એસી કારમાં ગોગલ્સ પહેરી બેસનારને જનતાની પીડાનો ખ્યાલ ક્યાંથી આવે? મેયર-કમિશનર એક વખત સ્કૂટરમાં આવીને રસ્તાની હાલત જુઓઃ વિપક્ષ

  • May 27, 2025 06:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાપાલિકાના સેન્ટ્રલ ઝોન હેઠળના વોર્ડ નં.૭માં ડો.યાજ્ઞિક રોડ ઉપર આવેલ જુના જાગનાથ અને ન્યુ જાગનાથ વિસ્તારની શેરીઓ અને મુખ્યમાર્ગો ઉપર આડેધડ ખોદકામ કરાયું હોય લતાવાસીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને દરરોજ નાના મોટા અકસ્માતો સર્જાઇ રહ્યા છે. દરમિયાન આજે વિપક્ષ કોંગ્રેસ દ્વારા મેયર અને કમિશનરને એવી લેખિત રજુઆત કરાઈ છે કે તેઓ તેમની સત્તાવાર કારને બદલે બાઇક કે સ્કૂટર લઇને જાગનાથ વિસ્તારમાં આવે રસ્તાઓની દુર્દશાનું સ્થળ નિરીક્ષણ કરી જાત અનુભવ કરે. જો ગણતરીના દિવસોમાં ખોદકામ બંધ કરીને જાગનાથના રસ્તા અને શેરીઓ રિપેર ન કરાય તો આશ્ચર્યજનક કાર્યક્રમ સાથે આંદોલનનું એલાન જાહેર કરવામાં આવ્યું છે.


પોશ વિસ્તારની હાલત હાલ ગામડા કરતા બદતર થઇ ગઇ 

વિશેષમાં રાજકોટ મહાપાલિકાના મેયર અને મ્યુનિસિપલ કમિશનરને સંબોધીને કરેલી રજુઆતમાં રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અતુલ રાજાણી તેમજ શહેર કોંગ્રેસના પૂર્વ ઉપપ્રમુખ નાગજીભાઈ વિરાણી અને વોર્ડ નં.૭ના કોંગ્રેસ પ્રભારી બિંદીયાબેન તન્નાએ જણાવ્યું છે કે વોર્ડ નં.૭માં ન્યુ જાગનાથ પ્લોટ અને જુના જાગનાથ પ્લોટની શેરીઓમાં થઇ રહેલા બેફામ આડેધડ ખોદકામથી શહેરીજનો ત્રસ્ત છે. શહેરમાં ચોમાસાના તમામ કામો જુનના પ્રથમ સપ્તાહમાં આટોપી લેવાના હોવા છતાં હજુ પણ શહેરમાં આડેધડ ખોદકામ ચાલે છે. ખાસ કરીને જાગનાથ જેવા પોશ વિસ્તારની હાલત હાલ ગામડા કરતા બદતર થઇ ગઇ છે.


ડીઆઇ પાઇપલાઇનનું કામ ગોકળ ગાયની ગતિએ ચાલી રહ્યું છે

હાલ જાગનાથમાં ડીઆઇ પાઇપલાઇનનું કામ ગોકળ ગાયની ગતિએ ચાલી રહ્યું છે અને જે કાંઇ પાઈપલાઇન બિછાવીને પેચવર્ક ડામર કામ કરવામાં આવેલ ન હોવાથી ઠેર ઠેર ચરેડા પડી ગયા છે અને આ પગલે શહેરીજનોને આવા ચરેડા અને ખાડાઓને પગલે સિનિયર સિટીઝન અને મહિલાઓ બાળકોને હાલાકી ભોગવવી પડે છે. ચોમાસું આવે તો આ વિસ્તારમાં યાજ્ઞિક રોડ પરના કામ અને ઠેર ખાડાઓનું સામ્રાજ્યની પગલે જળ હોનારતની ભીતિ સેવાઈ રહી છે.રાજકોટ મહાપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અને રાજકોટના મેયર જાગનાથની શેરીઓ ગલીઓમાં એક વખત સ્કૂટર અને બાઈક લઈને નીકળે તો ખબર પડે કે શહેરમાં આ વિસ્તારમાં બાઈક ચાલકોને ચલાવવામાં કેટલી મુશ્કેલી પડે છે.


અનેક જગ્યાએ ધૂળના ઢગલાઓ

જાગનાથ પ્લોટમાં શેરીઓમાં ખાડાઓનું સામ્રાજ્ય હોવાને કારણે અનેક જગ્યાએ ધૂળના ઢગલાઓ અને ખાડાઓ ઉપરની ડામર પરની કડ વાહન ચાલકો માટે આફતરૂપ બની રહી છે. દરરોજ નાના મોટા અકસ્માતો સર્જાઇ રહ્યા છે. શહેરીજનોના ટાટીયા ભાંગે એ પહેલા મહાપાલિકા તંત્ર એક્શનમાં આવે અને આગામી ચોમાસુ વહેલું હોવાની આગાહી હવામાન ખાતાની કરવામાં આવી છે ત્યારે તાત્કાલિક યુદ્ધના ધોરણે ખાડાઓના તમામ કામ પૂર્ણ કરી ડામર કરવા માંગણી કરાઇ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application