઓ માટે પણ વિદેશી કુશળ પ્રતિભાને લાંબા સમય સુધી જાળવી રાખવાનો પડકાર ઊભો થયો છે. બીજી તરફ, ટ્રમ્પ વહીવટીતંત્ર હેઠળ ઇમિગ્રેશન અરજીઓની તપાસ, વિઝા નીતિઓ અને કેટલાક વર્ક વિઝા સંબંધિત ખર્ચમાં કડકાઈ વધવાને કારણે કાનૂની ઇમિગ્રેશન અંગેની ચિંતા વધુ વધી છે.
નોંધનીય છે કે 2024 સુધીમાં અમેરિકામાં ભારતમાં જન્મેલા લોકોની સંખ્યા આશરે 32 લાખ હતી, જે અમેરિકાના વિદેશમાં જન્મેલા લોકોના સૌથી મોટા જૂથોમાં બીજા ક્રમે આવે છે.