ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા હાલમાં ચાલી રહેલી વર્ગ-૩ની ભરતી પ્રક્રિયાને લઈને ગુજરાત હાઈકોર્ટે એક અત્યંત મહત્વપૂર્ણ અને સરાહનીય આદેશ આપ્યો છે. હાઈકોર્ટે પોલીસ ભરતીમાં ટ્રાન્સજેન્ડર (ત્રીજી જાતિ) ઉમેદવાર માટે એક જગ્યા અનામત રાખવાનો આદેશ આપ્યો છે. તૃતિય જાતિના સભ્યોને સમાજમાં યોગ્ય સ્થાન અને સરકારી નોકરીઓમાં સમાન તક પૂરી પાડવાની દિશામાં આ નિર્ણયને એક મહત્વનું કદમ માનવામાં આવી રહ્યું છે.ભાવનગરના ૩૫ વર્ષીય ટ્રાન્સજેન્ડર અરજદારે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ સામે હાઈકોર્ટમાં રિટ અરજી દાખલ કરી હતી. અરજદારે પોલીસ સબ-ઈન્સ્પેક્ટર પીએસઆઈ અને બિનહથિયારી કોન્સ્ટેબલની પોસ્ટ માટે અરજી કરી હતી. અરજદાર પાસે ‘ટ્રાન્સજેન્ડર પર્સન્સ એક્ટ, ૨૦૧૯’ ના નિયમો હેઠળ જિલ્લા કલેક્ટર દ્વારા જારી કરાયેલું અધિકૃત ઓળખનું પ્રમાણપત્ર પણ ઉપલબ્ધ છે. જોકે, આધાર કાર્ડમાં તેમની ઓળખ મહિલા તરીકે દર્શાવવામાં આવી હતી.અરજી કરતી વખતે ફોર્મમાં માત્ર 'પુરુષ' અને 'મહિલા' એવા બે જ વિકલ્પો ઉપલબ્ધ હોવાથી અરજદારે ડીજીપી (ડીજીપી) ઓફિસમાં પૂછપરછ કરી હતી. તે સમયે તેમને આધાર કાર્ડ મુજબ મહિલા કેટેગરીમાં અરજી કરવાની સલાહ આપવામાં આવી હતી, જેથી તેમણે મહિલા કેટેગરીમાં ફોર્મ ભર્યું હતું. અરજદારે પોતાની મહેનત અને ક્ષમતાના બળે ફિઝિકલ સ્ટેન્ડર્ડ ટેસ્ટ અને ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ સફળતાપૂર્વક પાસ કરી લીધી હતી. ત્યારબાદ યોજાયેલી લેખિત પરીક્ષામાં અરજદારે કુલ ૯૪ માર્ક્સ મેળવ્યા હતા.જ્યારે ૧૧ જુલાઈના રોજ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું, ત્યારે એસઈબીસી મહિલા કેટેગરીનું કટ-ઓફ મેરિટ ૯૮.૫ માર્ક્સ હતું, જ્યારે અરજદારને ૯૪ માર્ક્સ મળ્યા હતા. અરજદારે સત્તાધીશોને લેખિત રજૂઆત કરી હતી કે તેમની ઉમેદવારીને પુરુષ કે મહિલા કેટેગરીને બદલે 'ત્રીજી જાતિ' (ટ્રાન્સજેન્ડર) ની કેટેગરી ધ્યાનમાં રાખીને અનામત કે યોગ્ય કટ-ઓફ માપદંડ લાગુ કરીને તક આપવામાં આવે. પરંતુ સત્તાવાળાઓ તરફથી કોઈ યોગ્ય પ્રતિસાદ ન મળતા તેમણે હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા.સુનાવણી દરમિયાન હાઈકોર્ટે સુપ્રિમ કોર્ટના અગાઉના ચુકાદાઓનો સંદર્ભ આપતાં જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટે પણ ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓને થર્ડ જેન્ડર તરીકે ઓળખ આપીને તેમને અનામત અને અન્ય બંધારણીય હકો આપેલા છે. હાલની ગુજરાત પોલીસની વર્ગ-૩ની ભરતીમાં ટ્રાન્સજેન્ડર માટે કોઈ અલગ કેટેગરી રાખવામાં આવી ન હોવાથી, હાઈકોર્ટે ગુજરાત પોલીસ ભરતી બોર્ડને અરજદાર પૂરતી એક જગ્યા ખાલી રાખવાનો સ્પષ્ટ હુકમ કર્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application