અમેરિકન ટેરિફ તથા ભૂ-રાજકીય હલચલની વચ્ચે ટકી રહેવા માટે ઉદ્યોગકારો પ્રયાસ કરી રહ્યા છે. તેની વચ્ચે આગામી 1 ફેબ્રુઆરીએ નાણામંત્રી સીતારામન કેન્દ્રીય બજેટ 2026ની જાહેરાત કરવા જઈ રહ્યા છે. ત્યારે સૌરાષ્ટ્રના વિવિધ ઉદ્યોગોને બજેટમાં અર્થતંત્રનો વિકાસ, ઔદ્યોગિક વિકાસ, રોજગાર અને સંતુલન અંગે વધુ અપેક્ષાઓ છે. નિષ્ણાતોના મતે આ વખતે બજેટ યુવાનો, એમ.એસ.એમ.ઈ, મહિલાઓ અને સ્વદેશી ઉત્પાદન પર ધ્યાન કેન્દ્રિત કરશે. ત્યારે આ બજેટ અંતર્ગત આર્થિક અને કર સુધારા પર ભાર મૂકવામાં આવે, ઈમ્પોર્ટ ડ્યુટીમાં ઘટાડો કરવામાં આવે કે જેથી કાચા માલ અને મશીનરી સસ્તા થાય. જેનાથી ઉત્પાદન અને નિકાસમાં વધારો થઈ શકે તેમ છે. 'આજકાલ' દ્વારા સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મંડળ, સિલ્વર મેન્યુફેક્ચર એસોસિએશન અને મશીનરી ડીલર્સ એસોસિએશન સહિતના અગ્રણીઓ સાથે વાતચીત કરી અને તેમની બજેટ પાસેની અપેક્ષા જાણવાનો પ્રયાસ કરવામાં આવતા તમામ ઉદ્યોગ ક્ષેત્રના અગ્રણીઓએ બજેટ પાસેની સ્પષ્ટ અપેક્ષાઓ વિશે ચર્ચા કરી હતી.
ઉદ્યોગો-નિકાસકારો માટે પ્રોત્સાહક પોલિસીની આશા : પરાગભાઇ તેજુરા
સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મંડળના પ્રમુખ પરાગભાઈ તેજુરાએ જણાવ્યું છે કે ગત 2025ના વર્ષમાં મંદીનો માહોલ જોવા મળ્યો હતો. તથા આ વર્ષે વર્તમાનમાં અમેરિકન ટેરિફ સહિતની પરિસ્થિતિ વચ્ચે સ્થાનિક બજાર મંદ છે. ડોલરનો ભાવ વધતા નિકાસકારોને તકલીફ પડી રહી છે. અન્ય દેશોની સરખામણીમાં ભારતીય ચીજ-વસ્તુઓ ફોરેનર્સ માટે મોંઘી બની છે. ત્યારે જેથી કેન્દ્રીય બજેટ 2026માં સ્થાનિક ઉદ્યોગો અને નિકાસકારોને પ્રોત્સાહન આપતી પોલિસીની જાહેરાત થાય તેવી આશા છે. જીએસટીના કારણે એક્સાઈઝ ડ્યુટીમાં થતો વધારો-ઘટાડો બંધ થયો છે. પરંતુ, અર્થતંત્રને ધબકતું રાખવા માટે નિકાસને પ્રોત્સાહન આપવું જરૂરી છે. જેથી ઉદ્યોગો પુનઃ ધબકતા થાય.
પીવીસી અને સીપીવીસી પરની ઈમ્પોર્ટ ડ્યુટી ઘટાડવામાં આવે તેવી અપેક્ષા : જે.કે. પટેલ
સૌરાષ્ટ્ર પ્લાસ્ટિક મેન્યુફેક્ચરર એસોસિએશનના પ્રમુખ જે.કે.પટેલના જણાવ્યા પ્રમાણે વર્ષ 2025 સમગ્ર પ્લાસ્ટિક ઉદ્યોગ માટે સામાન્ય રહ્યું હતું. જ્યારે પોલીમર માટે નવી પોલિસીના કારણે સારું રહ્યું હતું. નવી પોલિસીના કારણે ઘણા એસ.એમ.ઈ યુનિટ ડેવલપ થયા છે. રાજકોટ રિસાઈકલિંગ માટે હબ બન્યું છે. જેથી બજેટ 2026માં સરકાર પર્યાવરણ માટે લાભદાયક રિસાઈકલિંગને વધુ પ્રોત્સાહન આપતી પોલિસી જાહેર કરે તેવી આશા છે. આ ઉપરાંત સરકાર બજેટમાં પીવીસી અને સીપીવીસી ઉપર ઈમ્પોર્ટેડ ડ્યુટી ઘટાડે તેવી અપેક્ષા છે.
ડીઝલ એન્જિનના પાર્ટ્સ પરનો જીએસટી ઘટાડીને પાંચ ટકા કરો : મશીનરી ડીલર્સ એસોસિએશન
રાજકોટ મશીનરી ડીલર્સ એસોસિએશનના પ્રમુખ જયંતિભાઈ ટીલવા, માનદમંત્રી અશ્વિનકુમાર પટેલ તથા પૂર્વ પ્રમુખ મનસુખલાલ પટેલના જણાવ્યા પ્રમાણે ડીઝલ એન્જિન અને તેના કમ્પોનન્ટ પાર્ટ ખેતીના ઉદ્યોગમાં ઉપયોગી છે. જેના પર સરકાર દ્વારા 18 ટકા જીએસટી રાખવામાં આવ્યો છે, જેને ઘટાડીને 5 ટકા કરવા માટે, બક્ષિસ વેરાની મર્યાદાની મુક્તિ મર્યાદા રૂ.50,000 માંથી વધારીને રૂ.1 લાખ સુધીની કરવા માટે, શોર્ટ ટર્મ કેપિટલ ગેમ 20 ટકામાંથી ઘટાડીને 10 ટકાના સ્લેબમાં સમાવવા માટે, નાણામંત્રાલય દ્વારા ફાઇનાન્સ એક્ટમાં અસંખ્ય સુધારાઓ છે જેનો અર્થઘટન કરવો અઘરું છે જ્યારે સામાન્ય નાગરિકો માટે યોગ્ય સુધારા કરવા, ખાનગી વીમા કંપનીઓ દ્વારા પ્રીમિયમમાં વધારો થતા ગ્રાહકોને 40 ઓછો લાભ મળી રહ્યો છે, ત્યારે આવી કંપનીઓ નાબૂદ થવી જોઈએ. તેમજ વીમા કંપનીઓ નાબૂદ કરવા માટે સરકાર દ્વારા પગલાં ભરવામાં આવે સહિતની વિવિધ 20 પ્રકારની માગણીઓ કરવામાં આવી છે.