રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર આવેલા અયોધ્યા ચોક ખાતે શનિવારના રોજ હાલર પંથકના આહિર સમાજનો સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્નેહ મિલનમાં રાજકોટ ખાતે વસતા હાલર પંથકના આહિર પરિવારોના 1500થી વધુ સભ્યો હાજર રહ્યાં હતા. સ્નેહ મિલન દરમિયાન, સમાજના અગ્રણીઓની ઉપસ્થિતિમાં તમામ પરિવારોની સંમતિથી લગ્નના વધતા જતા ખર્ચાઓ પર નિયંત્રણ લાવવા માટે એક મહત્વનો ઠરાવ પસાર કરવામાં આવ્યો છે.
આ ઠરાવમાં લેવાયેલા મુખ્ય નિર્ણયો
લાડવા જમણવાર: લાડવા પ્રથામાં મોટો જમણવાર નહીં, પણ માત્ર બહેન-દીકરી પૂરતો જ મર્યાદિત રાખવો
કંકુ પગલાં: કંકુ પગલાં પ્રથા બંધ કરવી.
પ્રિ-વેડિંગ: પ્રિ-વેડિંગ બંધ કરવું.
કોઈપણ પ્રસંગમાં ફટાકડા ફોડવા નહીં.
મામેરામાં રોકડ: મામેરામાં રૂ,11,000 (અગિયાર હજાર)થી વધારે રકમ આપવી નહીં.
સોનાના દાગીના: લગ્ન પ્રસંગે વર પક્ષે 8 તોલાથી વધારે સોનાના દાગીના મૂકવા નહીં.
દીકરીના માતા-પિતાએ કન્યાદાનમાં વર પક્ષને 2 તોલાથી વધુ સોનાના દાગીના આપવા નહીં.
માઠાપ્રસંગે જમણવાર: માઠાપ્રસંગે જમણવાર ઘર તથા બહેન-દીકરીઓ પૂરતો જ કરવો.
કંકોત્રી: કંકોત્રી રસમ તથા વાના રસમમાં ડેકોરેશન કરવું નહીં (કુટુંબ પરિવાર પૂરતું જ રાખવું).
ફુલેકું/દાંડિયારાસ: લગ્ન પ્રસંગે કોઈપણ રસમમાં પૈસા ઉડાડવા નહીં (ફુલેકું, દાંડિયારાસ, ડી.જે., મામેરા, વરઘોડો, વરતી જાન).
શ્રાદ્ધ-પાયસમ:શ્રાદ્ધ-પાયસમના જમણવાર ઘર પૂરતું રાખવું.
શ્રીમંત-દીકરી વધામણાં: શ્રીમંત અને દીકરી વદામણાંમાં ડેકોરેશન કરવું નહીં અને પેંડા વહેંચણી પ્રથા બંધ કરવી.
પૈસા પાછા વાળવા: કોઈપણ પ્રસંગમાં બહેનોએ પૈસા પાછા વાળવાની પ્રથા સંપૂર્ણ બંધ કરવી.
દાંડિયારાસ: વર કે કન્યાએ સસરા પક્ષમાં દાંડિયારાસ રમવા જવું નહીં. (વર-કન્યા બંને પક્ષનો પ્રસંગ સાથે હોય તો લાગુ નહીં પડે)
આ નિયમોનો ભંગ કરનાર રાજકોટમાં રહેતા આહિર હાલાર સમાજના કોઈપણ વ્યક્તિ અને સમાજની માફી માંગે નહીં તો એક લાખનો દંડ કરવામાં આવશે અને દંડની રકમ ન ભરે તો તેમને સમાજ સામે માફી માગવાની રહેશે. તેમજ તેમને સમાજની બહાર કરવામાં આવશે