ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઇસરો) એ અંતરિક્ષ ક્ષેત્રે વધુ એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. ગુરુવારે મધ્યરાત્રિએ આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટર (સ્પેસપોર્ટ) પરથી દેશના પ્રથમ એડવાન્સ્ડ અર્થ ઓબ્ઝર્વેશન ઇમેજિંગ ઉપગ્રહનું સફળતાપૂર્વક લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.
મધ્યરાત્રિના અંધકારમાં રોકેટના ઉડાન ભરતા જ સમગ્ર લોન્ચ પેડ ઝગમગી ઊઠ્યું હતું અને ભારતે અંતરિક્ષ વિજ્ઞાનના ક્ષેત્રમાં એક નવો ઈતિહાસ રચી દીધો હતો.
આ મહત્વકાંક્ષી મિશન માટે ઇસરોના શક્તિશાળી જીએસએલવી (GSLV) રોકેટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. રોકેટે નિર્ધારિત સમયે સ્પેસપોર્ટ પરથી સફળતાપૂર્વક ટેકઓફ કર્યું હતું.
લોન્ચિંગના માત્ર 18 મિનિટના ટૂંકા સમયગાળામાં જ આ એડવાન્સ્ડ ઉપગ્રહ (EOS-05) ને પૃથ્વીની નિશ્ચિત સબ-જીઓસિંક્રોનસ ટ્રાન્સફર ઓર્બિટ (Sub-GTO) માં સફળતાપૂર્વક સ્થાપિત કરી દેવામાં આવ્યો હતો. આ સફળ સ્થાપના સાથે જ ઇસરોના કંટ્રોલ રૂમમાં વૈજ્ઞાનિકોમાં ખુશીની લહેર દોડી ગઈ હતી.
ભૌગોલિક ભ્રમણકક્ષામાં મોકલવામાં આવેલો આ દેશનો પ્રથમ અત્યાધુનિક ઇમેજિંગ સેટેલાઇટ છે. આ ઉપગ્રહની મદદથી પૃથ્વીના વિવિધ વિસ્તારોની હાઇ-રિઝોલ્યુશન તસવીરો મેળવી શકાશે, જે કુદરતી આપત્તિઓનું સંચાલન, કૃષિ ક્ષેત્રે પાકની મોનિટરિંગ, જળ સંસાધનોની જાંચ અને દેશની સરહદોની સુરક્ષા તેમજ ભૌગોલિક નિરીક્ષણમાં અત્યંત મહત્ત્વપૂર્ણ સાબિત થશે. ઇસરોની આ અભૂતપૂર્વ સફળતા બદલ સમગ્ર દેશમાંથી વૈજ્ઞાનિકોની ટીમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.