વિસાવદર તાલુકાના બરડીયા ગીરની સીમમાં વાડીએ મજૂરી કામ કરનાર મધ્યપ્રદેશના પરિવારના દોઢ વર્ષના બાળકનું વાડીએ ટ્રેક્ટર હેઠળ કચડાઈ જતા કમકમાટી ભર્યું મોત થયું હતું. વાડીએ ટ્રેક્ટરમાં મગફળી ભરી ચાલકે ટ્રેક્ટર ચલાવતા અહીં નજીકમાં રમી રહેલા બાળકના માથા પરથી ટ્રેક્ટરના વ્હીલ ફરી વળતા તેને ગંભીર ઇજા પહોંચી હતી. જેથી સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવતા અહીં સારવાર દરમિયાન માસુમનું મોત થયું હતું. બનાવથી બાળકના પરિવારમાં કલ્પાંત છવાઈ ગયો હતો.અકસ્માતના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, વિસાવદર તાલુકાના બરડીયા ગીર ગામની સીમમાં આવેલી કમલેશભાઈ કોટડીયાની વાડીએ ખેત મજૂરી કામ કરનાર મૂળ એમપીના વતની કૈલાશભાઈ તોમરનો દોઢ વર્ષનો પુત્ર આયુષ ગઈકાલે બપોરના વાડીએ રમતો હતો. દરમિયાન અહીં મગફળીનો ફેરો કરવા માટે ટ્રેક્ટર આવ્યું હતું. ટ્રેક્ટરમાં મગફળી ભર્યા બાદ ચાલકે ટ્રેક્ટર ચાલુ કરતા અહીં ખેતરમાં રમી રહેલો બાળક ટ્રેક્ટર હેઠળ કચળાઈ ગયો હતો તેના માથા પરથી ટ્રેક્ટરનું વ્હીલ ફરી વળતા બાળકને ગંભીર ઈજા પહોંચી હતી જેથી તેને સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. અહીં સારવાર દરમિયાન માસુમે આંખો મીચી દીધી હતી. બનાવની જાણ થતા હોસ્પિટલ ચોકીના સ્ટાફે જરૂરી કાર્યવાહી કરી સ્થાનિક પોલીસને જાણ કરી હતી.વધુમાં જાણવા મળતી વિગતો મુજબ, પરિવાર મૂળ મધ્યપ્રદેશનો વતની છે અને છેલ્લા ઘણા સમયથી અહીં વિસાવદર પંથકમાં ખેતીકામ માટે સ્થાયી થયો છે. ગઈકાલે બપોરના સમયે મગફળી ખેતરમાંથી લઈ જવા ટ્રેક્ટરમાં ફેરો કરવાનો હતો બાદમાં મગફળી ટ્રેક્ટરમાં ભર્યા બાદ ટ્રેક્ટરચાલકે ટ્રેક્ટર હંકારી મૂક્યું હતું અને અહીં ટ્રેક્ટર પાસે જ રમી રહેલો બાળક નજરે ન પડતા ટ્રેક્ટર હેઠળ આવી જતા તેનું મોત થયું છે. આયુષ બે ભાઈ એક બહેનના પરિવારમાં નાનો હતો અકસ્માતની આ ઘટનાથી બાળકના માતા-પિતા શોકમાં ગરકાવ થઈ ગયા છે. બીજી તરફ ઘટનાને લઇ સ્થાનિક પોલીસે જરૂરી કાર્યવાહી શરૂ કરી છે